Umesh Makwana Suspended: આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કર્યાં, ઈસુદાન ગઢવી બોલ્યા- 'ભાજપ ગંદી રાજનીતિ કરી રહ્યું છે'

ઉમેશ મકવાણા દ્વારા ભાજપ AAPને ડેમજ કરવા માંગે છે, ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવો: ઈસુદાન ગઢવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 26 Jun 2025 04:37 PM (IST)Updated: Thu, 26 Jun 2025 04:37 PM (IST)
gujarat-aam-aadmi-partys-botad-mla-umesh-makwana-suspended-for-five-years-isudan-gadhvi-announced
HIGHLIGHTS
  • વિસાવદરના પરિણામો બાદ ભાજપ બૌખલાઈ ગઈ છે
  • જનતા અને પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિની ફરિયાદો આવતા લેવાયો નિર્ણય

Umesh Makwana Suspended: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની શિસ્ત સમિતિ અને શીર્ષ નેતૃત્વએ હંમેશાં દેખાડ્યું છે કે પાર્ટી વિરુદ્ધ કોઈપણ વ્યક્તિ પ્રવૃત્તિ કરશે તો તેને પાર્ટી સાંખી નહીં લે.

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની વારંવાર તેમના વિસ્તારમાંથી ફરિયાદ આવતી હતી, અમે વારંવાર એમને કહેતા હતા કે પોતાના વિસ્તારમાં રહો. તેમના વિરુદ્ધ વિવિધ પ્રકારની અને ભ્રષ્ટાચારની પણ કેટલીક વાર ફરિયાદો આવતી હતી. આ માટે આમ આદમી પાર્ટીએ તેમને ઘણી વખત ચેતવ્યા પણ છે. જો કે આ બધામાં એક બાબત સ્પષ્ટ દેખાય છે કે, ભાજપ ગંદી રાજનીતિ કરી રહ્યું છે. ભાજપે ઉમેશ મકવાણાને સાધી લીધા છે.

ભાજપે સતત પ્રયાસ કર્યો હતો કે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરે. માટે આજે આમ આદમી પાર્ટીની શિસ્ત સમિતિ અને શીર્ષ નેતૃત્વએ નિર્ણય લીધો છે કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિ કરવા માટે આમ આદમી પાર્ટીમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

ભાજપે વિસાવદરમાં રાજીનામાં અપાવ્યા અને આમ આદમી પાર્ટી ફરીથી વિસાવદરની ચૂંટણી જીતી ગઈ, જેના કારણે ભાજપ આજે બૌખલાઈ ગઈ છે, ભાજપ મેસેજ આપવા માંગે છે કે, તેઓ અમારા બીજા ધારાસભ્યોના પણ ટચમાં છે પરંતુ ભાજપ જાણી લે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતની જનતા આ બધી હરકતોને જોઈ રહી છે.

વિસાવદરમાં કેબિનેટ મંત્રીઓ સુધીના લોકો આવી ગયા તેમ છતાં પણ ભાજપના સૂપડા સાફ થઈ જતા ભાજપ બૌખલાઈ ગઈ છે. હમણાં સરપંચોની ચૂંટણીમાં પણ ભાજપના સુપડા સાફ થઈ ગયા છે. માટે હવે ઉમેશ મકવાણા જેવા લોકોને સાધીને ભાજપ આમ આદમી પાર્ટીને જો ડેમેજ કરવા માંગતી હોય તો ભાજપની આ મોટી ભૂલ છે.

હું ઉમેશ મકવાણાને ચેલેન્જ આપું છું કે, તમે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપો અને ફરીથી ચૂંટણી જીતી બતાવો. હું ભાજપને પણ ચેલેન્જ આપવા માગું છું કે ભાજપ જો આમ આદમી પાર્ટી સામે જીતી શકતી હોય તેવું તેમને લાગતું હોય તો ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવો અને આમ આદમી પાર્ટી સામે ફરીથી ચૂંટણી લડાવી જુઓ. અમારી ચેલેન્જ છે કે તમે બોટાદમાંથી જીતીને બતાવો. બોટાદની જનતા બધું જાણી ગઈ છે અને ભ્રષ્ટાચારની ફરિયાદો આવતા ઉમેશ મકવાણાને અમે વારંવાર ચેતવ્યા હતા. અમને ઉમેશ મકવાણા વિરુદ્ધના લેટર ઉપર મળ્યા છે.

આમ આદમી પાર્ટી ક્યારેય પણ ભ્રષ્ટાચારને સાંખી નહીં લે. અમે વારંવાર કોશિશ કરી હતી અને એમને સમજાવ્યા હતા કે તમે આ રીતની પ્રવૃત્તિમાં ના પડો. ભાજપે આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરીને આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરી પરંતુ આમ આદમી પાર્ટીએ આજે કડક નિર્ણય લીધો છે કે પાંચ વર્ષ માટે ધારાસભ્ય ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.