Water Heritage:યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારમાં કલા, સંસ્કૃતિ, પરંપરા, સ્થાપત્ય અને વારસાની ઉજવણી થશે. અમદાવાદના સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી માટે વર્લ્ડ હેરિટેજ સપ્તાહ દરમિયાન બે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે:
ભદ્ર ફેસ્ટિવલ | 19 નવેમ્બર 2026
વોટર હેરિટેજ સિરીઝ | 25 નવેમ્બર 2026
આયોજન અને ક્યુરેશન: ક્રાફ્ટ ઓફ આર્ટ
સહયોગ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
વર્ષ 2014માં પ્રથમ વખત યોજાયેલા ‘ભદ્ર ફેસ્ટિવલ’નું 12 વર્ષ બાદ ફરી એકવાર અમદાવાદના ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં સંગીત, નાટ્યકલા, વાર્તાકથન, લોકપરંપરાઓ અને વિઝ્યુઅલ આર્ટ્સની વિવિધ રજૂઆતો જોવા મળશે. ભારતના ઐતિહાસિક સ્મારકોમાં સંગીત અને કલાના વિવિધ સ્વરૂપોને લોકો સુધી પહોંચાડવાની ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ની 17 વર્ષની સફરમાં આ ફેસ્ટિવલ એક મહત્વપૂર્ણ પ્રસંગ બની રહેશે.
સાંજે 4:00 વાગ્યાથી શરૂ થનારા આ ફેસ્ટિવલના કાર્યક્રમો ભદ્ર કિલ્લો, પ્રેમાભાઈ હોલ પરિસર અને ભદ્ર પ્લાઝા ખાતે યોજાશે. સાંજે 7:15 વાગ્યે ત્રણ દરવાજા ખાતે ભવ્ય સંગીત સમારોહ યોજાશે.
કાર્યક્રમમાં નાથુલાલ સોલંકી અને તેમના કલાકારવૃંદ દ્વારા નગારા વાદન, વિજાનંદ તુરી અને તેમના કલાકારવૃંદ દ્વારા રાવણહથ્થાની રજૂઆત, સિદી ગોમા ડાન્સ ગ્રૂપ દ્વારા સિદી ધમાલ, મહારાષ્ટ્રના ઇનક્રેડિબલ મલ્લખંબ ગ્રૂપ દ્વારા મલ્લખંબ અને નિસર્ગ ત્રિવેદી તથા તેમના કલાકારવૃંદ દ્વારા નાટ્યસંગીત રજૂ કરવામાં આવશે.
નાટ્યકલા અને વાર્તાકથનના કાર્યક્રમોમાં દાદી પુદુમજીના ઇશારા પપેટ થિયેટર દ્વારા વિશાળ કઠપૂતળીઓની પરેડ યોજાશે. આ ઉપરાંત ‘ભદ્ર ફેસ્ટિવલ’માં દાસ્તાન-એ-દરવાજા (દાસ્તાનગોઈ) અને પરંપરાગત ગુજરાતી કથાપ્રસ્તુતિ ભદ્રાખ્યાન પણ રજૂ કરવામાં આવશે.
ભદ્રના ઇતિહાસ અને તેની સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરતાં ‘ભદ્ર ફેસ્ટિવલ’માં ત્રણ વિશેષ પ્રદર્શનો પણ યોજાશે. ભદ્ર કિલ્લા ખાતે ઐતિહાસિક તસવીરોનું પ્રદર્શન હિસ્ટ્રી ઓફ ભદ્ર, પ્રેમાભાઈ હોલના પ્રવેશખંડમાં માનવિતા બારાડી દ્વારા તૈયાર કરાયેલું રંગ સ્મૃતિ: ધ લિવિંગ આર્કાઇવ્સ ઓફ ગુજરાતી થિયેટર અને વિનય પંજવાણીની તસવીરોનું ખુલ્લી જગ્યામાં યોજાનારું પ્રદર્શન ભદ્ર અનપોઝ્ડ તેમાં સામેલ છે. આ ઉપરાંત ભદ્ર કિલ્લાના બહારના ભાગ પર પ્રોજેક્શન મેપિંગ, આધુનિક કાઇનેટિક આર્ટ ઇન્સ્ટોલેશન અને પ્રેમાભાઈ હોલના બહારના ભાગ પર માતાની પછેડીથી પ્રેરિત દૃશ્ય રજૂઆત પણ જોવા મળશે.
