Gujarat Local Body Election 2026 Voting LIVE Updates (ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 મતદાન LIVE): બુલડોઝર અને અશાંતધારાના મુદ્દે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘર્ષણ વધુ તેજ બન્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભાજપના વરિષ્ઠ નેતા ગોરધન ઝડફિયાએ આક્રમક રીતે પલટવાર કર્યો હતો. ઝડફિયાએ ભારપૂર્વક જણાવ્યું કે, બુલડોઝરની કાર્યવાહી કોઈ ચોક્કસ ધર્મના આધારે નહીં, પરંતુ વ્યક્તિના ગુનાહિત ઈતિહાસ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આ સાથે તેમણે અન્ય સમાજના મતદારોને જાગૃત થઈને, વર્તમાન પરિસ્થિતિમાંથી બોધપાઠ લઈ, ભવિષ્યમાં વધુ સક્રિયપણે મતદાન કરવા માટે અપીલ કરી હતી.
By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 26 Apr 2026 06:00 AM (IST)Updated: Sun, 26 Apr 2026 06:25 PM (IST)

26 Apr 2026, 06:03 PMઇમરાન ખેડાવાલાના નિવેદન પર ગોરધન ઝડફિયાનો પલટવાર
બુલડોઝર અને અશાંતધારાના મુદ્દે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘર્ષણ વધુ તેજ બન્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભાજપના વરિષ્ઠ નેતા ગોરધન ઝડફિયાએ આક્રમક રીતે પલટવાર કર્યો હતો. ઝડફિયાએ ભારપૂર્વક જણાવ્યું કે, બુલડોઝરની કાર્યવાહી કોઈ ચોક્કસ ધર્મના આધારે નહીં, પરંતુ વ્યક્તિના ગુનાહિત ઈતિહાસ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આ સાથે તેમણે અન્ય સમાજના મતદારોને જાગૃત થઈને, વર્તમાન પરિસ્થિતિમાંથી બોધપાઠ લઈ, ભવિષ્યમાં વધુ સક્રિયપણે મતદાન કરવા માટે અપીલ કરી હતી.
26 Apr 2026, 05:21 PMદેશભક્તિના માહોલ વચ્ચે અમદાવાદના મણિનગરમાં મતદાન
અમદાવાદના મણિનગર સ્થિત વોર્ડ નંબર 37માં લોકશાહીના પર્વની અનોખી અને દેશભક્તિસભર રીતે ઉજવણી કરવામાં આવી હતી. મતદાન મથક પર ઉમેદવારે સામાન્ય જનતા સાથે મળીને રાષ્ટ્રીય ગીત ગાઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાષ્ટ્રગાનના ગુંજારવથી વાતાવરણમાં એક નવો જોમ ભરાયો હતો અને મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશભક્તિના નારા લગાવતા મોટી સંખ્યામાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે મતદાન પ્રક્રિયા એક ઉત્સવ સમાન બની રહી હતી.
26 Apr 2026, 04:44 PMવડોદરામાં માતાએ 4 માસના બાળક સાથે કર્યું મતદાન
વડોદરામાં લોકશાહીના પર્વની ઉજવણી દરમિયાન એક હૃદયસ્પર્શી દૃશ્ય જોવા મળ્યું હતું, જ્યાં એક જાગૃત માતા પોતાના 4 માસના માસૂમ બાળકને કેડમાં તેડીને મતદાન કરવા પહોંચી હતી. ફતેપુરા વિસ્તારની એક શાળામાં આવેલા મતદાન મથકે આ મહિલાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પોતાના નાના બાળક સાથે મતદાન કરીને આ માતાએ સમાજને મતદાન જાગૃતિનો એક પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો હતો, જે લોકશાહી પ્રત્યેની તેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે.
26 Apr 2026, 04:36 PMભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઝપાઝપી
વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં આવેલી નાની શાકમાર્કેટ વિસ્તારની રમણલાલ શાહ પ્રાથમિક શાળાના મતદાન મથક પર આજે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. મતદાનની પ્રક્રિયા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સમર્થકો સામસામે આવી જતાં જોરદાર ઝપાઝપી થઈ હતી. આ ઘટનાને પગલે મથક પર અફરાતફરી મચી ગઈ હતી અને મતદારોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે DCB, PCB અને સ્થાનિક પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવતા આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો.
