BJP Lok Sabha Candidates 2024: અમદાવાદના પૂર્વ ડેપ્યૂટી મેયર હવે પશ્ચિમ લોકસભા બેઠક પરથી લડશે ચૂંટણી, કેવી રહી દિનેશ મકવાણાની રાજકીય સફર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 02 Mar 2024 08:38 PM (IST)Updated: Sat, 02 Mar 2024 08:39 PM (IST)
bjp-lok-sabha-candidates-2024-dinesh-makwana-political-journey

લોકસભા ચૂંટણી-2024 માટે ભાજપ દ્વારા 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો, ભાજપ દ્વારા રાજ્યની 26 બેઠકો પૈકી 15 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 3 ટર્મથી સાંસદ રહેલા ડૉ. કિરીટ સોલંકીની જગ્યાએ અમદાવાદના પૂર્વ ડેપ્યૂટી મેયર દિનેશ મકવણાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તો ચાલો દિનેશ મકવાણાની રાજકીય સફર પર એકનજર નાંખીએ…

16 ડિસેમ્બર, 1969માં જન્મેલા દિનેશ મકવાણા વ્યવસાયે વકીલ છે. 55 વર્ષીય દિનેશ મકવાણા 1987થી રાજકારણમાં સક્રિય છે. ભાજપ દ્વારા દિનેશ મકવાણાને સૌ પ્રથમ 1987માં નરોડા વોર્ડના અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જે બાદ 1991 થી 1995 સુધી ભાજપની અસારવા મંડલ સમિતિના મંત્રી તરીકે રહી ચૂક્યાં છે.

1995 થી 2020 સુધી એમ સતત 4 ટર્મ સુધી દિનેશ મકવાણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૈજપુર બોઘા વોર્ડથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 1999 થી 2003 દરમિયાન દિનેશ મકવાણા કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં વિવિધ પદ પર રહી ચૂક્યાં છે.

જે બાદ 2005 થી 2008 અને 2018 થી 2020 દરમિયાન દિનેશ મકવાણા બે ટર્મ માટે અમદાવાદના ડેપ્યૂટી મેયર તરીકે રહી ચૂક્યા છે. જ્યારે 2013 થી 2021 સુધી દિનેશ મકવાણા અમદાવાદના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે. જ્યારે 2022થી દિનેશ મકવાણા અમદાવાદ ભાજપના પ્રવક્તા તરીકે કાર્યરત છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.