Gujarat Science City World Ozone Day 2026: ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ સિટી દ્વારા આવતીકાલે એટલે કે 16 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાત સાયન્સ સિટીના ચિલ્ડ્રન એક્ટિવિટી સેન્ટર ખાતે 'વિશ્વ ઓઝોન દિવસ 2026'ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
મુખ્ય વિષયવસ્તુ અને ઉદ્દેશ્ય
“Global Action for Cooler Planet” વિષયવસ્તુ આધારિત આ વિશેષ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઓઝોન સ્તરના સંરક્ષણ, જળવાયુ પ્રત્યેની જવાબદારી અને આપણી પૃથ્વીની સુરક્ષા માટે સામૂહિક પ્રયાસોના મહત્વ અંગે યુવા પેઢીમાં જાગૃતિ ફેલાવવાનો છે.
1,000 વિદ્યાર્થીઓની સક્રિય સહભાગિતા
આ કાર્યક્રમમાં અમદાવાદ તથા આસપાસની વિવિધ શાળાઓ અને કોલેજોમાંથી અંદાજે 1,000 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લેશે. દિવસભરના આ કાર્યક્રમનો પ્રારંભ સવારે 11:00 વાગ્યે વિદ્યાર્થીઓની નોંધણી સાથે થશે, ત્યારબાદ સ્વાગત અને પરિચય સત્ર યોજાશે.
શૈક્ષણિક વ્યાખ્યાન અને દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ
વિશેષ વ્યાખ્યાન: “Action for Ozone Protection & Cooler Planet” વિષય પર નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે, જેના દ્વારા વિદ્યાર્થીઓને ઓઝોન સ્તરનું મહત્વ, તેની સામેના પડકારો અને પૃથ્વીના સંરક્ષણ માટેના ઉપાયો વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવશે.
ડૉક્યુમેન્ટરી ફિલ્મ: ઓઝોન સંરક્ષણના ઇતિહાસ અને મહત્વને દર્શાવતી વિશેષ ફિલ્મ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા દેખાડવામાં આવશે.
ગેમિંગ અને લર્નિંગ: “Save Ozone: Save Life” ના સંદેશ સાથે ઇન્ટરેક્ટિવ “Explore Ozone” પઝલ ગેમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વૈજ્ઞાનિક ગેલેરીઓની શૈક્ષણિક મુલાકાત
કાર્યક્રમના અંતિમ ચરણમાં વિદ્યાર્થીઓ ગુજરાત સાયન્સ સિટીની વિવિધ વૈજ્ઞાનિક થીમ આધારિત ગેલેરીઓની શૈક્ષણિક મુલાકાત લેશે. આ મુલાકાત થકી તેમને વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતો અને ટેક્નોલોજીના આધુનિક વિકાસને રસપ્રદ તથા પ્રયોગાત્મક રીતે જાણવાની અને માણવાની ઉત્તમ તક મળશે.
પર્યાવરણ પ્રત્યે જવાબદાર જીવનશૈલીનો સંકલ્પ
પોપ્યુલર સાયન્સ લેક્ચર્સ, શૈક્ષણિક ફિલ્મો, ઇન્ટરેક્ટિવ ગેમ્સ અને સાયન્સ ગેલેરીઓની મુલાકાત જેવા વિશિષ્ટ આયોજનો દ્વારા પર્યાવરણ વિજ્ઞાનને વિદ્યાર્થીઓ માટે વધુ સરળ અને રસપ્રદ બનાવવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને માત્ર પુસ્તકીય જ્ઞાન આપવા પૂરતો મર્યાદિત ન રહેતા, તેમને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ અને જવાબદાર જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે.