26 Apr 2026, 04:25 PMસાંસદો,ધારાસભ્યો, મંત્રીઓએ કર્યું મતદાન
રાજ્યભરમાં યોજાઈ રહેલા મતદાન પર્વમાં અનેક દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જામનગરના સાંસદ પૂનમબેન માડમ, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, પાટણ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સુરતના સાંસદ પ્રભુભાઈ વસાવા અને શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા સહિતના અગ્રણીઓએ પોતપોતાના વિસ્તારોમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. આ તમામ નેતાઓએ લોકશાહીના આ મહાપર્વમાં જોડાઈને નાગરિકોને, ખાસ કરીને મહિલા મતદારો અને યુવાનોને, વધુમાં વધુ સંખ્યામાં બહાર આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીને મજબૂત બનાવવા માટે જોરદાર અપીલ કરી હતી. કેટલાક નેતાઓએ વિકાસના મુદ્દાઓ અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણને ધ્યાને રાખી મતદાન કરવા પર ભાર મૂક્યો હતો.
26 Apr 2026, 04:19 PMઅમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું વિવાદિત નિવેદન
અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના એક વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે "બુલડોઝરની કાર્યવાહીનો બદલો લેવાનો સમય પાકી ગયો છે" અને લઘુમતી મતદારોને મતદાન દ્વારા જવાબ આપવા અપીલ કરી. ખેડાવાલાએ વધુમાં અશાંતધારા જેવા કાયદાઓ વિરુદ્ધ મતદાન કરવા પણ આહ્વાન કર્યું હતું, જેના પગલે અન્યાયનો બદલો મતદાન દ્વારા લેવાના તેમના નિવેદનથી વ્યાપક વિવાદ સર્જાયો છે.
26 Apr 2026, 04:10 PMગોતા વિસ્તારમાં રહેતા દર્શિત રાવલની કલાત્મક મહેનત આખરે રંગ લાવી
અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા દર્શિત રાવલની કલાત્મક મહેનત આખરે રંગ લાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે દર્શિતે બનાવેલી એક પેઇન્ટિંગ પર 'વંદે માતરમ્' લખીને ઓટોગ્રાફ આપ્યો હતો, જે દર્શિત માટે એક અવિસ્મરણીય ક્ષણ બની રહી. સવારે ૯ વાગ્યાથી ગૃહમંત્રીની રાહ જોઈ રહેલા દર્શિતની ધીરજ અને સમર્પણ ફળદાયી નીવડ્યા.
26 Apr 2026, 03:55 PMનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વપૂર્ણ નિવેદન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે અન્ય રાજકીય પક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ ચૂંટણીને ધર્મ આધારિત બનાવી રહ્યા છે, જે લોકશાહીમાં યોગ્ય નથી. સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું કે ચૂંટણીઓ ધર્મ આધારિત ન હોઈ શકે અને તેમણે મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી. આ ઉપરાંત, સુરતમાં બનેલી દીકરીની છેડતીની ઘટના અંગે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે આવા સંવેદનશીલ મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ. તેમણે ઉમેર્યું કે આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
26 Apr 2026, 03:54 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે ચાની ચુસ્કીનો આનંદ માણ્યો
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યા બાદ કાર્યકર્તાઓ સાથે ચાની ચુસ્કી માણી હતી. લોકશાહીના આ પર્વની ઉજવણી વચ્ચે, મુખ્યમંત્રીએ કોઈપણ પ્રોટોકોલને બાજુ પર રાખીને એક સામાન્ય નાગરિકની જેમ કાર્યકર્તાઓ સાથે હળવાશભર્યો સંવાદ કર્યો હતો. તેમની આ સાદગીએ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને નવી ઊર્જાનો સંચાર કર્યો હતો. જનતાના પ્રતિનિધિ તરીકે કાર્યકર્તાઓ વચ્ચે બેસીને તેમણે લોકશાહીના આ ઉત્સવને ખરા અર્થમાં જીવંત બનાવ્યો હતો.
26 Apr 2026, 03:34 PMવડોદરામાં મોગલવાડા વિસ્તારમાં મતદાન માટે અનોખો પ્રયાસ
વડોદરાના મોગલવાડા વિસ્તારમાં આગામી મતદાનને ધ્યાનમાં રાખીને મતદારોમાં જાગૃતિ લાવવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં ઢોલ-નગારા વગાડીને લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી વધુમાં વધુ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ લઘુમતી સમુદાયના લોકોને મતદાનનું મહત્વ સમજાવી તેમને જાગૃત કરવાનો હતો, જેથી લોકશાહી પ્રક્રિયામાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરી શકાય.
