LIVE BLOG

Gujarat News Today Live: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત 30 સિનિયર IPS અધિકારીઓની ટીમ સરહદનાં ગામડાઓની મુલાકાતે જશે

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 05 Nov 2025 07:48 AM (IST)Updated: Wed 05 Nov 2025 04:53 PM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-05-november-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-632565

Gujarat News Today Live: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે,6 નવેમ્બરે, 30 સિનિયર IPS અધિકારીઓની ટીમ સાથે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ભારત-પાક સરહદી ગામડાઓની મુલાકાત લેશે. આ મુલાકાતનો મુખ્ય હેતુ સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો અને ગ્રામજનો સાથે સંવાદ-ખાટલા સભા યોજવાનો છે. આ દરમિયાન આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા સહિતના વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે. વિશેષ રૂપે, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ સિનિયર ઉચ્ચ અધિકારીઓ સર્કિટ હાઉસ કે હોટલને બદલે ગામના ભાતીગળ રહેઠાણ દેશી ભૂંગામાં રાત્રી રોકાણ કરશે.

5-Nov-2025, 04:51:44 PMનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત 30 સિનિયર IPS અધિકારી સરહદી ગામડાની મુલાકાતે જશે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે,6 નવેમ્બરે, 30 સિનિયર IPS અધિકારીઓની ટીમ સાથે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ભારત-પાક સરહદી ગામડાઓની મુલાકાત લેશે. આ મુલાકાતનો મુખ્ય હેતુ સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો અને ગ્રામજનો સાથે સંવાદ-ખાટલા સભા યોજવાનો છે. આ દરમિયાન આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા સહિતના વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે. વિશેષ રૂપે, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ સિનિયર ઉચ્ચ અધિકારીઓ સર્કિટ હાઉસ કે હોટલને બદલે ગામના ભાતીગળ રહેઠાણ દેશી ભૂંગામાં રાત્રી રોકાણ કરશે.

5-Nov-2025, 01:17:22 PMખેડૂતો માટે સારા સમાચાર: 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. સરકાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા અને તેમની સાથે ઊભા રહેવા પ્રતિબદ્ધ છે. મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ ખરીદી ૯મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. સરકાર કુદરતી આપદામાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારી સુનિશ્ચિત કરવા સંવેદનાપૂર્વક કાર્યરત છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે.

5-Nov-2025, 12:34:24 PMસ્યૂસાઇડ નોટ લખી ગુમ થયેલા ભારતી બાપુ ઈટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા

ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ ગીરનારના ગાઢ ઈટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી 80 કલાકની મેગા શોધખોળ બાદ સહીસલામત મળી આવ્યા છે. તેમની ગુમશુદગી પાંચ પાનાની સુસાઇડ નોટ મળ્યા બાદ થઈ હતી, જેમાં તેમણે માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો અને જેના આધારે FIR નોંધાઈ છે. તેમને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

5-Nov-2025, 12:23:26 PMમાનવ તસ્કરીનો આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ, એકની ધરપકડ

'સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' નામના સંગઠન દ્વારા ગુજરાતના લોકોને ઊંચા પગારવાળી વિદેશી નોકરીઓની લાલચ આપી દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં મોકલી માનવ તસ્કરીનો આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. આ આરોપીઓ નિર્દોષ લોકોને વિદેશ મોકલી તેમને લાંબા સમય સુધી ગેરકાયદેસર રીતે બંધક બનાવી રાખતા હતા. ત્યારબાદ શારીરિક અને માનસિક ત્રાસ આપીને તેમને વિવિધ સાયબર ગુનાઓ આચરવા મજબૂર કરતા હતા, જેનાથી તેઓ આર્થિક લાભ મેળવતા હતા. આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સાયબર ક્રાઇમ આચરવાના આરોપસર એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું મનાય છે.

5-Nov-2025, 12:03:19 PMકોસંબા સૂટકેસમાંથી યુવતીનો મૃતદેહ મળવાના કેસમાં આરોપી ઝડપાયો

સુરત જિલ્લાના કોસંબા નજીકથી એક સૂટકેસમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવવાના સનસનાટીભર્યા કેસમાં પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રેમ સંબંધમાં લગ્નના દબાણથી કંટાળી પ્રેમીએ જ પોતાની પ્રેમિકાની હત્યા કરી હતી અને તેની લાશને સૂટકેસમાં ભરીને ફેંકી દીધી હતી. એલસીબીએ આરોપી રવિ શર્માને દિલ્હી નજીક ફિરોઝાબાદથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

5-Nov-2025, 11:38:09 AMમકરપુરા એરફોર્સ રોડ પર અકસ્માત કારની ટક્કરે બે મિત્રો ગંભીર ઇજાગ્રસ્ત

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં ગતરોજ બપોરે એક માર્ગ અકસ્માત બન્યો હતો જેમાં બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. માહિતી મુજબ મકરપુરા, માણેજા રોડ નજીક વિલ્સર કંપની પાસે રહેતા વિરેન્દ્રકુમાર ભોલાભાઈ સરોજ પોતાના મિત્ર સાથે એક્ટીવા સ્કૂટર પર મકરપુરા એરફોર્સ રોડ તરફ કામ અર્થે ગયેલા. કામ પૂર્ણ કરી બંને માણેજા તરફ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન સુશેન સર્કલથી માણેજા તરફ આવતા એક ફોર વ્હીલર કાર ચાલકે ઝડપ અને બેદરકારીપૂર્વક કાર હંકારી રોડ ડિવાઇડરના ગેપ પાસે એક્ટીવાને ટક્કર મારી હતી.

5-Nov-2025, 07:48:44 AMઅમદાવાદમાં  ઓક્ટોબરમાં 253 ડેન્ગ્યૂના  કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં ઓક્ટોબર માસમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. ચોમાસું વીતી જવા છતાં ડેન્ગ્યુના 253, કમળાના 199 અને ટાઈફોઈડના 223 કેસ નોંધાતા શહેરીજનોમાં ચિંતા વ્યાપી છે. આ ઉપરાંત, ઝાડા-ઉલટીના 241, મેલેરિયાના 84 અને ફાલ્સીપારમના 28 કેસ પણ સામે આવ્યા છે. રોગચાળાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા ઓક્ટોબરમાં 5387 પાણીના સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 10 સેમ્પલ પીવાલાયક ન હોવાનું જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે કુલ 66000થી વધુ પાણીના સેમ્પલની ચકાસણીમાં  577 સેમ્પલ અનફિટ જાહેર થયા હતા.