અમદાવાદ.
ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022નું પરિણામ જાહેર થઈ રહ્યું છે. અત્યાર સુધીના પરિણામો પર નજર નાંખીએ તો, ભાજપ રેકોર્ડ બ્રેક જીત તરફ આગળ વધી રહી છે. ખાસ વાત એ છે કે, ભાજપ તરફથી ચૂંટણી લડી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વખતની ચૂંટણીમાં પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ બેઠક પર ભૂપેન્દ્ર પટેલ 1,92,263ની લીડથી એકતરફી વિજેતા થયા છે.
ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ભૂપેન્દ્ર પટેલને કુલ 2,13,530 મત મળ્યા છે. જ્યારે બીજા ક્રમે આવેલા કોંગ્રેસના ઉમેદવાર ડૉ અમીબેન યાજ્ઞિકને માત્ર 21,267 મત મળ્યા છે.
જો મતદાનની ટકાવારી જોઈએ તો, ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ભૂપેન્દ્ર પટેલને કુલ 82.95 ટકા મત મળ્યાં છે. જ્યારે અમીબેન યાજ્ઞિકને માત્ર 8.26 ટકા મત મેળવીને સંતોષ માનવો પડ્યો છે. બીજી તરફ ચૂંટણી પ્રચારમાં એડચોટીનું જોર લગાવી રહેલી આમ આદમી પાર્ટી આ બેઠક પર માત્ર 6.29 ટકા મત જ મેળવી શકી છે.
ભૂતકાળમાં શું હતું પરિણામ?
2017માં વિજય રૂપાણીના નેતૃત્વમાં લડાયેલી ચૂંટણી સમયે ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી. એ ચૂંટણીમાં પણ ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના શશીકાંત પટેલને 1,17,750 મતે પરાજય આપ્યો હતો. આમ 2022ની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલે 2017 કરતાં 73 હજારથી વધુ મત મેળવ્યા છે.
આટલું જ નહીં, ઘાટલોડિયા બેઠક પર 2012માં આનંદીબેન પટેલ ચૂંટણી લડ્યા, ત્યારે તેમને 74.51 ટકા મત મળ્યા હતા. તે સમયે આનંદીબેને 1,10,395 મતે જીત મેળવી હતી. જો કે તે પછીની 2017 અને 2022ની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલે જૂના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.