26 Apr 2026, 03:05 PMઆમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ કર્યું મતદાન
આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ ગુજરાતના મતદારોને આજે સાંજે 6 વાગ્યા પહેલાં પોતાનો મતાધિકાર અવશ્ય વાપરવા માટે અપીલ કરી છે. તેમણે લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક વ્યક્તિને મતદાન કરવા અને અન્યોને પણ મતદાન કરાવવા જણાવ્યું હતું. દેસાઈએ ભારપૂર્વક જણાવ્યું કે તમારો એક મત પરિવર્તન લાવી શકે છે અને આગામી પાંચ વર્ષના ભવિષ્યનો નિર્ધાર કરી શકે છે. તેમણે સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય અને કર્મઠ ઉમેદવારની પસંદગી કરવા માટે પણ લોકોને અનુરોધ કર્યો હતો.
26 Apr 2026, 03:04 PMભરૂચમાં મીણબત્તીના અજવાળે મતદાન
ગુજરાત રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો રણશિંગુ ફૂંકાયું છે. સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી, જે જનતાની જાગૃતિ અને લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા દર્શાવે છે. જોકે, આ પર્વમાં ક્યાંક અંધકારે વિઘ્ન નાખ્યું તો ક્યાંક તકનીકી ખામીઓએ મતદારોની ધીરજની કસોટી કરી હતી. આમ છતાં, મતદારોના ઉત્સાહ સામે તમામ પડકારો વામણા સાબિત થયા હતા.
26 Apr 2026, 03:01 PMવડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણે પરિવાર સાથે કર્યું મતદાન
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વડોદરામાં આજે હાઈપ્રોફાઈલ મતદાન જોવા મળ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણે આજે વડોદરાના તાંદલજા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે એક અત્યંત મહત્વનું અને રાજકીય રીતે ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું.
26 Apr 2026, 02:58 PMસુરત મનપાની ચૂંટણીમાં અલ્પેશ કથીરિયાએ કર્યું મતદાન
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં અલ્પેશ કથીરિયા અને તેમના પત્ની કાવ્યા કથીરિયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વોર્ડ નંબર ત્રણના ઉમેદવાર કાવ્યા કથીરિયાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પણ સુરત ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું અને ગુજરાતના તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી.
26 Apr 2026, 02:56 PMસુરતમાં હોસ્પિટલમાં દાખલ દર્દી એમ્બ્યુલન્સ મારફતે મતદાન કરવા પહોંચ્યા
સુરતના વોર્ડ નંબર ચારમાં આવેલા બુથ નંબર 24 ખાતે એક પ્રેરણાદાયક ઘટના જોવા મળી, જ્યાં પી પી સવાણી હોસ્પિટલમાં દાખલ કિડનીના દર્દી ઉમેશભાઈ મિશ્રાએ એમ્બ્યુલન્સ મારફતે મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. છેલ્લા ચાર-પાંચ દિવસથી બીમારીના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઉમેશભાઈએ મતદાનના દિવસે હોસ્પિટલ પ્રશાસનને મતદાન કરવાની ઈચ્છા જણાવી હતી. દર્દીની ઈચ્છાને માન આપીને, હોસ્પિટલ દ્વારા તેમના પૂરતા મેડિકલ ચેકઅપ બાદ ડોક્ટરની ટીમ સાથે એમ્બ્યુલન્સ મારફતે તેમને મતદાન મથકે પહોંચાડવામાં આવ્યા હતા. આ રીતે, નાજુક હાલતમાં પણ ઉમેશભાઈએ લોકશાહીના આ પર્વમાં ભાગ લઈને અન્યો માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
26 Apr 2026, 02:55 PMપ્રફુલભાઈ પાનશેરીયાએ સુરતના મોટા વરાછા ખાતે લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંતર્ગત આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મંત્રીએ સુરતના વોર્ડ નં.૨ મોટા વરાછા વિસ્તારના બૂથ પર જઈ લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈને મતદાન કર્યું હતું. આ પ્રસંગે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એ લોકશાહીનો પાયો છે. શહેર, ગામ, નગર ના વિકાસ અને સુખાકારી માટે મતદાન કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. મંત્રીશ્રીએ મતદાન મથક પર પહોંચીને સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મંત્રીશ્રીએ મતદાન મથક પર વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી ફરજ પરના કર્મચારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
26 Apr 2026, 01:44 PMવિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે મતદાન કર્યું
રાજ્યના એક અગ્રણી સામાજિક અગ્રણી અને વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે આજે મહેસાણાની ન્યુ પ્રોગ્રેસીવ હાઈસ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે મતદારોને સંબોધતા જણાવ્યું હતું કે, મતદાન એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. તેમણે સનાતન ધર્મની રક્ષા માટે પણ મતદાન કરવા અપીલ કરી હતી. આર.પી.પટેલે ભારપૂર્વક કહ્યું કે, જે લોકો મતદાન કરતા નથી, તેમને ભવિષ્યમાં સરકાર સામે કોઈપણ પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી.
