Meta-Gujarat Agreement: ગુજરાત સરકારે ડિજિટલ ગવર્નન્સની દિશામાં એક ક્રાંતિકારી અને ઐતિહાસિક પગલું ભર્યું છે. રાજ્યમાં હવે 'વન ડે ગવર્નન્સ' થી પણ એક ડગલું આગળ વધીને 'વોટ્સએપ ગવર્નન્સ'ની નવી સફર શરૂ થવા જઈ રહી છે. ગુજરાત સરકારે વૈશ્વિક ટેકનોલોજી કંપની 'મેટા' (Meta) સાથે એક મહત્વપૂર્ણ કરાર (MoU) કર્યો છે. આ ભાગીદારી હેઠળ નાગરિકોને આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને ઈડબલ્યુએસ (EWS) સર્ટિફિકેટ જેવા મહત્વના દસ્તાવેજો હવે કોઈ પણ સરકારી કચેરીના ધક્કા ખાધા વગર સીધા પોતાના મોબાઈલ પર વોટ્સએપના માધ્યમથી મળી જશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આ એમઓયુ સંપન્ન થયા હતા. આ નવી સુવિધાનો મુખ્ય હેતુ ટેકનોલોજીના માધ્યમથી વહીવટી પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને લોકાભિમુખ બનાવવાનો છે.
એક જ નંબર પર મળશે 20 જેટલી મહત્વપૂર્ણ સેવાઓ
આ નવી ડિજિટલ વ્યવસ્થા હેઠળ, રાજ્ય સરકારના 5 મુખ્ય વિભાગોને સાંકળીને આશરે 20 જેટલી નાગરિકલક્ષી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં જે સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ ઉપલબ્ધ રહેશે:
- આવક, જ્ઞાતિ અને EWS ના પ્રમાણપત્રો
- રેશનકાર્ડમાં સુધારા-વધારા અને અપડેટ્સ
- જમીન-મહેસૂલ રેકોર્ડની નકલો
- વિવિધ સરકારી સોગંદનામા (Affidavits)
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી “નાગરિક દેવો ભવ:”ની વિભાવના ‘વન-ડે ગવર્નન્સ’થી ‘વોટ્સએપ ગવર્નન્સ’ દ્વારા સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે. આ હેતુસર મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર… pic.twitter.com/0DBzVYG8sY
— CMO Gujarat (@CMOGuj) May 25, 2026
નાગરિક ફરિયાદ નિવારણ સેવાઓ
સૌથી મહત્વની બાબત એ છે કે, શહેરી તેમજ ગ્રામીણ એમ બંને ક્ષેત્રના નાગરિકો માટે માત્ર 1 જ સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવશે. આ વોટ્સએપ ચેટબોટ સંપૂર્ણપણે ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાઓમાં કાર્યરત રહેશે, જેથી સામાન્ય માણસ પણ તેનો ઉપયોગ ખૂબ જ સરળતાથી કરી શકશે.
કચેરીઓની લાંબી લાઈનો અને મુસાફરીના ખર્ચમાંથી મળશે કાયમી રાહત
હાલની વ્યવસ્થા મુજબ નાગરિકોએ દાખલા કે પ્રમાણપત્રો મેળવવા માટે વિવિધ સરકારી વેબ પોર્ટલ, જન સેવા કેન્દ્રો, ગ્રામ પંચાયતના VCE નેટવર્ક અથવા તાલુકા અને કલેક્ટર કચેરીઓ સુધી રૂબરૂ જવું પડે છે. દસ્તાવેજો અપલોડ કરવા, તેની ચકાસણી અને ફોલો-અપ લેવામાં ગ્રામીણ વિસ્તારના લોકોને લાંબી મુસાફરી કરવાની ફરજ પડતી હતી, જેનાથી તેમનો સમય અને નાણાં બંનેનો વ્યય થતો હતો.
આ કરાર બાદ, સેવા વિતરણ પ્રક્રિયા અત્યંત ચપળ બનશે. નાગરિકો પોતાના વતન કે ઘરે બેઠા જ માત્ર એક ક્લિકથી અરજી કરી શકશે અને તેનું રિયલ ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગ પણ મેળવી શકશે.
ડેટા સિક્યોરિટી અને સાયબર સુરક્ષા અંગે તંત્ર સજ્જ
સરકારી સેવાઓ વોટ્સએપ પર ટ્રાન્સફર થવાની હોવાથી સામાન્ય નાગરિકોના મનમાં ડેટાની સુરક્ષા અને સ્કેમ લિંક્સને લઈને ચિંતાઓ ઉભી થવી સ્વાભાવિક છે. જોકે, આ અંગે સત્તાવાર વર્તુળો તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સિસ્ટમ અત્યંત સુરક્ષિત એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્ટેડ (End-to-End Encrypted) પ્લેટફોર્મ પર કામ કરશે. નાગરિકોએ માત્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા બ્લૂ ટિક ધરાવતા સત્તાવાર નંબર પર જ સંપર્ક કરવાનો રહેશે, જેથી સાયબર ફ્રોડ કે ફેક લિંક્સની કોઈ શક્યતા ન રહે.
