'ઇમરજન્સી મેડિકલ ડે' નિમિત્તે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટી - કર્ણાવતી મહાનગર દ્વારા 'કાર્યકર્તા CPR ટ્રેનિંગ અભિયાન'નું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં વધારો જોવા મળ્યો છે. જેથી આવા કિસ્સામાં દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તે ઉદ્દેશ્યથી આ ટ્રેનિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા અને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા જનતાની સેવા માટે સમર્પિત છે. ભાજપનો કાર્યકર્તા ગમે તેવી મુશ્કેલી હોય ત્યારે સેવાના કામમાં જરૂર આવીને ઉભો રહે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છેકે, આપણે સૌએ તાજેતરમાં અનેક એવા કિસ્સાઓ જોયા છે કે કોવિડની મહામારી બાદ નાની વયે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. સમાન્ય રીતે હાર્ટ એટેકના કિસ્સામાં 10 થી 20 મિનિટના 'ગોલ્ડન ઓવર'માં જો દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તો તેનો જીવ બચી શકે છે ત્યારે આ અંગેની જાગૃતિ લાવવા માટે રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટી તેમજ ડોક્ટર સેલ દ્વારા 'કાર્યકર્તા CPR ટ્રેનિંગ અભિયાન'નું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજ્યની 38 મેડિકલ કોલેજોમાં 1200થી વધુ તબીબો દ્વારા ગુજરાતના અંદાજિત 70 હજારથી વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જેનો એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવા પણ જઈ રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગમે તેવી મુશ્કેલી હોય ત્યારે સેવાના કામમાં જરૂર આવીને ઉભો રહે છે. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા જનતાની સેવા માટે સમર્પિત છે. સમર્પિત કાર્યકર્તાઓને કારણે જ દરેક અભિયાન શક્ય અને સફળ બનતું હોય છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જનતાની વચ્ચે રહીને હર હંમેશથી સેવા કરતો આવ્યો છે. લોકોની વચ્ચે રહીને દરેક મુશ્કેલીના સમયમાં નાગરિકોની સેવા કરવી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની કાર્યપધ્ધતિ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના દરેક નાગરિકોને અહેસાસ થયો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમની દરકાર કરે છે આ વિશ્વાસનું પરિણામ જનતાએ જોયું છે. આમ ભારતીય જનતા પાર્ટીની જીત એ જ આ વિશ્વાસનું પરિણામ છે. 'જે કહેવું એ કરવું' અને જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી પ્રયાસો કરતા રહેવું એવી કાર્ય પદ્ધતિ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દરેક કાર્યકર્તાએ અપનાવી છે. રાજ્ય સરકારે પણ 5 લાખનું વીમા કવચ વધારીને 10 લાખ કર્યું છે. એટલું જ નહીં દરેક તાલુકા લેવલે ડાયાલિસિસ સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે. આ બધું 'જે કહેવું એ કરવું' તેનું ઉદાહરણ છે એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. મુખ્યમંત્રીએ 108 ના 10 કર્મચારીઓને 'ગોલ્ડન ઓવર'માં લોકોના જીવ બચાવવા બદલ સન્માનિત કર્યા હતા.
આ કાર્યક્રમ અમદાવાદ શહેર અધ્યક્ષ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી અને ડોક્ટરસેલના ઉપક્રમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે CPR ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યકર્તાઓ આ ટ્રેનિંગ થકી ઘણા લોકોના જીવન બચાવી શકશે તેઓ વિશ્વાસ તેમને વ્યક્ત કર્યો હતો અને આ અભિયાનને સફળ બનાવવા માટે સિવિલ હોસ્પિટલની ટીમને જે સહયોગ મળ્યો તેના બદલ તેમણે આભાર પણ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમ અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, મહામંત્રી, પ્રદેશ ડોક્ટર સેલના સંયોજક ધર્મેન્દ્રભાઈ ગજ્જર, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડીન અને સુપ્રિટેન્ડેન્ટ તેમજ મેડિકલના વિદ્યાર્થીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.