Ahmedabad News: અમદાવાદની ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ધરપકડ કરાયેલા હોસ્પિટલના ચેરમેન અને મુખ્ય સૂત્રધાર કાર્તિક જશુભાઈ પટેલ તથા રાહુલ જૈનને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કેસમાંથી બિનતોહમત છૂટવા (ડિસ્ચાર્જ) માટે આ બંને આરોપીઓએ કરેલી અરજીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ નોંધ્યું હતું કે ચાર્જશીટમાં આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા છે અને આ માનવ જીવન સાથે રમત રમી આર્થિક લાભ મેળવવાનું પૂર્વનિયોજિત કાવતરું છે.
કોર્ટમાં શું થઈ દલીલો?
આરોપીઓ વતી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, "અમને આ કેસમાં ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે. અમે કોઈ ઓપરેશન કર્યા નથી અને ચાર્જશીટમાં અમારી સામે કોઈ જ પુરાવા નથી." સામે પક્ષે ખાસ સરકારી વકીલ વિજય બારોટે ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે, કાર્તિક પટેલ આ સમગ્ર કાંડનો મુખ્ય કાવતરાખોર છે. હોસ્પિટલના તમામ આર્થિક વ્યવહારો તેના દિશાનિર્દેશ હેઠળ થતા હતા. આરોપીઓનો મુખ્ય હેતુ સરકારની આયુષ્માન યોજના (PMJAY) હેઠળ ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાનો હતો. જે દર્દીઓ પાસે કાર્ડ નહોતા, તેમના પણ અન્ય લોકોના ડેટાનો ઉપયોગ કરી સરકારી વેબસાઇટ સાથે ચેડા કરીને આયુષ્માન કાર્ડ મેળવવામાં આવ્યા હતા. રાહુલ જૈન અને કાર્તિક પટેલે જ આજુબાજુના જિલ્લાઓમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજી ગરીબ દર્દીઓને ફસાવવાની સૂચના આપી હતી.
6,000 થી વધુ પાનાની ચાર્જશીટ
કોર્ટે ચુકાદો આપતા નોંધ્યું કે, પોલીસ દ્વારા આ કેસમાં 6070 પાનાની વિશાળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાં ૩૦ મહત્વના સાક્ષીઓ અને ૭ સાક્ષીઓના મેજિસ્ટ્રેટ સમક્ષના નિવેદનો છે. આરોપીઓએ બીમારીનો ડર બતાવીને ગરીબ દર્દીઓ પાસેથી આર્થિક લાભ મેળવવા માનવ જીવનનું અવમૂલ્યન કર્યું છે. આથી, ટ્રાયલ પહેલા તેમને નિર્દોષ માની છોડી શકાય નહીં.
શું હતી સમગ્ર ઘટના?
મહેસાણાના કડી તાલુકાના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાંથી ૧૯ લોકોને સારવારના બહાને અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા. પરિવારની જાણ કે મંજૂરી વગર આ દર્દીઓની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી અને બિનજરૂરી રીતે સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. આ ગંભીર બેદરકારીમાં બે નિર્દોષ દર્દીઓના મોત નીપજ્યા હતા, જેને પગલે રાજ્યભરમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ચુકાદા બાદ હવે આરોપીઓ વિરુદ્ધ કેસની નિયમિત ટ્રાયલ ચાલશે, જેનાથી પીડિત પરિવારોને ન્યાય મળવાની આશા પ્રબળ બની છે.
