'મહેસાણાથી PSI રાઠોડ બોલું છું' કહી પોલીસને દોડતી કરનાર નકલી PSI ઝડપાયો, પત્નીને હેરાન કરનારને ડરાવવા ખેલ્યો હતો ખેલ

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની PCR વાન આપેલા લોકેશન પર પહોંચી હતી. વાન ચાલકે જ્યારે PSI રાઠોડ તરીકે ઓળખ આપનાર શખ્સ સાથે ફોન પર વાત કરી, ત્યારે તેને શંકા ગઈ હતી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 20 Dec 2025 09:17 AM (IST)Updated: Sat 20 Dec 2025 09:17 AM (IST)
fake-psi-caught-running-to-police-saying-i-am-psi-rathod-from-mehsana-658676

Ahmedabad Police: અમદાવાદ શહેરમાં પોલીસને જ પોલીસની નકલી ઓળખ આપી ગેરમાર્ગે દોરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. મહેસાણાના PSI તરીકેની ખોટી ઓળખ આપી નવરંગપુરા અને ગુજરાત યુનિવર્સિટી પોલીસને દોડતી કરનાર રીઢા ગુનેગાર તરુણ બ્રહ્મભટ્ટની ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ પત્નીને બીભત્સ મેસેજ કરનાર શખ્સને ડરાવવા માટે પોલીસનો સહારો લીધો હોવાની કબૂલાત કરી છે.

કેવી રીતે શરૂ થયો હાઈવોલ્ટેજ ડ્રામા?

ઘટનાની વિગત મુજબ, થોડા દિવસ પહેલા નવરંગપુરા પોલીસ સ્ટેશનના PSO પર એક ફોન આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખ 'મહેસાણા જિલ્લાના PSI રાઠોડ' તરીકે આપી હતી. તેણે જણાવ્યું કે, "અમારો એક આરોપી તમારા વિસ્તારમાં મેમનગર ફાયર સ્ટેશન પાસે રાવજી ફ્લેટમાં રહે છે, ત્યાં તાત્કાલિક ગાડી મોકલો." આ વિસ્તાર ગુજરાત યુનિવર્સિટી પોલીસની હદમાં આવતો હોવાથી કોલ ત્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

PCR વાન ચાલકની સતર્કતાએ ભાંડો ફોડ્યો

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની PCR વાન આપેલા લોકેશન પર પહોંચી હતી. વાન ચાલકે જ્યારે PSI રાઠોડ તરીકે ઓળખ આપનાર શખ્સ સાથે ફોન પર વાત કરી, ત્યારે તેને શંકા ગઈ હતી. વાત કરવાની શૈલી પોલીસ અધિકારી જેવી ન જણાતા વાન ચાલકે તુરંત સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે મહેસાણા જિલ્લામાં તપાસ કરી તો માલૂમ પડ્યું કે ત્યાં 'PSI રાઠોડ' નામના કોઈ અધિકારી ફરજ બજાવતા નથી.

આરોપી તરુણ બ્રહ્મભટ્ટની ધરપકડ

ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે તપાસ કરતા માલૂમ પડ્યું કે આ ફોન પાટણના રહેવાસી તરુણ બ્રહ્મભટ્ટે કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, તેની પત્નીને કોઈ બકુલભાઈ નામનો વ્યક્તિ બીભત્સ મેસેજ કરી હેરાન કરતો હતો. તેને ડરાવવા અને પકડાવવા માટે તેણે નકલી PSI બની પોલીસની મદદ લેવાનો પ્રયાસ કર્યો હતો.

રીઢો ગુનેગાર અને અનેક ગુના

બી ડિવિઝન ACP એચ.એમ. કણસાગરાના જણાવ્યા મુજબ, પકડાયેલ આરોપી તરુણ બ્રહ્મભટ્ટ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે. તેની સામે મહેસાણા, ખોખરા (અમદાવાદ), પાટણ અને ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ખોટી ઓળખ આપવા અને છેતરપિંડીના ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી માત્ર 12 ધોરણ પાસ છે અને જમીન લે-વેચનું કામ કરતો હોવાનો દાવો કરે છે. હાલ પોલીસ બકુલભાઈ નામના વ્યક્તિની પણ પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે અને આરોપીની પત્નીવાળી વાત કેટલી સાચી છે તે દિશામાં પણ તપાસ ચાલુ છે.