Gujarat News Today Live: 31 ડિસેમ્બરની પાર્ટીઓ પૂર્વે મોટી કાર્યવાહીમાં, સ્ટેટ મોનિટરિંગ સેલે શહેર અને આસપાસના વિસ્તારોમાં ફાર્મ હાઉસની રેવ પાર્ટીઓમાં સપ્લાય થવા જઈ રહેલો રૂ. 15.12 લાખનો 432 ગ્રામ હાઈબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. આ કેસમાં એપલવુડ વિલા પાસેથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુખ્ય સપ્લાયર અર્ચિત અગ્રવાલ (એપલવુડ વિલા) થાઈલેન્ડથી આ હાઈબ્રિડ ગાંજો મંગાવતો હતો અને મર્સિડિસ કારનો ઉપયોગ કરી ડિલિવરી માટે ડ્રાઈવર રાખતો હતો. ડ્રાઈવર રાહુલ ભડોરિયા (ગાંધીનગર) ને એક ફેરાના રૂ. 10 હજાર ચૂકવવામાં આવતા હતા. છેલ્લા ચાર મહિનામાં રાહુલે 15 જેટલી ડિલિવરી કરી હોવાનું ખુલ્યું છે.
Gujarat SIR Update: બે દિવસીય કેમ્પમાં રાજ્યભરમાં 2.96 લાખથી વધુ ફોર્મ ભરાયા
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન તા. 27 અને 28 ડિસેમ્બરના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં મતદારોની સુલભતા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ઉપસ્થિત સ્ટાફે નાગરિકોને નવા મતદાર તરીકે જોડાવવા માટે ફોર્મ નં 6, મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ નં 7 અને નામ ટ્રાન્સફર તથા અન્ય સુધારા માટે ફોર્મ નં 8 ભરવામાં મદદ કરી હતી. આ બંને દિવસો દરમિયાન લગભગ 10 લાખ લોકોએ કેમ્પની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવ્યું હતું.
જેમાં તા. 27 ડિસેમ્બરે આ ખાસ કેમ્પ અંતર્ગત કુલ 1.22 લાખથી વધુ જ્યારે તા. 28 ડિસેમ્બરના રોજ 1.74 લાખથી વધુ ફોર્મ (ફોર્મ નં 6, 6એ, 7, 8) ચૂંટણી સ્ટાફને મળ્યા છે. આમ, બે દિવસ દરમિયાન કુલ 2.96 લાખથી વધુ ફોર્મ ચૂંટણી સ્ટાફને મળ્યા છે. તદુપરાંત અત્યારસુધીમાં સમગ્ર રાજ્યમાંથી કેમ્પના દિવસો અને તે સિવાયના દિવસોના કુલ 3.98 લાખ ફોર્મ મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ તથા મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા આ ફોર્મની ચકાસણી કરી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
