અમદાવાદ અને રાજકોટમાં ભાજપની 'લોકતંત્ર બચાવો' પદયાત્રા: જે.પી. નડ્ડા, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જોડાયા; જુઓ LIVE

આજે 27 ઓક્ટોબરના રોજ અમદાવાદ અને રાજકોટ ખાતે વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 27 Oct 2026 07:12 PM (IST)Updated: Tue, 27 Oct 2026 07:12 PM (IST)
gujarat-bjp-loktantra-bachao-march-ahmedabad-rajkot-jp-nadda-bhupendra-patel-harsh-sanghavi

BJP Loktantra Bachao March: કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા SIR (સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન) મુદ્દે કથિત ફેલાવાતી ભ્રામક માહિતી સામે સત્ય રજૂ કરવા અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જન વિશ્વાસને મજબૂત કરવાના હેતુથી ભાજપે 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન' શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત આજે 27 ઓક્ટોબરના રોજ અમદાવાદ અને રાજકોટ ખાતે વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ભાજપની 'લોકતંત્ર બચાવો' પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેવા દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. જ્યારે બીજી તરફ રાજકોટમાં ભાજપની પદયાત્રા સામે કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને હલ્લાબોલ કર્યું હતું.

અમદાવાદ ખાતે નવા વાડજ વ્યાસવાડી ચાર રસ્તા પાસે ભગવાન પરશુરામની પ્રતિમાથી શરૂ થઈને સુભાષબ્રિજ સુધી પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાંસદ દિનેશ મકવાણા, મેયર હિતેશ બારોટ તેમજ મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સ્ટેજ પરથી સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દેશ ફિલ્મી ડાયલોગથી ચાલતો નથી અને વિપક્ષે સતત ચૂંટણીઓ હારવાનો રેકોર્ડ બનાવ્યો છે. કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, વિપક્ષ જ્યારે ચૂંટણી હારી જાય છે ત્યારે ઈલેક્શન કમિશન પર દોષારોપણ કરે છે. વર્ષ 2024 માં ગીરમાં માત્ર 1 મત માટે પણ ઇલેક્શન કમિશને પગપાળા ચાલીને બુથ ઊભું કર્યું હતું.

અમદાવાદમાં ભાજપની 'લોકતંત્ર બચાવો' પદયાત્રાના કારણે અખબારનગરસર્કલથી RTO સુધીનો રસ્તો સાંજે 4 વાગ્યાથી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો હતો અને વાહનો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રાજકોટમાં બહુમાળી ભવન પાસે સરદાર પટેલની પ્રતિમાથી ત્રિકોણબાગ સુધી પદયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સહ પ્રભારી અજય મહાવર અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ પરથી સંબોધન કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ચારે બાજુથી હાર ભાળી ગયેલી કોંગ્રેસ ખોટા વિરોધ કરી રહી છે અને ગુજરાતની પ્રજાના છેલ્લા 31 વર્ષથી ભાજપ પર આશીર્વાદ રહ્યા છે.

બીજી તરફ, રાજકોટમાં ભાજપની પદયાત્રા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. કાર્યકરોએ નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં કેટલાક કાર્યકરો હાથમાં ગુલાબ લઈને પોલીસ વાન પર ચડી ગયા હતા. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.