Ahmedabad
ભાજપ 50 રૂપિયાનું કામ કરે અને 500 રૂપિયાનો પ્રચાર કરે છે, સરકાર બદલવા પરિવર્તન જરૂરી: કોંગ્રેસ
અમદાવાદ.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હિમાચલ પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાજીવ શુકલાએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. રોટલાં પણ તાવડી ઉપર એક જ તરફ રાખીએ તો તે બળી જાય છે. સરકાર બદલવા માટે પરિવર્તન જરૂરી છે. ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશની જનતાએ પણ સરકાર બદલવાનું નક્કી કરી દીધું છે.
છત્તીસગઢમાં ગાય તથા અન્ય પશુઓના છાણના 2 રૂપિયા કિલો ચૂકવાઈ રહ્યાં છે, જ્યારે પશુમુત્રના 4 રૂપિયા લીટર દીઠ ચૂકવાઈ રહ્યાં છે. જે પશુ દૂધ નથી આપી શકતા તેને પણ તેના માલિકો સાચવી રહ્યાં છે અને રખડતા ઢોરોનો પ્રશ્ન પણ હલ થઈ ગયો છે. આ યોજના ગુજરાતમાં પણ લાવવામાં આવશે. સરકાર પણ આ યોજનાથી નફો મેળવી રહી છે.
છાણના દ્વારા વર્મી કંપોઝ કરી તેમાંથી ઓર્ગેનિક ખાતર બનાવીને અનેક ઘણો નફો મેળવી રહી છે એ જ પ્રમાણે ગૌ મુત્ર સાથે જડીબુટ્ટી મિલાવીને પેસ્ટ્રીસાઈઝ બનાવી રહી છે જે 17 રૂપિયા લીટર વેચાઈ રહ્યું છે.
કોંગ્રેસની જ્યાં જ્યાં પણ સરકાર રહી છે, ત્યાં ગામડાની અર્થવ્યવસ્થા વધુ મજબુત બની છે. કોંગ્રેસ જે કહે છે તે કરે છે, યુ.પી.એ. સરકાર વખતે 70 હજાર કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવ્યું હતું. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સરકાર બનતાની સાથે જ પહેલી કેબિનેટમાં ખેડૂતોના દેવા માફીનો નિર્ણય લેવામાં આવ્યો. રાજસ્થાન અને છત્તીસગઢ એ સરકારી કર્મચારી માટે જુની પેન્શન સ્કીમ (ઓ.પી.એસ.) અમલમાં મૂકી છે.
ભાજપે તો આકાશના તારા સાથે મંગળ અને શુક્ર ગ્રહ પણ લાવી આપીશું તેવી વાતો કરી હતી. 40 રૂપિયે લીટર પેટ્રોલ, 15 લાખ રૂપિયા લોકોના ખાતામાં નાખવા, 2 કરોડ લોકોને રોજગારી જેવા અનેક ખોટા વાયદાઓ કરીને જનતાને છેતરી રહી છે. ભાજપ 50 રૂપિયાનું કામ કરે અને 500 રૂપિયાનો પ્રચાર કરે છે.
ગુજરાત કોંગ્રેસનું મેનીફેસ્ટો એ અમારો પરિવર્તનનો સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરા કરવામાં આવશે.
૧ પ્રત્યેક વ્યક્તિને ૧૦ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર, તમામ દવાઓ વિનામૂલ્યે
૨ ઘર વપરાશની વીજળીમાં ૩૦૦ યુનિટ માફ, રૂ. ૫૦૦ માં ઘરેલું ગેસ સિલિન્ડર
૩ યુવાનો માટે ૧૦ લાખ સરકારી નોકરીની તક, બેરોજગાર યુવાનોને માસિક રૂ. ૩૦૦૦ નું બેરોજગારી ભથ્થું
૪ સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથાનો અંત, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ
૫ ૩,૦૦૦ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ સ્થપાશે,દીકરીઓને KG થી PG સુધીનું શિક્ષણ નિઃશુલ્ક
૬ કિડની, લિવર અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નિઃશુલ્ક, આધુનિક સુવિધાઓથી સજ્જ અદ્યતન હોસ્પિટલો બનાવવામાં આવશે.
૭ કોરોનામાં મૃત્યુ પામેલ પ્રત્યેક વ્યક્તિના પરિવારને રૂ. ૪ લાખની સહાય
૮ શહેરી વિસ્તારોમાં ૧૦૦ દિવસની રોજગારી ગેરંટી યોજના સાથે માયા આઠ રૂપિયામાં પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા.
ગુજરાતમાં કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે પુરા કરશે કારણ કે કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ છે કે કોંગ્રેસે જે કહ્યું છે તે કરી બતાવ્યું છે.