Make In India Metro Train: CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદને તેની પ્રથમ સ્વદેશી ‘મેક ઈન ઇન્ડિયા’ મેટ્રો ટ્રેનની ભેટ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં “મેક ઇન ઇન્ડિયા” અને આત્મનિર્ભર ભારતને વેગ આપતું આ મહત્વપૂર્ણ કદમ ગુજરાત માટે ગૌરવરૂપ છે એમ તેમણે જણાવ્યું હતું.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 20 Dec 2025 11:31 PM (IST)Updated: Sat 20 Dec 2025 11:31 PM (IST)
chief-minister-bhupendra-patel-gifted-ahmedabad-city-its-first-indigenous-make-in-india-metro-train-659113

Make In India Metro Train In Ahmedabab:કલકત્તા નજીક ટિટાગઢ રેલ સિસ્ટમ્સના આધુનિક પ્લાન્ટની મુલાકાત લઈને મુખ્યમંત્રીએ અમદાવાદ મેટ્રો રેલ માટેના કોચીસનું લોન્ચિંગ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને વેગ આપતું આ મહત્વપૂર્ણ કદમ ગુજરાત માટે ગૌરવરૂપ છે તેમ તેમણે જણાવ્યું હતું.

ટિટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા તેના ફેસેલિટી પ્લાન્ટમાં આ ટ્રેન મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્વદેશી રીતે બનાવવામાં આવી રહી છે. આધુનિક મેટ્રો અને મુસાફર કોચના ઉત્પાદન માટે સક્ષમ આ પ્લાન્ટ અદ્યતન અને આધુનિક તકનીક તથા સાધનસામગ્રી સાથે સ્થાપિત કરવામાં આવેલો છે. ટિટાગઢ પ્લાન્ટમાં દેશના અનેક રાજ્યોના લોકો કાર્યરત છે તે પણ એક ભારત - શ્રેષ્ઠ ભારતનો વડાપ્રધાનનો મંત્ર ચરિતાર્થ કરે છે તે માટે પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા હતા.

અમદાવાદને મળી રહેલી આ મેટ્રો ટ્રેન શહેરમાં મેટ્રો રેલ વ્યવસ્થાની વધતી માંગ અને લોકપ્રિયતાને પહોંચી વળવા સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સને સુગમ બનાવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRCL)એ કોલકાતા સ્થિત ટિટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડને 10 ટ્રેનોનો ઓર્ડર આપ્યો છે. આ ટ્રેન ફેઝ-2ના 21 કિ.મી.નું કાર્ય પૂર્ણ થતાં અને બાકીનો ભાગ ટૂંક સમયમાં કાર્યરત થવાથી ઊભી થનારી વધારાની ટ્રેનોની જરૂરિયાતને પહોંચી વળશે.

અમદાવાદ મેટ્રો અત્યારે દરરોજ 1.6 લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે અને તેમાં વાર્ષિક 30–40%ની વૃદ્ધિ થઈ રહી છે. આવનારા દિવસોમાં મેટ્રો રેલ સેવાનો આ દાયરો વધારીને સુરતમાં પણ મેટ્રો કાર્યરત થવાની છે તેમ CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

ઉચ્ચ ગુણવત્તાના સ્ટેનલેસ સ્ટીલથી બનેલી આ મેક ઈન ઇન્ડિયા ટ્રેનોમાં રંગો અને ડિઝાઇનનો જે વિશેષ સ્પર્શ આપવામાં આવ્યો છે તે અમદાવાદની સંસ્કૃતિ અને પરંપરાને પ્રતિબિંબિત કરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મેટ્રો રેલ માટે સ્વીકારેલી પ્રથમ મેક ઈન ઇન્ડિયા મેટ્રો ટ્રેન અંતિમ પરીક્ષણો પછી તથા સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી પ્રમાણપત્ર મળ્યા બાદ થોડા જ દિવસોમાં અમદાવાદ પહોંચાડવામાં આવશે. ત્યારબાદ મુસાફરોની સેવામાં મૂકવામાં આવશે. એટલું જ નહિ, અમદાવાદ માટે બાકી રહેલી 9 ટ્રેનો પણ ટિટાગઢ દ્વારા આગામી 5–6 મહિનામાં તબક્કાવાર પૂરી પાડવામાં આવશે. વૈશ્વિક સ્તરે લાગુ પડતા તાજેતરના આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસસંગત આ મેક ઈન ઇન્ડિયા ટ્રેન ગુજરાત માટે ગૌરવરૂપ બનશે.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન એવા વિઝનરી લીડર છે કે, તેઓ દરેક કામમાં ભવિષ્યલક્ષી આયોજન અને નાનામાં નાના માનવીના ભલાનો વિચાર કરીને જ આગળ વધે છે. તેમના દિશાદર્શનમાં દેશના વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટની જે મહત્વપૂર્ણ ભૂમિકા છે તેની વિગતો આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પાછલા વર્ષોમાં દેશમાં રેકોર્ડ બ્રેક ગતિએ સડક નિર્માણ થયું છે. એરપોર્ટની સંખ્યા બમણી થઈ છે અને મેક ઇન ઇન્ડિયા સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનથી રેપીડ ટ્રાન્ઝિસ્ટને નવી દિશા મળી છે. 2014માં મેટ્રો નેટવર્ક 248 કિલોમીટર હતું તે 2025માં વધીને 1013 કિલોમીટર થયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મેટ્રો ટ્રેનના કોચિસના વિશેષ લક્ષણોની તલસ્પર્શી જાણકારી કોચ નિરીક્ષણ અને પ્લાન્ટના વરિષ્ઠ ઇજનેરો સાથેની ચર્ચા દ્વારા મેળવી હતી. આ મેટ્રો ટ્રેન શ્રેષ્ઠ શ્રેણીની ફાયર સેફટી સહિત અન્ય સુરક્ષા સુવિધાઓ તથા ગ્રેડ ઓફ ઑટોમેશન 4 (GOA4) હેઠળ સંપૂર્ણ ઓટોમેટેડ, ડ્રાઇવરલેસ ટ્રેન તરીકે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે તેમ તેમને ટિટાગઢ રેલ સિસ્ટમ્સના ઈજનેરોએ જણાવ્યું હતું.