26 Apr 2026, 01:33 PMસુરતમાં મતદાન મથકનો ઇવીએમનો વીડિયો વાયરલ
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન એક મતદાન મથકનો EVM વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. આ વીડિયો આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણના એક સોશિયલ મીડિયા પેજ પર અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં એક મતદાર કયા પક્ષને મત આપી રહ્યો છે તે દર્શાવવામાં આવ્યું છે. જે મતદાનની ગોપનીયતા અને નિયમોના સંભવિત ભંગ અંગે સવાલો ઉભા કરે છે.
26 Apr 2026, 12:44 PMસાવલી નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નં. 2માં EVMમાં ક્ષતિ સર્જાતા ભાજપનો હોબાળો
વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે યોજાઈ રહેલા મતદાન દરમિયાન વોર્ડ નંબર 2માં ભારે હોબાળો મચ્યો હતો. મતદાન મથક પર રાખવામાં આવેલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) માં ટેકનિકલ ખામી સર્જાતા અને ચોક્કસ ક્રમનું બટન ન દબાતા ભાજપના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવી મતદાન પ્રક્રિયા અટકાવી દીધી હતી.
26 Apr 2026, 12:27 PMવરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પરિવાર સાથે કર્યું મતદાન
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ આજે પોતાના પરિવાર સાથે વોર્ડ નંબર-5 ખાતે લોકશાહીના પર્વમાં ભાગ લીધો અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પ્રસંગે તેમણે તમામ નાગરિકોને લોકશાહીના આ મહાપર્વમાં જોડાઈને અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી. કુમાર કાનાણીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભલે છેલ્લા દસ વર્ષથી વિપક્ષ જીતી રહ્યો હોય, પરંતુ આ વખતે મતદારો ભાજપ તરફી મતદાન કરીને પરિવર્તન લાવશે.
26 Apr 2026, 12:21 PMરાજકોટમાં વોર્ડ 4માં બોગસ મતદાનનો કોંગ્રેસે કર્યો આક્ષેપ
રાજકોટના વોર્ડ 4માં બોગસ મતદાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા થોડો સમય મામલો ગરમાયો હતો. એક મહિલાના નામે બીજી મહિલા મતદાન કરી ગઇ હોવાના આક્ષેપ છે. મહિલા દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.
26 Apr 2026, 11:38 AMવડોદરામાં 1M ફોલોઅર્સ ધરાવતી અંકિતા પરમારે પતિ સાથે કર્યું મતદાન
વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીના જંગમાં આજે સવારથી જ મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર વડોદરાની હાઈપ્રોફાઈલ ગણાતી પોર બેઠક રહી હતી. ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી સોશિયલ મીડિયા સેન્સેશન અને ભાજપના ઉમેદવાર અંકિતા પરમારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
26 Apr 2026, 10:58 AMAAP ધારાસભ્ય ચૈતર વસાવાએ પરિવાર સાથે પોતાના બોગજ ગામે મતદાન કર્યું
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમના વતન બોગજ ગામે પોતાના પરિવાર સાથે લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બંધારણે તેમને જે વોટ આપવાનો અધિકાર આપ્યો છે, તેનો તેમણે સદુપયોગ કર્યો છે. આ સાથે તેમણે ગુજરાતની સમગ્ર જનતાને અપીલ કરી હતી કે તેમને મળેલા મતના અધિકારનો અવશ્ય ઉપયોગ કરે. વસાવાએ વધુમાં તમામ લોકોને મતદાન કરીને દેશની લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે ખાસ વિનંતી પણ કરી હતી.
26 Apr 2026, 10:55 AMકોંગ્રેસના ઉમેદવાર મકબુક દાવદાણી સહિત 20 લોકોની પોલીસે અટકાયત
રાજકોટના વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવાર મકબુક દાવદાણી સહિત 20 લોકોની પોલીસે અટકાયત કરી છે. મતદાન મથકના 100 મીટરની અંદર પ્રચાર કરતા હોવાના આરોપસર પોલીસે આ કાર્યવાહી કરી હતી. હાલ આ સમગ્ર મામલો થોરાળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
26 Apr 2026, 10:47 AMકેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત છે. જેમનું તેમણે અભિવાદન ઝીલ્યું છે. અમિત શાહ સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઉભા રહ્યાં હતા અને પરિવાર સાથે મતદાન કર્યું હતું.
