Ayodhya Ram Temple Flag Hoisting Ceremony: અયોધ્યા ખાતે ભવ્યાતી ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા પછી, આવતીકાલે એટલે કે, 25 નવેમ્બર 2025 ના રોજ મંદિરના મુખ્ય શિખર પર વિધિવત રીતે ધ્વજારોહણ કરવામાં આવનાર છે. આ ઐતિહાસિક કાર્યક્રમ માટે 'અભિજિતનું સૂક્ષ્મ મુહૂર્ત' જ્યોતિષી વિશ્વ વોરા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જે માત્ર 12 મિનિટનું છે અને ધ્વજારોહણ વિધિ માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યું છે. વિશ્વ વોરાએ આ મૂહુર્તની પસંદગી પાછળનું મહત્વ, ધ્વજારોહણની વિધિ અને ધજાની વિશેષતા અંગે વિગતવાર માહિતી પુરી પાડી હતી. આ ધ્વજારોહણ 22 જાન્યુઆરી, 2024 ના રોજ થયેલી રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા અને 5 જૂનના રોજ થયેલી રામ દરબારની પ્રતિષ્ઠા પછી મંદિરના નિર્માણની પૂર્ણાહુતિનું પ્રતીક બનશે.
આમંત્રિત મહેમાનો હાજર રહેશે
રામ મંદિર ખાતે 25 નવેમ્બર 2025 ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSS ના પ્રમુખ મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેવાના છે. 23, 24 અને 25 ના રોજ ત્રિદિવસીય અનુષ્ઠાન થઇ રહ્યા. આ પછી ધ્વજારોહણ કરવામાં આવશે.

જાણો 25 નવેમ્બર કેમ પસંદ કરાઇ
જ્યોતિષાચાર્ય વિશ્વ વોરાએ કહ્યું કે, અયોધ્યા રામ મંદિરના મુખ્ય શિખર પર 25 નવેમ્બર 2025 ના રોજ થનાર ભવ્યાતિભવ્ય ધ્વજારોહણની વિધિ 22 જાન્યુઆરી, 2024 ના રોજ થયેલી ભગવાન રામ લલ્લાના વિગ્રહની પ્રાણ-પ્રતિષ્ઠાના સમગ્ર અનુષ્ઠાનની પૂર્ણાહુતિનું પ્રતીક છે. આ પ્રસંગે 23, 24 અને 25 નવેમ્બર આ રીતે ત્રિદિવસીય અનુષ્ઠાનનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં યજ્ઞ વિધિ સહિત ધજાનું પૂજન કરવામાં આવશે. રામ મંદિરના શિખર પર ફરકનારી ધજા શૌર્યનું પ્રતીક એવા કેસરી રંગની જોવા મળશે, જેના પર ઓમ સહિતના શાસ્ત્રોક્ત ચિન્હો અંકિત કરેલા જોવા મળશે, અને તેને પેરાશૂટ ફેબ્રિકમાંથી તૈયાર કરાવામાં આવેલ છે, જેથી તે સતત ચારેય દિશામાં લહેરાતી રહે. આ શુભ મૂહુર્તમાં મંત્રો અને પારંપરિક વિધાનો સાથે ધ્વજારોહણ થવાથી મંદિરના નિર્માણની પવિત્રતા અને ભવ્યતાની પૂર્ણાહુતિ થશે.

