Gujarat Fire Safety Rules: અગ્નિકાંડ અટકાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હોટેલ, કોમર્શિયલ બિલ્ડિંગ અને બેન્કવેટ હોલ માટે ફાયર સેફ્ટીના નવા કડક નિયમો જાહેર

સરકાર દ્વારા જારી કરાયેલા નવા નિયમો હેઠળ નીચે મુજબની ઇમારતો અને સંસ્થાઓએ ફરજિયાતપણે ફાયર NOC અને ફાયર સર્ટિફિકેટ મેળવવું પડશે:

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 26 Oct 2026 08:08 AM (IST)Updated: Mon, 26 Oct 2026 08:08 AM (IST)
gujarat-fire-safety-rules-2026-commercial-buildings-banquet-hall-norms
ગુજરાત ફાયર સેફ્ટી રૂલ્સ 2026

Gujarat Fire Safety Rules 2026: રાજ્યમાં વધતી જતી આગની દુર્ઘટનાઓ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 'ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેજર્સ-2026' ના નવા અને કડક નિયમો સત્તાવાર રીતે જાહેર કર્યા છે. આ નવા નિયમો અનુસાર હવે રાજ્યમાં જાહેર પ્રસંગો, મોટા ડોમ, બેન્કવેટ હોલ તેમજ હોટેલ્સ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સ માટે ફાયર સેફ્ટીના માપદંડોનું પાલન કરવું અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. નિયમોની કડકાઈને કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.

ડોમ, લગ્નપ્રસંગો અને બેન્કવેટ હોલમાં ફાયર એક્સપર્ટ ફરજિયાત

નવા ગેઝેટ મુજબ, હવે કોઈપણ જાહેર પ્રસંગ, ડોમ કે બેન્કવેટ હોલની અંદર કાર્યક્રમ ચાલુ હોય ત્યારે ત્યાં પ્રશિક્ષિત ફાયર એક્સપર્ટની હાજરી અનિવાર્ય રહેશે. આ સાથે જ ઇવેન્ટ કે હોલની અંદર વપરાતું મટિરિયલ BIS સ્ટેન્ડર્ડનું હોવું જોઈએ અને પૂરતી તાલીમ મેળવેલો સ્ટાફ ત્યાં હાજર રહેવો ફરજિયાત કરવામાં આવ્યો છે. આગની દુર્ઘટના સમયે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી થઈ શકે તે માટે આ જોગવાઈઓ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

કઈ ઇમારતો માટે ફાયર સર્ટિફિકેટ અનિવાર્ય?

સરકાર દ્વારા જારી કરાયેલા નવા નિયમો હેઠળ નીચે મુજબની ઇમારતો અને સંસ્થાઓએ ફરજિયાતપણે ફાયર NOC અને ફાયર સર્ટિફિકેટ મેળવવું પડશે:

  • 15 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતો
  • 9 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓ
  • ICU ધરાવતી હોસ્પિટલો
  • 500 ચોરસ મીટરથી વધુ એરિયા ધરાવતી હોટલો અને કોમર્શિયલ બિલ્ડિંગ્સ

જ્યારે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને કમ્પ્લાયન્સ માટે 1 એપ્રિલ, 2027 સુધીની મુદત આપવામાં આવી છે, અને જૂની ઇમારતોના કિસ્સામાં ખાસ નિયમો હેઠળ છૂટછાટ મળી શકશે.

બેઝમેન્ટ અને સેફ્ટી એક્ઝિટ માટે વિશેષ જોગવાઈઓ

  • બે કે તેથી વધુ બેઝમેન્ટ અથવા 500 ચો.મી.થી મોટા સિંગલ બેઝમેન્ટ ધરાવતી તમામ ઇમારતો માટે ફાયર એનઓસી અનિવાર્ય છે.
  • સમગ્ર બેઝમેન્ટ વિસ્તારમાં ઓટોમેટિક સ્પ્રિંકલર, સ્મોક મેનેજમેન્ટ, ડેડિકેટેડ વોટર સ્ટોરેજ, ફાયર પંમ્પિંગ અને હાઇડ્રન્ટ નેટવર્ક સક્રિય રાખવું પડશે.
  • ધુમાડો અને આગને આગળ વધતી અટકાવવા માટે સીડી અને ગ્રાઉન્ડ ફ્લોર તરફના રસ્તાઓ પર 'ફાયર ચેક ડોર્સ' મુકવાના રહેશે.
  • જો જૂના કોમ્પ્લેક્સોમાં આ નિયમોનું પાલન નહીં થાય તો તેમને સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરાશે. બેઝમેન્ટમાં ગેરકાયદે ગોડાઉન કે દુકાનો ચાલતી હશે તો સર્ટિફિકેટ નહીં મળે.

શૈક્ષણિક અને હોસ્પિટલ સંસ્થાઓ માટે સેલ્ફ ડિક્લેરેશન રદ

આ નવા નિયમો અંતર્ગત 9 મીટરથી ઓછી ઊંચાઈની શૈક્ષણિક અને હોસ્પિટલ જેવી સંસ્થાઓએ હવે સેલ્ફ ડિક્લેરેશન આપવું નહીં પડે. આ અંગે પૂર્વ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, જો અગાઉથી જ છૂટ અપાઈ હતી તો અત્યાર સુધી સામાન્ય પ્રક્રિયામાં લોકોને હેરાન કેમ કરાયા? સાથે જ તેમણે ઉમેર્યું હતું કે આટલી મોટી સંખ્યામાં ફાયર વિભાગ પાસે પૂરતો સ્ટાફ કે માનવબળ ઉપલબ્ધ છે કે નહીં અને ગેઝેટમાં કેટલીક બાબતો હજુ અસ્પષ્ટ છે, જે આગામી સમયમાં સ્પષ્ટ થવી જરૂરી છે. સુરક્ષાના આ નવા નિયમોના અમલીકરણથી સોસાયટીઓ કે કોમર્શિયલ બિલ્ડિંગ્સના મેન્ટેનન્સ ચાર્જમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.