Ahmedabad News: સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત મહાસંમેલન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તથા રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓનો અભિવાદન સમારંભ યોજાયો હતો.
આ સમારંભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પટેલ સમાજ સેવા, સમર્પણ અને સહયોગ જેવા સિદ્ધાંતો પર ચાલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સૌનો સાથ સૌનો વિકાસ'ના મંત્રને પટેલ સમાજે પચાવ્યો છે. સૌ સમાજો સાથે મળીને આગળ વધે તો કેટલી ઝડપે અને વ્યાપક સ્તરે વિકાસ થઈ શકે, એનું આગવું ઉદાહરણ આજની વિશાળ જનમેદની પૂરું પાડી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
પટેલ સમાજની સિદ્ધિઓ વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પટેલ સમાજ માત્ર એક જ્ઞાતિ નહિ, મહેનત, સ્વાભિમાન અને રાષ્ટ્રનિર્માણનું પ્રતીક બનીને ઉભરેલો સમાજ છે. દેશમાં કે વિદેશમાં રહીને વિશ્વ સાથે સ્પર્ધા કેવી રીતે કરી શકાય, એ પટેલ પરિવારોએ શીખવ્યું છે.
સરદાર વલ્લભભાઈ પટેલને ભાવાંજલિ આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આપણે સૌ લોહપુરુષ સરદાર સાહેબના વારસદારો છીએ. સરદાર પટેલ આપણા માટે માત્ર ઇતિહાસ-પુરુષ નહિ, પરંતુ સમાજસેવાથી રાષ્ટ્રસેવાની દિશા આપનારા પ્રેરણા-પુરુષ છે. વડાપ્રધાન નરેન્દ્રએ સરદારસાહેબની વિચારધારાને આગળ વધારી છે અને જનજન સુધી વિસ્તારી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનએ પર્યાવરણ-મિત્ર ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે ત્યારે આપણે સૌએ એક પેડ માં કે નામ, કેચ ધ રેન, સોલાર રુફ ટોપ જેવા અભિયાનો સાથે જોડાવું જોઈએ. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અહીં ઉપસ્થિત સૌ સમાજો, આગેવાનો અને નાગરિકોને સ્વદેશી અપનાવીને વોકલ ફોર લોકલ તેમજ લોકલ ફોર ગ્લોબલનો મંત્ર અપનાવવા મારો અનુરોધ છે, એવું ઉમેર્યું હતું.
ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ તથા રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓનું અભિવાદન કરવા બદલ મુખ્યમંત્રીએ સમાજના આગેવાનોનો આભાર માન્યો હતો.
ગુજરાતના સામાજિક ઉત્થાન અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પાટીદાર સમાજનના યોગદાનને અતુલનીય ગણાવતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યમાં જ્યારે પણ કુદરતી આફત કે સંકટ આવ્યું છે, ત્યારે આ સમાજે પોતાના ધંધા-રોજગાર અને પરિવારની ચિંતા છોડીને ‘સેવા એ જ પરમો ધર્મ’ના સૂત્રને સાર્થક કર્યું છે. રાહત સામગ્રી પહોંચાડવાથી લઈ રસોડા શરૂ કરવા સુધીની કામગીરીમાં સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકો હંમેશાં અગ્રેસર રહ્યા છે.
તેમણે કહ્યું કે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે છાત્રાલયો અને હોસ્પિટલોનું નિર્માણ કરીને જનસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરંતુ બીજી તરફ, બાળકોના ભવિષ્ય માટે લોહી-પરસેવો એક કરનારાં માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં મોકલવાના બનાવોને દુઃખદ ગણાવ્યા હતા. આ અંગે ઊંડી સંવેદના પણ વ્યક્ત કરી હતી.
આ સાથે જ ગૌરક્ષા અને કાયદો-વ્યવસ્થા અંગે વાત કરતા જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ગૌહત્યા કરનારાઓ અને વ્યાજખોરીના નામે સામાન્ય જનતાને હેરાન કરતા ગુંડા તત્ત્વો સામે કડક હાથે કામ લઈ રહી છે. ગુજરાત આજે ગૌહત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જે સુરક્ષિત ગુજરાતની પ્રતીતિ કરાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