26 Apr 2026, 10:42 AMવાસણા વોર્ડમાં બેલેટ યુનિટમાં બટનની ફરિયાદ, યુનિટ બદલવામાં આવ્યું
વાસણા વોર્ડના બુથ નંબર 43 પર આવેલી G.B.Shah કોલેજ ખાતે મતદાન પ્રક્રિયા દરમિયાન એક બેલેટ યુનિટ (BU) માં બટન દબાવવામાં સહેજ મુશ્કેલી હોવાની ફરિયાદ મળી હતી. જોકે, મતદારો દ્વારા મત આપ્યા બાદ લાલ લાઇટ થતી હોવાથી મત સફળતાપૂર્વક નોંધાઈ રહ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. આ બાબતે માસ્ટર ટ્રેનર દ્વારા સ્થળ પર જ અંગત રીતે મશીનની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં મશીન સંપૂર્ણ કાર્યરત સ્થિતિમાં હોવાની પુષ્ટિ મળી હતી. આમ છતાં, કોઈપણ પ્રકારની શંકા કે અગવડતા ટાળવા અને મતદારોના વિશ્વાસને જાળવી રાખવા માટે સાવચેતીના ભાગરૂપે તે બૂથ પરના બેલેટ યુનિટને બદલી દેવામાં આવ્યું હતું.
26 Apr 2026, 10:18 AMવડોદરામાં માંજલપુરથી ફતેપુરા સુધી મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ
સંસ્કારી નગરી વડોદરામાં આજે લોકશાહીના મહાપર્વ નિમિત્તે મતદાનનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જેમાં યુવાનોથી લઈને વૃદ્ધો અને મહિલાઓમાં ભારે ઉત્સાહ વર્તાતો હતો.
26 Apr 2026, 10:10 AMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મતદાન કરવા પહોંચ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા છે. શિલજમાં તેઓ મતદાન કરશે. 11 વાગ્યાની આસપાસ અમિત શાહ પરિવાર સાથે મતદાન કરવા પહોંચશે.
26 Apr 2026, 09:43 AMપૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીના પત્ની અંજલિ બેન રૂપાણીએ મતદાન કર્યું
પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીના પત્ની અંજલિ બેન રૂપાણી આજે રાજકોટ મહાનગરપાલિકાની યોજાઈ રહેલી ચૂંટણી મતદાન કરવા માટે પહોંચ્યા હતા તેઓ મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ભાવુક થયા હતા અને જણાવ્યું હતું કે લગ્ન બાદ પહેલી વખત પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણી વગર આજે પ્રથમ વખત મતદાન કર્યું છે. અને તેઓની પ્રચાર દરમિયાન પણ ઘણી બધી કોર્ટ વર્તાઈ હતી.
26 Apr 2026, 09:39 AMસીઆર પાટીલ અને ગેનીબેન ઠાકોરે કર્યું મતદાન
કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અને નાગરિકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર મતદાન કર્યું હતું અને સૌને મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
26 Apr 2026, 09:30 AMજીવનનો પ્રથમ મતાધિકાર ઉપયોગ કરી મતદાતા ગૌરવ અનુભવ્યો
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ રાજપીપલા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન હેતવી ધોળિયાએ પોતાના જીવનનો પ્રથમ મતાધિકાર ઉપયોગ કરીને પ્રથમ વખત મતદાન કર્યું હતું. આ પ્રસંગે તેણીએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી અને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવાનો આનંદ અનુભવ્યો હતો.
26 Apr 2026, 09:18 AMવડોદરામાં BAPS ના 50 થી વધુ સંતોએ કર્યું મતદાન
લોકશાહીના સૌથી મોટા ઉત્સવ સમાન ચૂંટણીનો માહોલ અત્યારે ચરમસીમાએ છે. "લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી અને ચૂંટણીની ફર્ઝ એટલે મતદાન" ના સૂત્રને સાર્થક કરતા આજે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભક્તિ અને કર્તવ્યનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વડોદરાના અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના 50 થી વધુ સંતોએ મતદાન મથક પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.


26 Apr 2026, 08:58 AMનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મતદાન કરવા પહોંચ્યા
સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું.
