Dry Fruits Price Hike: દિવાળીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે પ્રકાશના મહાપર્વ પૂર્વે ડ્રાયફ્રૂટ માર્કેટમાં મોંઘવારીનો મોટો ભડકો થયો છે. તહેવારો ટાણે શુભેચ્છા ભેટ અને મુહૂર્તની ખરીદી માટે કોર્પોરેટ ગિફ્ટિંગથી માંડીને ગૃહિણીઓ સૂકા મેવાની ખરીદીઓ કરતી હોય છે. પરંતુ આ વખતે દિવાળી તહેવાર પૂર્વે ડ્રાયફ્રૂટના ભાવોમાં 20 ટકા સુધીનો તોતિંગ ઉછાળો નોંધાયો છે.
પિસ્તા અને બદામના ભાવ આસમાને
બજારોમાં તહેવારો દરમિયાન સૌથી વધારે માંગ ધરાવતા પિસ્તા અને બદામના ભાવોમાં અસહ્ય વધારો ઝીંકાયો છે. હાલ બજારમાં હોલસેલમાં પિસ્તાનો ભાવ પ્રતિ કિલો રુ.1600 અને 1700 બોલાઈ રહ્યો છે. જ્યારે રિટેલ માર્કેટમાં ગ્રાહકોને 1 કિલો પિસ્તા માટે રુ.2100થી 2200 સુધી ચૂકવવા પડી રહ્યા છે. સૂકામેવાના ભાવ વધતાં દિવાળીના ગિફ્ટ પેકેટો અને ડ્રાયફ્રૂટની મિઠાઈઓના ભાવોમાં પણ મોટો વધારો જોવા મળશે.
વેપારીઓ ખરીદી કરવા અવઢવમાં
દિવાળી આડે હવે માંડ 12 દિવસનો જ સમય બાકી રહ્યો છે. સામાન્ય રીતે આ દિવસોમાં મિઠાઈના વેપારીઓ અને ગિફ્ટ પેકિંગ એકમો જથ્થાબંધ ખરીદી કરતાં હોય છે. પરંતુ બજારમાં દૈનિક ધોરણે ભાવોમાં સતત વધ અને ઘટ જોવા મળતી હોવાથી રિટેલ વેપારીઓ જોખમ લીધા વિના માત્ર જરુરિયાત મુજબ જ માલ ખરીદી રહ્યા છે.
કેમ વધ્યા સૂકા મેવાના ભાવ?
વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અચાનક આવેલા ભાવવધારા પાછળ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો વધારો અને શિપિંગ કન્ટેનરોના ભાડાંમાં આવેલો તોતિંગ ઉછાળો જવાબદાર છે. અગાઉ વિદેશથી સૂકા મેવાનું જે કન્ટેનર રૂ. 85 હજારથી 90 હજારના ભાડામાં આવતું હતું, તેનો ખર્ચ હવે સીધો રૂ. 1 લાખથી 1.25 લાખ સુધી પહોંચી ગયો છે. આ ઊંચા પરિવહન ખર્ચ અને મર્યાદિત પુરવઠાના લીધે સ્થાનિક બજારોમાં દૈનિક ધોરણે ભાવો અસ્થિર બન્યા છે.
| સુકામેવો | રિટેલ/બજાર ભાવ |
| પિસ્તા | રૂ. 1600થી 2200 |
| અંજીર | રૂ. 1200 થી 2500 |
| બદામ | રૂ. 800 થી 1200 |
| કાજુ | રૂ. 850 થી 1200 |
| અખરોટ | રૂ. 800 થી 1500 |
| મખાના | રૂ. 800 થી 1400 |
| ખજૂર | રૂ. 500 થી 1500 |
| દ્રાક્ષ | રૂ. 350 થી 6 |
