Ahmedabad Metro Timings: અમદાવાદમાં આઇપીએલનો ક્રેઝ ક્રિકેટ રસીકોમાં જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમની ટિકિટ લેવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઇકાલે ક્રેકિટ રસિયાઓનો ધસારો જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદ મેટ્રો (Ahmedabad Metro) દ્વારા પણ ક્રેકિટ રસિકો માટે એક ખાસ ઓફર આપવામાં આવી રહી છે. અમદાવાદમાં 26 અને 28 મેના રોજ યોજાનારી IPLની મેચને ધ્યાનમાં રાખીને GMRCએ સ્પેશિયલ પેપર ટિકીટ બહાર પાડી છે. રૂ. 25ના ફિક્સ દરે કોઇપણ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ સુધી મુસાફરી કરી શકાશે. તેમજ મેટ્રો સેવાનો સમય પણ લંબાવવામાં આવ્યો છે.
સવારે 7થી રાત્રે 1.30 સુધી મળશે મેટ્રો રેલ
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે 26 અને 28મી મે 2023ના રોજ યોજાનારી આગામી IPL -2023 ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, GMRCએ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના 7 વાગ્યાથી રાત્રિના 1.30 વાગ્યા સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે દર્શાવેલા IPL મેચોના દિવસોમાં પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકીટ બહાર પાડી છે.
સ્પેશિયલ પેપર ટિકીટની વિશેષતાઓ
- સ્પેશ્યલ પેપર ટિકિટનું ભાડું વ્યક્તિ દીઠ ફિકસ રૂ. 25 રહેશે, જેનો ઉપયોગ ફક્ત મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી બીજા કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે.
- IPL મેચના દિવસે સાંજના સમયે ટિકીટ ખરીદવા માટે રાહ જોવાનો સમય ટાળવા મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પર અગાઉથી બપોરે 12 વાગ્યાથી સ્પેશ્યલ પેપર ટિકીટની ખરીદી કરી શકાશે.
- IPL મેચોના દિવસોમાં લંબાવેલા ટ્રેન સમય દરમિયાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સ્પેશિયલ પેપર ટિકીટથી મુસાફરી કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે.
- સ્પેશિયલ પેપર ટિકીટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ) સાથેની એન્ટ્રી પણ હંમેશની જેમ ઉપલબ્ધ રહેશે.
- આ અંગે જીએમઆરસીના રેગ્યુલર વાણિજ્ય નિયમો/પ્રક્રિયાઓ સ્પેશ્યલ પેપર ટિકીટ પર લાગુ પડશે.