26 Apr 2026, 08:58 AMભાજપ પ્રદેશ પ્રમુખે પરિવાર સાથે કર્યું મતદાન,
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં લોકશાહીના ઉત્સવ રૂપે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે "વિકાસની રાજનીતિ" ના વિજય અંગે પોતાનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સાથે જ તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈને 100% મતદાન કરવા માટે ખાસ અપીલ કરી હતી.
26 Apr 2026, 08:39 AMતાપી : પદ્મશ્રી રમીલાબેન ગામીતએ કર્યું મતદાન
તાપી જિલ્લામાં લોકશાહીના મહાપર્વ નિમિત્તે, પદ્મશ્રી રમીલાબેન ગામીતએ સોનગઢ તાલુકાના ટપરવાડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર જોડાઈને પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરવા અને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી.
26 Apr 2026, 08:34 AMજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે. લોકોમાં પણ સવારથી જ મતદાન કરવાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જામનગર શહેરના વોર્ડ નં.1 થી 16માં કુલ 206 ઉમેદવારો છે. અને કુલ 4,42,829 મતદારો નોંધાયા છે. જેમના માટે 414 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે.
26 Apr 2026, 08:23 AMપીએમ મોદીએ દિલ્હીથી બેલેટ પેપેરથી મતદાન કર્યું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન કરવા મતદાતાઓમાં વહેલી સવારથી એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતેથી બેલેટ પેપરથી મતદાન કર્યું છે. જ્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સવારે 11 વાગ્યાની આસપાસ પરિવાર સાથે મતદાન કરવા આવશે.
26 Apr 2026, 08:17 AMજૂનાગઢ જિલ્લામાં લોકશાહીના પાવન પર્વનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો
જૂનાગઢ જિલ્લામાં લોકશાહીના પાવન પર્વનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો. મતદારોમાં ભારે ઉત્સાહ સાથે લોકો મતદાન મથકો તરફ ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ મતદારો પોતાના દૈનિક કામકાજ પહેલાં મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી રહ્યા છે. https://twitter.com/collectorjunag/status/2048231804977745952
26 Apr 2026, 08:12 AMલગ્નમાં જતા પહેલા મતદાન મથકે પહોંચી પોતાનો કિંમતી મત આપ્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસે ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામના રહેવાસી જંખનાબેનના ઘરે લગ્નનો પ્રસંગ હતો. લગ્ન જેવા મહત્ત્વના અને વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે સામાન્ય રીતે લોકો ઘરના કામકાજમાં ગૂંચવાયેલા રહેતા હોય છે. પરંતુ જંખનાબેને "પહેલા મતદાન, પછી અન્ય કાર્ય" ના મંત્રને સાર્થક કરતા, લગ્નમાં જતા પહેલા મતદાન મથકે પહોંચી પોતાનો કિંમતી મત આપ્યો હતો.
26 Apr 2026, 08:11 AMપાટણ જિલ્લામાં મતદારો સવારથી જ મતદાન મથકો પર પહોંચ્યા
પાટણ જિલ્લામાં મતદારો સવારથી જ મતદાન મથકો પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવામાં સહભાગી બન્યા હતા. સાથે જ મતદાન કરનાર નાગરિકોએ અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કર્યા હતા, જેના કારણે જિલ્લામાં લોકશાહી પ્રત્યેનો સકારાત્મક માહોલ સર્જાયો છે.
26 Apr 2026, 07:56 AMકર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ સવારમાં જ કર્યું મતદાન
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટના વોર્ડ નંબર-8માં હરિહર કોમ્યુનિટી હોલ ખાતે આવેલા મતદાન મથક નંબર-35માં સવારમાં જ મતદાન કર્યું હતું. આ તકે તેમણે નાગરિકોને પણ મતદાન માટે અપીલ કરી હતી.