ત્રણ દરવાજા ખાતે ભવ્ય સંગીત સમારોહ
ભદ્ર ફેસ્ટિવલ’માં સાંજના વિશેષ સંગીત સમારોહમાં ઉસ્તાદ ફઝલ કુરેશી (તબલા) સાથે જ્યોર્જ બ્રૂક્સ (સેક્સોફોન), શેલ્ડન ડિસિલ્વા (બેસ), અરુણ કુમાર (ડ્રમ્સ) અને રાહુલ વાધવાણી (કીબોર્ડ્સ) સંગીત રજૂ કરશે. ત્યારબાદ ઉસ્તાદ શુજાત ખાન (સિતાર)ની રજૂઆત યોજાશે, જેમાં તબલા પર અમિત ચૌબે અને સપન અંજારિયા સંગત આપશે. કાર્યક્રમનું સંચાલન માનવ ગોહિલ કરશે.
ફેસ્ટિવલ અંગે ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’નાં સ્થાપક અને આર્ટિસ્ટિક ડિરેક્ટર બિરવા કુરેશીએ જણાવ્યું હતું કે, “બાર વર્ષ પછી ફરી ભદ્રમાં આવવું અમારા માટે ખૂબ જ ખાસ છે. ભદ્ર વિસ્તારની પોતાની એક આગવી ઓળખ છે. અહીંનું સ્થાપત્ય, નાટ્યકલા, સંગીત, પરંપરાઓ અને રોજિંદું જીવન, આ બધું જ આ સ્થળને જીવંત બનાવે છે. અમે ઇચ્છીએ છીએ કે લોકો વર્ષોથી જે જગ્યાઓને ઓળખે છે, તેને આ વખતે ‘ભદ્ર ફેસ્ટિવલ’માં કંઈક અલગ રીતે જુએ અને અનુભવે.”
પ્રવેશ: નિઃશુલ્ક. ભદ્ર કિલ્લા અને ત્રણ દરવાજા ખાતે યોજાનારા સંગીત સમારોહ માટે જ BookMyShow પર અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ફેસ્ટિવલના અન્ય તમામ સ્થળોએ રજિસ્ટ્રેશન વિના પ્રવેશ મેળવી શકાશે. કેટલીક બેઠકો અનામત રાખવામાં આવશે.
વોટર હેરિટેજ સિરીઝ | 25 નવેમ્બર
ત્રણ ઐતિહાસિક વાવ. એક દિવસ. પરોઢથી સાંજ સુધી.
વોટર હેરિટેજ સિરીઝ અંતર્ગત અમદાવાદની ત્રણ ઐતિહાસિક વાવમાં સંગીત, કવિતા અને નૃત્યના વિશેષ કાર્યક્રમો યોજાશે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતા અમદાવાદની આ વાવમાં પરોઢથી સાંજ સુધી વિવિધ કલાકારો પોતાની કલા રજૂ કરશે.
વાવ સૂર | જેઠાભાઈની વાવ | સવારે 6:30 વાગ્યે
પંડિત જયતીર્થ મેવુન્ડી દ્વારા પરોઢના સમયે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની ગાયન રજૂઆત યોજાશે.
વાવ વાર્તા | અમૃતવર્ષિણી વાવ | સવારે 11:00 વાગ્યે
સૌમ્ય જોશી અને અનિલ ચાવડા કાવ્યપાઠ રજૂ કરશે. આ સાથે ભરતનાટ્યમ નૃત્યાંગના પ્રાચી સાથી દ્વારા નૃત્ય આધારિત વિશેષ રજૂઆત કરવામાં આવશે.
ઉસ્તાદ ફઝલ કુરેશી (તબલા)ના નેતૃત્વમાં વિશેષ સંગીત સમારોહ યોજાશે. તેમાં દિલશાદ ખાન (સારંગી), સાસ્કિયા રાવ (સેલો), ડેરા ખાન (કમાયચા), ખેતે ખાન અને ઝાકિર ખાન (ખડતાલ) સંગીત રજૂ કરશે. હિમાલી વ્યાસ નાયક વિશેષ અતિથિ ગાયિકા તરીકે જોડાશે.
