Ahmedabad News: ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં તાજેતરમાં એક મેગા ડીલ થઈ છે, જેણે રિયલ એસ્ટેટ માર્કેટમાં સનસનાટી મચાવી દીધી છે. દુબઈ સ્થિત અગ્રણી લૂલૂ ગ્રૂપે (Lulu Group) શહેરના ચાંદખેડા વિસ્તારમાં દેશનો સૌથી મોટો મોલ બનાવવા માટે રૂપિયા 519 કરોડની જંગી રકમમાં જમીન ખરીદી છે. લૂલૂ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ પ્રાઈવેટ લિમિટેડે આ પ્લોટની ખરીદી માટે સરકારી તિજોરીમાં રૂપિયા 25.45 કરોડની વિક્રમી સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે.
ચાંદખેડા બનશે શોપિંગ હબ:
લૂલૂ ગ્રૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પાસેથી કુલ 66,168 ચોરસ મીટર (લગભગ 6.6 હેક્ટર) જમીન ખરીદી છે. આ જમીન AMCની 76\બી ટીપી સ્કીમ હેઠળ આવતા પાંચ અલગ-અલગ પ્લોટ (381, 382, 383, 391 અને 396) નો સમાવેશ કરે છે. આ વિશાળ જગ્યા પર લૂલૂ ગ્રૂપ દ્વારા આધુનિક અને ભવ્ય શોપિંગ મોલ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જે આગામી સમયમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એક શોપિંગ અને મનોરંજનના કેન્દ્ર તરીકે ઉભરી આવશે. ખાસ વાત એ છે કે આ જમીનનો સોદો અને સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણી હિન્દુ પર્વ વાઘ બારસના શુભ દિવસે કરવામાં આવી હતી.
ગુજરાતની સૌથી મોટી ડીલ
રૂપિયા 519 કરોડ
આ લેન્ડ ડીલ ગુજરાતની તાજેતરની સૌથી મોટી ખાનગી જમીન ડીલોમાં ટોચનું સ્થાન ધરાવે છે. અન્ય મોટી ડીલો પર નજર કરીએ તો:
રૂપિયા 510 કરોડ
2023માં સુરતમાં ફોનિક્સ મિલ અને ખાનગી માલિકો વચ્ચે 7 એકરથી વધુ જમીનની ડીલ થઈ હતી.
રૂપિયા 450 કરોડ
2024માં અમદાવાદમાં એસ.જી. હાઇવે પર સિંધુ ભવન રોડ ખાતે 15 હજાર સ્ક્વેર યાર્ડની કોમર્શિયલ ડીલ નોંધાઈ હતી.
રૂપિયા 350 કરોડ
2023માં ગોતામાં ખાનગી માલિકો વચ્ચે 42 હજાર સ્ક્વેર યાર્ડના પ્લોટની ડીલ થઈ હતી.
