Gujarat School Textbooks on Amazon: ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓની સુવિધા માટે એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. પાઠ્યપુસ્તકો વધુ સરળતાથી, ઝડપથી અને પારદર્શક રીતે ઉપલબ્ધ થાય તે માટે શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે પાઠ્યપુસ્તક મંડળ અને જાણીતી ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) વચ્ચે ઐતિહાસિક MoU કરવામાં આવ્યા છે.
‘ઈઝ ઓફ એજ્યુકેશન’ની દિશામાં ક્રાંતિકારી પગલું
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે- ડિજિટલ યુગમાં ગુજરાત સરકારે ‘ઈઝ ઓફ એજ્યુકેશન’ તરફ એક મોટું કદમ ઉઠાવ્યું છે. વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં શિક્ષણનું એક મજબૂત ઈકોસિસ્ટમ તૈયાર થઈ રહ્યું છે. આ કરાર હેઠળ તમામ માધ્યમ અને ધોરણોના પાઠ્યપુસ્તકો એમેઝોન પ્લેટફોર્મ પરથી ઓનલાઈન મેળવી શકાશે.
કોઈપણ ડિલિવરી ચાર્જ નહીં
આ પહેલની સૌથી મોટી વિશેષતા એ છે કે વાલીઓ કે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ જાતનો એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લેવામાં આવશે નહીં. પુસ્તકો પર છાપેલી મૂળ કિંમતે (MRP) જ ઓનલાઈન ઓર્ડર કરીને ઘરે બેઠા પુસ્તકો મંગાવી શકાશે. સરકારી શાળાઓમાં આપાતા વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો સિવાય, જે વિદ્યાર્થીઓને પુસ્તકો ખરીદવાની જરૂર હોય તેઓ હવે બુક સ્ટોર પર ગયા વિના જ ઓર્ડર કરી શકશે.
બુક સ્ટોર્સની લાંબી લાઈનો અને ધક્કામાંથી મળશે મુક્તિ
રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ મનુભાઈ પવરાએ જણાવ્યું હતું કે, સ્વનિર્ભર (Self-Finance) શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓને નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં બુક સ્ટોર્સ કે ડિસ્ટ્રિબ્યુટર્સની દુકાનો બહાર લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. એમેઝોનના વિશાળ લોજિસ્ટિક્સ નેટવર્કના કારણે હવે પુસ્તકો સીધા ઘર સુધી પહોંચશે, જેનાથી સમય અને નાણાં બંનેની બચત થશે.
દર વર્ષે 1.5 કરોડ પુસ્તકોનું વિતરણ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દર વર્ષે સ્વનિર્ભર શાળાઓ માટે અંદાજે 1.5 કરોડ ગુણવત્તાસભર પાઠ્યપુસ્તકો તૈયાર કરે છે. અગાઉ આ પુસ્તકો માત્ર જિલ્લા વાઇઝ અધિકૃત વિતરકો અને સ્થાનિક વિક્રેતાઓ મારફતે જ વેચાતા હતા, પરંતુ હવે ડિજિટલ પ્લેટફોર્મ ઉમેરાતાં સમગ્ર પ્રક્રિયા વધુ સરળ બનશે.
કર્મયોગીઓ અને શિક્ષકોનું સન્માન
કાર્યક્રમ દરમિયાન પ્રિન્ટિંગ અને પેપરની વૈશ્વિક કટોકટી વચ્ચે પણ દિવસ-રાત મહેનત કરીને સમયસર પુસ્તકો ઉપલબ્ધ કરાવનારા પાઠ્યપુસ્તક મંડળના કર્મયોગીઓ અને માનદ સેવા આપનારા શિક્ષકોને શિક્ષણ મંત્રી દ્વારા પ્રશંસાપત્ર (સર્ટિફિકેટ) આપીને બિરદાવવામાં આવ્યા હતા.
એમેઝોન ઇન્ડિયાનું નિવેદન
એમેઝોન ઇન્ડિયાના કેટેગરી લીડર (બુક્સ) રાશિ બહાદુરે જણાવ્યું હતું કે, ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સામગ્રી સુધી પહોંચવું એ દરેક વિદ્યાર્થીનો હક છે. ગુજરાત જેવા શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર રાજ્ય સાથે ભાગીદારી કરવા બદલ એમેઝોન ગર્વ અનુભવે છે અને લાખો વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સુધી વાજબી ભાવે પુસ્તકો સમયસર પહોંચાડવા કંપની સંપૂર્ણ કટિબદ્ધ છે.
ઉપસ્થિત મહાનુભાવો
આ પ્રસંગે પાઠ્યપુસ્તક મંડળના નિયામક વિનયગીરી ગોસાઈ, નાયબ નિયામક હર્ષદ ચૌધરી, એમેઝોનના પ્રતિનિધિઓ રાશિ બહાદૂર અને મલય ચૌધરી તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
