સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસની તૈયારીઃ 1090 જિલ્લા અને 5200 તાલુકા પંચાયતોની બેઠકોમાં જનસંવાદ, 17 મનપામાં ઘરે-ઘરે જશે

અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ થકી 17 મહાનગરોમાં ઘરે-ઘરે જઇ સૂચનો લેવાશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રજાલક્ષી જનતાનો મેનીફેસ્ટો તૈયાર કરવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 31 Dec 2025 04:20 PM (IST)Updated: Wed 31 Dec 2025 04:24 PM (IST)
gujarat-local-body-elections-2026-congress-pr-campaign-in-17-municipal-corporations-665480

Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં યોજાનારી છે. લોકલ બોડી ઇલેક્શન પૂર્વે કોંગ્રેસ દ્વારા સંગઠનાત્મક આયોજન અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે ‘મહા જનસંપર્ક અભિયાન’ની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાત કોંગ્રેસ દ્વારા 1 જાન્યુઆરી 2026થી રાજ્યવ્યાપી “મહાજનસંપર્ક અભિયાન” ની શરૂઆત કરવામાં આવશે. “Go to the People” કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસ ગુજરાતના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જઈને લોકો સાથે સીધો સંવાદ કરશે. જેના ભાગરૂપે 1090 જિલ્લા અને 5200 તાલુકા પંચાયતોની બેઠકોમાં જનસંવાદ કરાશે અને 17 મનપામાં કોંગ્રેસના કાર્યકરો ઘરે-ઘરે જઇને સંપર્ક સાધશે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતના ખૂણેખૂણે જઈને લોકોની વેદના સાંભળવામાં આવી રહી છે. જે અંતર્ગત કિસાન આક્રોશ યાત્રા દ્વારા સૌરાષ્ટ્રમાં સોમનાથથી દ્વારકા સુધી 11 જિલ્લાઓમાં 1100 કિમીનો પ્રવાસ ખેડી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવામાં આવી છે. ત્યારબાદ જનાક્રોશ યાત્રાના પ્રથમ ચરણમાં ઉત્તર ગુજરાતના 7 જિલ્લાઓમાં 1300 કિમીના પ્રવાસ દરમિયાન લોકોના પ્રત્યક્ષ પ્રશ્નો જાણ્યા હતા. હાલમાં 20 ડિસેમ્બરથી ફાગવેલથી શરૂ થયેલી મધ્ય ગુજરાતની જનાક્રોશ યાત્રાનું બીજા ચરણ ચાલી રહ્યું છે, જે 1400 કિમીનો પ્રવાસ કરી 6 જાન્યુઆરીએ દાહોદમાં સંપન્ન થશે.

1 જાન્યુઆરીથી કોંગ્રેસ આક્રમક રીતે ‘મહા જનસંપર્ક અભિયાન

આ યાત્રાઓને જનતાના મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને ઉઘાડી લૂંટ સામે લડવા માટે 1 જાન્યુઆરી, 2026થી કોંગ્રેસ આક્રમક રીતે ‘મહા જનસંપર્ક અભિયાન’ અને ‘ગો ટુ ધ પીપલ’ કાર્યક્રમ સાથે મેદાનમાં ઉતરશે. આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ 1090 જિલ્લા પંચાયત બેઠકો અને તેમાં સમાવિષ્ટ 5200 તાલુકા પંચાયત બેઠકો પર કોંગ્રેસ સીધો ‘જનસંવાદ’ સ્થાપિત કરશે. નાગરિકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરીને તેમની સમસ્યાઓને વાચા આપવા તથા પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલનની શરૂઆત કરવામાં આવશે.

17 મહાનગરપાલિકાઓમાં વોર્ડ દીઠ 'આપણે દ્વાર' કાર્યક્રમ

શહેરી સ્તરે કોંગ્રેસ દ્વારા 1 જાન્યુઆરીથી 17 મહાનગરોમાં વોર્ડ દીઠ “આપણે દ્વાર” કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના 17 મહાનગરોમાં કોંગ્રેસનો કાર્યકર દરેક ઘર સુધી પહોંચશે. આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના કાર્યકર્તાઓ દરેક પરિવાર સુધી ઘરે જઈને તેમના સૂચનો અને અભિપ્રાયો એકત્ર કરશે. કોંગ્રેસ એસી ઓફિસમાં બેસીને નહીં પરંતુ શિક્ષણ, રસ્તા, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર પ્રજાના પ્રત્યક્ષ સૂચનો મેળવીને તેના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જનતાનો મેનિફેસ્ટો તૈયાર કરશે.

વોર્ડ દીઠ ‘જનમંચ’ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે

આ ઉપરાંત, શહેરોમાં જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી, તેમના માટે વોર્ડ દીઠ ‘જનમંચ’ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ મંચ પરથી પ્રાપ્ત થયેલી ફરિયાદો અને ગેરવહીવટના પુરાવાઓને આધારે વોર્ડ વાઈઝ ‘જનાક્રોશ પદયાત્રા’ યોજી પ્રજાના ટેક્સના પૈસાની લૂંટ ચલાવનારાઓને ખુલ્લા પાડવામાં આવશે. કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ કર્યું છે કે આ અભિયાન મુઠ્ઠીભર લોકોના હિત માટે નહીં, પરંતુ ગુજરાતના બહોળા જનસમૂહના હક અને અધિકાર માટે છે. ગ્રામ્ય વિસ્તારોમાં “જન સંવાદ” કાર્યક્રમ દ્વારા અને શહેરી વિસ્તારોમાં “આપણે દ્વાર” કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ લોકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરશે.