Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીમાં તૈયાર થઈ રહેલી રાયફલ શૂટિંગ રેન્જને લઈને સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે. રાયફલ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય એમ બે હોદ્દા પર રહેવાને કારણે વિવાદ સર્જાતા આશિષ અમીને ભલે રાયફલ એસોસિએશનમાં રાજીનામું આપી દીધું હોય, પરંતુ કોંગ્રેસે આ રાજીનામાને 'નામ માત્રનું' ગણાવીને ઉગ્ર આક્ષેપો કર્યા છે.
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઇન્દ્રવિજયસિંહ ગોહિલે સ્પષ્ટ આક્ષેપ કર્યો કે, "આશિષ અમીને સરકાર અને યુનિવર્સિટીને ફક્ત બતાવવા માટે જ રાજીનામું આપ્યું છે. યુનિવર્સિટીમાં શરૂ થનારી રાયફલ શૂટિંગ રેન્જ તો પડદા પાછળથી આશિષ અમીન જ ચલાવશે. કોંગ્રેસના મતે, અગાઉ આશિષ અમીને પોતાની સંસ્થાને ફાયદો કરાવવા માટે જ આ રેન્જ મેળવી હતી અને રાજીનામું આપ્યા પછી પણ વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય લેવાયો નથી.
કોંગ્રેસે આ કોન્ટ્રાક્ટ રદ કરવાની અને રાયફલ એસોસિએશનને આ પ્રોજેક્ટમાંથી હટાવવાની માંગ કરી છે. ઈન્દ્રવિજયસિંહ ગોહિલે યુનિવર્સિટીને ચેતવણી આપી છે કે, જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીનો ઘેરાવ કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
કોંગ્રેસે માંગ કરી છે કે, રાયફલ શૂટિંગ રેન્જ માટેની જે પ્રોપર્ટી છે તેની કિંમત 400થી 500 કરોડ રૂપિયાની આસપાસ હોવાથી યુનિવર્સિટીએ આ રેન્જ કોઈ ખાનગી સંસ્થાને આપવાને બદલે સ્વતંત્ર રીતે પોતે જ લોકોની નિમણૂક કરીને ચલાવવી જોઈએ. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે આ મામલે સિન્ડિકેટ સભ્ય અને ધારાસભ્યએ કુલપતિને રજૂઆત કરીને રેન્જનું ફરીથી ટેન્ડર કરવાની માંગ કરી છે.
