સિલ્વર ઓક કિડ્સ ખાતે 'ભારત કા સફર'ની ભવ્ય ઉજવણી: ભૂલકાઓએ સ્ટેજ પર કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સંસ્કૃતિ જીવંત કરી

શાળા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આ મહોત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ દેશના સાંસ્કૃતિક ગૌરવ અને રાષ્ટ્રીય એકતાની ભાવના મજબૂત કરવાનો છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 21 Dec 2025 04:20 PM (IST)Updated: Sun 21 Dec 2025 04:20 PM (IST)
bharat-ka-safar-grand-celebration-at-silver-oak-kids-in-ahmedabad-659460

Silver Oak Kids: નાનકડા ભૂલકાઓના કલરવ અને ભારતની ભવ્ય સંસ્કૃતિના સંગમ સાથે સિલ્વર ઓક કિડ્સ દ્વારા વાર્ષિક મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે મહોત્સવની થીમ ‘ભારત કા સફર – કાશ્મીર ટુ કન્યાકુમારી: ઇન્ડિયા કમ્સ અલાઇવ’ રાખવામાં આવી હતી, જે અંતર્ગત શાળાના આંગણે મિની ભારત જેવો માહોલ સર્જાયો હતો.

અનેકતામાં એકતાના દર્શન

કાર્યક્રમ દરમિયાન શાળાના નાનકડા વિદ્યાર્થીઓએ કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધીના વિવિધ રાજ્યોના પારંપરિક પોશાકો ધારણ કર્યા હતા. કોઈ બાળક પંજાબના ભાંગડાના જોશમાં દેખાયું, તો કોઈએ ગુજરાતના ગરબા અને દક્ષિણ ભારતની કલા રજૂ કરી હતી. મનમોહક નૃત્યો અને નાટકો દ્વારા બાળકોએ ભારતની સમૃદ્ધ વિરાસતને સ્ટેજ પર એવી રીતે રજૂ કરી કે ઉપસ્થિત પ્રેક્ષકો અને વાલીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

શિક્ષકોનું વિશેષ આકર્ષણ

આ વર્ષના મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ શાળાના શિક્ષકો રહ્યા હતા. સામાન્ય રીતે પડદા પાછળ રહીને આયોજન કરતા શિક્ષકોએ પોતે પણ ભારતના અલગ-અલગ રાજ્યોના પોશાક પહેરીને સ્ટેજ પર પ્રસ્તુતિ આપી હતી. શિક્ષકોના આ ઉત્સાહ અને 'અનેકતામાં એકતા'ના સંદેશને વાલીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય

શાળા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આ મહોત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ દેશના સાંસ્કૃતિક ગૌરવ અને રાષ્ટ્રીય એકતાની ભાવના મજબૂત કરવાનો છે. બાળકો રમત-રમતમાં જ ભારતના વિવિધ ભૌગોલિક અને સાંસ્કૃતિક પાસાઓને ઓળખતા થાય તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર વાર્ષિકોત્સવ રંગબેરંગી રોશની, સંગીત અને ઉત્સાહ સાથે યાદગાર બની રહ્યો હતો. વાલીઓએ શાળાના આ નવતર પ્રયોગ અને બાળકોની મહેનતને ખુબ જ બિરદાવી હતી.