26 Apr 2026, 07:52 AMરાજકોટમાં 85 વર્ષીય વયોવૃદ્ધ દંપતીએ સવારમાં જ સજોડે ઉત્સાહભેર કર્યું મતદાન
રાજકોટ મહાનગરમાં મતદાનનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. સિનિયર સિટીઝન પણ સવારમાં મતદાન માટે આવી રહ્યા છે. વોર્ડ નંબર-8માં હરિહર કોમ્યુનિટી હોલ ખાતે આવેલા મતદાન મથક નંબર-35માં 85 વર્ષીય વરિષ્ઠ નાગરિક નલિન ભટ્ટ તથા કિરણ ભટ્ટ વોકિંગ સ્ટીક સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. આ વયોવૃદ્ધ દંપતીએ સજોડે મતદાન કર્યું હતું. આ સાથે તેમણે અન્ય નાગરિકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
26 Apr 2026, 07:46 AMવડોદરા: માંજલપુરની અંબે સ્કૂલમાં EVM ખોટકાયું
લોકશાહીના પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, પરંતુ માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલના રૂમ નંબર 30 માં ટેકનિકલ ખામીને કારણે મતદાન પ્રક્રિયા ખોરવાતા વાતાવરણ ગરમાયું હતું. વહેલી સવારના 7 વાગ્યાથી લાઈનમાં ઉભેલા મતદારોનું EVM ખોટકાવવાને કારણે કલાકો સુધી મતદાન અટકી પડ્યું હતું.
26 Apr 2026, 07:14 AM48,450 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ: 48,450 મતદાન મથકો પર 4 કરોડથી વધુ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ ગુજરાતભરમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના કુલ 48,450 મતદાન મથકો પર 4 કરોડ 8 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી થશે. આ ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે 2,64,715 જેટલો પોલિંગ સ્ટાફ કાર્યરત છે, જ્યારે સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે 92,583 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ખાસ કરીને રાજ્યના 14,275 સંવેદનશીલ અને 2,196 અતિસંવેદનશીલ મતદાન મથકો પર વહીવટી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે જેથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ શકે.
26 Apr 2026, 07:06 AMસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે મતદાન પ્રક્રિયા શરૂ
સવારે સાત વાગ્યાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 25 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ આજે મતપેટીમાં કેદ થશે. મતદાતાઓ દ્વારા ચૂંટણી જંગમાં ઝંપલાવનાર ઉમેદવારોનું ભાગ્ય આજે નક્કી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આજે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 100 ટકા મતદાન કરવા સૌ નાગરિકોને અપિલ કરી છે. લોકશાહીના આ પવિત્ર મહાપર્વ માં રાજ્યના તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.
26 Apr 2026, 06:54 AMરાજ્યમાં કુલ 25526 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
સમગ્ર રાજ્યમાં કુલ 25526 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પકડ જાળવતા કુલ 721 બેઠકો પર તેના ઉમેદવારો બિનહરિફ વિજેતા જાહેર થયા છે. હવે બાકીની બેઠકો પર ખરાખરીનો જંગ ખેલાશે, જેમાં મુખ્યત્વે ભાજપના 9245, કોંગ્રેસના 8443 અને આમ આદમી પાર્ટી (આપ) ના 5263 ઉમેદવારો સામસામે છે, જ્યારે 2575 બેઠકો પર અપક્ષ અને અન્ય પક્ષોના ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે.
26 Apr 2026, 06:45 AMઆ બેઠકો પર ચૂંટણી નહીં યોજાય
કેટલીક બેઠકો પર વિવિધ કારણોસર હાલ ચૂંટણી યોજાશે નહીં. પાટણ જિલ્લાની હારીજ તાલુકા પંચાયતની 1-અડીયા બેઠક અને મહેસાણા જિલ્લાની સતલાસણા તાલુકા પંચાયતની 11-સતલાસણા-02 બેઠક પર એક પણ ઉમેદવાર તરફથી ફોર્મ ભરાયા ન હોવાથી ત્યાં ચૂંટણી યોજાશે નહીં. આ ઉપરાંત, સુરતની બારડોલી તાલુકા પંચાયતની 3-આસ્તામ બેઠક, અમદાવાદની બાવળા તાલુકા પંચાયતની 4-દહેગામડા બેઠક, સાબરકાંઠાની વિજયનગર તાલુકા પંચાયતની 6-ચિતરીયા બેઠક અને ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની ચિભલોડ બેઠક પર માન્ય રાજકીય પક્ષના ઉમેદવારોના અવસાનના કારણે ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠકો માટે આગામી સમયમાં નવેસરથી ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
26 Apr 2026, 06:23 AMમહાનગરપાલિકાઓમાં કુલ 3048 ઉમેદવારો મેદાનમાં
મહાનગરપાલિકાઓની વિગતો જોઈએ તો, રાજ્યની 15 મહાનગરપાલિકાઓની કુલ 1044 બેઠકો પૈકી 43 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરિફ થયા છે. હવે બાકીની બેઠકો માટે કુલ 3048 ઉમેદવારો મેદાનમાં છે. આ લડાઈમાં ભાજપના 1002 ઉમેદવારોની સામે કોંગ્રેસના 951 અને આમ આદમી પાર્ટીના 697 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે 498 ઉમેદવારો અપક્ષ અથવા અન્ય પક્ષોના છે. અમદાવાદમાં સૌથી વધુ 653 અને સુરતમાં 483 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે.