12 મિનિટનૈ સૂક્ષ્મ મૂહુર્ત વિશે જાણો
વિશ્વ વોરાએ અયોધ્યા રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ માટે 25 નવેમ્બરનો દિવસ પસંદ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું છે. આ દિવસે માગશર સુદ પાંચમ અને મંગળવારનો શુભ સંયોગ છે, જેને પ્રાચીન શાસ્ત્રોમાં ભગવાન શ્રીરામ અને માતા સીતાના વિવાહ દિવસ, એટલે કે 'વિવાહ પંચમી' તરીકે વર્ણવ્યો છે, જે ધ્વજારોહણ માટે અત્યંત શુભ અવસર છે. આ દિવસે ગ્રહોની સ્થિતિ પણ અનુકૂળ છે, જેમાં ધ્વજારોહણની વિધિ મધ્યાહ્નનું શ્રેષ્ઠ અને લાભદાયક અભિજિત મૂહુર્ત (બપોરે 11:31 થી 12:13)ની અંદર સૂક્ષ્મ રીતે 12 મિનિટના નવમાંશના લગ્નમાં સંપન્ન થશે. મકર લગ્નમાં ગ્રહો ખાડામાં નથી, ગુરુ ઉચ્ચ સ્થિતનો છે, ક્રૂર ગ્રહો અપચય સ્થાનમાં શુભ બની રહ્યા છે, અને ચંદ્ર કેન્દ્રમાં છે, જે પ્રભુ શ્રીરામની જન્મ રાશિ અને ભારતની આઝાદીની રાશિ કર્ક સાથે સમસપ્તક યોગ બનાવે છે. આ રીતે, તમામ શુભ સંયોગોને ધ્યાનમાં રાખીને વિવાહ પંચમીના શુભ દિવસે આ ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું છે.

વિવિધ વિધિઓ કરાશે
જ્યોતિષ વિશ્વ વોરાએ કહ્યું કે, રામ મંદિરના ધ્વજારોહણનું શુભ મૂહુર્ત ચાર મહિના પહેલાં જ નક્કી કરી દેવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, વર્ષ 2023માં કેન્દ્ર સરકાર દ્વારા મૂહુર્ત માટે રચાયેલી સાત સભ્યોની કમિટીનો તેઓ એક અભિન્ન અંગ છે, જે કમિટીએ 22 જાન્યુઆરી, 2024 ના રોજ પ્રભુ શ્રીરામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાનું મુહૂર્ત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના શપથ વિધિ સહિતના મોટા કાર્યો માટે પણ મૂહુર્ત નક્કી કર્યા હતા. આ ધ્વજારોહણનું મુહૂર્ત પણ સૂક્ષ્મ મૂહુર્ત, શુભ સંયોગો, મંદિરની પ્રગતિ, રાષ્ટ્રનું હિત અને આવનારા સમયમાં વધુમાં વધુ પ્રગતિ મળી શકે તેવા તમામ પરિબળોનો ઊંડો અભ્યાસ કરીને આપવામાં આવ્યું છે. મુહુર્ત નક્કી થયા બાદ તેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી, જેમાં પારંપરિક વિધાનોની સાથે આધુનિક ટેક્નિક્સનો પણ સમન્વય કરવામાં આવ્યો છે.
શિલ્પ શાસ્ત્ર પ્રમાણે ધ્વજાને મંદિરનું 'મસ્તક' ગણવામાં આવતું હોય છે, તેથી ગર્ભગૃહ સહિત મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ જ ધ્વજારોહણ વિધિ શાસ્ત્રોક્ત રીતે યોજવી યોગ્ય છે. પ્રાણ-પ્રતિષ્ઠા સમયે ઈન્દ્ર દેવ ઈન્દ્રાસન પર બિરાજમાન હતા તેવો શુભ સંયોગ હતો, અને હવે આ ધ્વજારોહણ માટે વિવાહ પંચમીનો અત્યંત શુભ અવસર ફરીથી પ્રાપ્ત થયો છે. ઇતિહાસમાં મળતા ધ્વજારોહણ અને ધ્વજ સ્તંભ સ્થાપનાના તમામ વિધાનોને ધ્યાનમાં રાખીને, આગામી 25 નવેમ્બરના રોજ સંપૂર્ણ શાસ્ત્રોક્ત અને વિધિવત રીતે ધ્વજારોહણ સંપન્ન કરવામાં આવશે.
