અમદાવાદ.
Gujarat Corona Update: ગુજરાતમાં આજે સાંજે 5 વાગ્યા સુધી વીતેલા 24 કલાકમાં કોરોનાના નવા 301 કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 263 દર્દીઓ સાજા થતાં તેઓને રજા આપવામાં આવી છે.
સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, નવા નોંધાયેલા 301 કેસ પૈકી સૌથી વધુ 117 સંક્રમિતો અમદાવાદ જિલ્લામાંથી જ સામે આવ્યા છે. આ સિવાય સુરત જિલ્લામાં 26, વડોદરા જિલ્લામાં 36 અને રાજકોટ જિલ્લામાં નવા 31 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા જિલ્લામાં 34, વલસાડ- ગાંધીનગરમાં 7-7 તેમજ આણંદ, ભરૂચ અને પંચમહાલ જિલ્લામાં કોરોનાના 5-5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
આજે વળી પાછો દૈનિક પોઝિટિવ કેસ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં કમી જોવા મળી રહી છે. જેના કારણે એક્ટિવ કેસ વધ્યા છે. છેલ્લી સ્થિતિ મુજબ, રાજ્યમાં કોરોનાના કુલ 2332 એક્ટિવ કેસ છે. જે પૈકી 10 દર્દીની હાલત નાજુક જણાતા તેઓ વેન્ટિલેટરના સહારે છે. જ્યારે અન્ય 2322 દર્દીઓની હાલત સ્થિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સરકારી આંકડા અનુસાર, અત્યાર સુધીમાં આ જીવલેણ વાઈરસ રાજ્યના કુલ 11,055 નાગરિકોને ભરખી ચૂક્યો છે. હાલ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.96 ટકાએ અટક્યો છે.