26 Apr 2026, 06:00 AMજિલ્લા પંચાયતોમાં કુલ 2889 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
જિલ્લા પંચાયતોમાં ભાજપના 51 ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે અને હવે કુલ 2889 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપના 1000 અને કોંગ્રેસના 980 ઉમેદવારો વચ્ચે સીધો અને રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના 700 ઉમેદવારો અને 209 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે.
26 Apr 2026, 06:00 AMતાલુકા પંચાયતોમાં કુલ 14297 ઉમેદવારો મેદાનમાં
તાલુકા પંચાયતોની ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો છે, જ્યાં કુલ 14297 ઉમેદવારો મેદાનમાં છે. તાલુકા પંચાયતોમાં ભાજપના 259 ઉમેદવારો બિનહરિફ થયા છે. બાકીની બેઠકો પર ભાજપના 5079, કોંગ્રેસના 4882 અને આમ આદમી પાર્ટીના 3227 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. આ સ્તરે 1009 જેટલા અપક્ષ અને અન્ય ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે.
26 Apr 2026, 06:00 AMનગરપાલિકાઓમાં કુલ 5292 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
નગરપાલિકાઓમાં ભાજપના સૌથી વધુ 368 ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા છે. નગરપાલિકાઓમાં કુલ 5292 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. પક્ષવાર વિગતો મુજબ, અહીં ભાજપના 2164 ઉમેદવારોની સામે કોંગ્રેસે 1630 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીના 639 ઉમેદવારો અને 859 અપક્ષ કે અન્ય ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
26 Apr 2026, 06:00 AMમતદારો મતદાનના દિવસે 14 માન્ય પુરાવાના આધારે મતદાન કરી શકશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી અંતર્ગત 26 એપ્રિલ-2026, રવિવારના રોજ મતદાન યોજાનાર છે. કોઇપણ મતદાર પોતાનું નામ https://secsearch.gujarat.gov.in/search/default.aspx ઉપર જઇ સરળતાથી તેની વિગતો મેળવી શકે છે. મતદાનના દિવસે મતદારો પોતાના મતદાર કાર્ડનો ઉપયોગ કરી મતદાન કરી શકશે. તદ્ઉપરાંત મતદારો મતદાનના દિવસે નીચે જણાવેલ ૧૪ માન્ય પુરાવાના આધારે મતદાન કરી શકે છે.
- ફોટા સાથેનો પાસપોર્ટ
- ફોટા સાથેનું ડ્રાઈવીંગ લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)
- ફોટા સાથેનું ઈન્કમટેક્ષ (PAN) ઓળખકાર્ડ.
- રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ,
- પબ્લીક સેક્ટર બેન્કો અને પોસ્ટ ઓફિસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)
- અનુસૂચિત જાતિ/ અનુસૂચિત આદિજાતિ અન્ય પછાતવર્ગ (OBC) નું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચુંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)
- ફોટો સાથેના પેન્શન પ્રમાણપત્ર જેવા કે, માજી સૈનિકોની પેન્શન બુક-પેન્શન પેમેન્ટ ઓર્ડર/માજી સૈનિકની વિધવા આશ્રિતોના પ્રમાણપત્રો મોટી ઉંમરની વ્યક્તિના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર (ચૂંટણી તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ.)
- કેન્દ્ર સરકાર/ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકનાં ફોટા સાથેના ઓળખકાર્ડ,
- ફોટો સાથેના હથિયારોના લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)
- સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ)
- રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી યોજના (MNREGS) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના જોબ કાર્ડ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)
- કર્મચારી રાજ્ય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકર્તા. (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થવેલ)
- નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ
- UIDAI દ્વારા આપવામાં આવેલ "આધાર કાર્ડ"નો ઉપયોગ કરી શકાશે.
26 Apr 2026, 06:00 AMસવારે 7 વાગ્યાથી લાગશે મતદાતાઓની કતારો
આજે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે રાજ્યભરમાં મતદાન કરવામાં આવશે. મતદાન કરવા માટે સવારે 7 વાગ્યાથી લાગશે મતદાતાઓની કતારો લાગશે.
26 Apr 2026, 06:00 AMઆજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે. હવામાન વિભાગે આકરી ગરમીની આગાહી કરી છે. જેના પગલે મતદાતાઓને સવારના સમયમાં મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.