અમદાવાદમાં FDCAના દરોડા, ત્રાગડમાંથી ‘આનકી હર્બલ’નો ગેરકાયદે કોસ્મેટિક્સ જથ્થો જપ્ત, નકલી દવા કૌભાંડમાં 3ની ધરપકડ

અમદાવાદના ત્રાગડમાં FDCAની સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ‘આનકી હર્બલ’માંથી ગેરકાયદે કોસ્મેટિક્સ જપ્ત. નકલી દવા કેસમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 27 Aug 2026 08:45 PM (IST)Updated: Thu, 27 Aug 2026 08:45 PM (IST)
fdca-raids-in-ahmedabad-illegal-stock-of-aanki-herbal-cosmetics-seized-in-tragad-3-arrested-in-counterfeit-medicine-scam

Gujarat FDCA Raid Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર કોસ્મેટિક ઉત્પાદન અને રીપેકિંગ કરતી પ્રવૃત્તિઓ સામે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. નાગરિકોના આરોગ્ય અને સલામતી સાથે ચેડાં કરતી પ્રવૃત્તિઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ અભિગમ હેઠળ કડક કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે તેમ મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું.

ત્રાગડના ફ્લેટમાં ચાલતું હતું ગેરકાયદે નેટવર્ક

ગુપ્ત બાતમીના આધારે 25 ઓગસ્ટ 2026ના રોજ FDCAની ટીમે અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં આવેલી ‘આનકી હર્બલ’ નામની પેઢી પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસમાં સામે આવ્યું કે આ પેઢી જરૂરી લાયસન્સ કે ગુણવત્તા પરીક્ષણ વિના જ બલ્ક પેકમાંથી ગેરકાયદેસર કોસ્મેટિક્સનું ઉત્પાદન અને રીપેકિંગ કરતી હતી.

આ પ્રવૃત્તિ માટેનું બલ્ક મટીરીયલ અમદાવાદના ઓઢવ સ્થિત ‘રવી માર્કેટીંગ’ પાસેથી ખરીદાતું હતું. જ્યારે ત્રાગડમાં શિવાન્તા રીગેલના ફ્લેટ ખાતે રીપેકીંગ અને ગ્લિસરીન સાબુનું ઉત્પાદન થતું હતું. હાલ 'રવી માર્કેટીંગ' ખાતે પણ તપાસ લંબાવવામાં આવી છે.

જપ્ત કરાયેલો મુદ્દામાલ અને સેમ્પલિંગ

દરોડા દરમિયાન તંત્ર દ્વારા સ્થળ પરથી કુલ રૂ. 2.68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં -

  • ફેરનેસ ક્રીમ અને ડાર્ક સર્કલ ક્રીમ
  • શેમ્પુ, હેર ઓઇલ અને બોડી વોશ
  • ફેસ વોશ, સ્ક્રબ અને સોલિડ પરફ્યુમ
  • ગ્લિસરીન બેઝ સાબુનો જથ્થો, કાચો માલ, પેકિંગ મટીરીયલ અને છાપેલા લેબલ્સ

તંત્ર દ્વારા ગુણવત્તા ચકાસણી માટે 10 વિવિધ કોસ્મેટિક પ્રોડક્ટ્સના નમૂના લઈ લેબોરેટરી પૃથક્કરણ અર્થે મોકલવામાં આવ્યા છે.

BPની નકલી દવા કૌભાંડનો પર્દાફાશ: 3 આરોપીઓની ધરપકડ

આ સાથે જ, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને FDCAના સંયુક્ત ઓપરેશન દરમિયાન બ્લડ પ્રેશર (BP)ની નકલી દવાઓ બનાવી વેચતી આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ કરાયો છે. આ કૌભાંડમાં અમદાવાદ અને લખનઉ (ઉત્તર પ્રદેશ)ના કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ સફળ કામગીરી બદલ આરોગ્ય મંત્રીશ્રીએ પોલીસ કમિશનર સહિત ક્રાઇમ બ્રાન્ચ અને FDCAની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને પ્રજાના આરોગ્ય સાથે રમત રમનારાઓ સામે સખતમાં સખત પગલાં ભરવાની ખાતરી આપી હતી.