Gujarat ATS Raid: ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ નશીલા પદાર્થોના ગેરકાયદેસર ઉત્પાદન અને સપ્લાય સામેના તેના અભિયાનને વધુ વેગ આપતા રાજસ્થાનમાં એક મોટી કાર્યવાહી પાર પાડી છે. શનિવારે, 28 ડિસેમ્બર, 2025 ના રોજ, ગુજરાત ATS એ રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), જયપુર અને સ્થાનિક પોલીસના સંકલનમાં ભીવાડી ખાતે એક સફળ સંયુક્ત દરોડો પાડ્યો હતો. આ ઓપરેશનમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે ઉત્પાદિત થતા સાયકોટ્રોપિક પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને છત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ કામ કરતા ત્રણ મજૂરને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ATS ને ગુપ્ત બાતમી મળી હતી કે ભીવાડીના રીકો ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી APL ફાર્મા નામની એક ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે સાયકોટ્રોપિક દવાઓનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ બાતમીના આધારે, ATS ની ટીમે રાજસ્થાન SOG અને ભીવાડી ફેઝ-3 (UIT) સેક્શન-3 પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસકર્મીઓ સાથે મળીને પ્લોટ નંબર H1/13(D), RIICO ઇન્ડસ્ટ્રિયલ એરિયા કહરાની, ભીવાડી, તહેસીલ તાપુકારા, જિલ્લો ખેરથલ-તિજારા, રાજસ્થાન ખાતે આવેલી APL ફાર્મા પર દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન, ફેક્ટરીમાંથી કુલ 22 કિલોગ્રામ ગેરકાયદેસર રીતે ઉત્પાદિત સાયકોટ્રોપિક પદાર્થોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત, અલ્પ્રેઝોલમ (Alprazolam) ના પ્રિકર્સર કેમિકલ અને અર્ધ-પ્રક્રિયા કરેલો/મધ્યવર્તી માલ પણ મોટી માત્રામાં જપ્ત કરવામાં આવ્યો હતો. ઓપરેશન દરમિયાન, સ્થળ પરથી ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની ઓળખ અંશુલ અનિલકુમાર શાસ્ત્રી, અખિલેશ કુમાર પારસનાથ મૌર્ય અને કૃષ્ણકુમાર શ્રી યાદવ તરીકે થઈ છે. આ ઉપરાંત, ફેક્ટરીમાં કામ કરતા અન્ય ત્રણ શ્રમિકો/કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી. તમામ ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

