અમદાવાદ.
Dhirendra Shastri Ahmedabad Visit: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના 10 દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે અમદાવાદ પહોંચી ગયા છે, જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદના વટવા પહોંચ્યા હતા, જ્યાં દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથામાં ભાગ લીધો હતો. અહીં બાગેશ્વર બાબાએ સનાતન વિરોધીઓને આડેહાથ લીધા હતા.
પોતાના સંબોધનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, ભક્તિ ભૂમિ ગુજરાતને નમન. ગુજરાતીઓને દરેક જગ્યાએ પહોંચ છે, ધન્ય છો તમે. અહીંના લોકોથી જીતવું ઘણું અઘરું છે. તેઓ આગામી 10 દિવસ સુધી ગુજરાતમાં રહેશે. 29મી મેના રોજ અમદાવાદમાં દિવ્ય દરબાર ભરાશે. આ દરમિયાન સનાતન વિરોધીઓની ચટણી બનાવશે. ધર્મ વિરોધીઓ જ્યાં સુધી સુધરી નહીં જાય, ત્યાં સુધી આ કામ ચાલતુ રહેશે.
સનાતન માટે જાગવાનો સમય આવી ગયો છે. સનાતન ધર્મનું અપમાન કરનારા લોકોને માફ ના કરી શકાય. સનાતન ધર્મમાં માનનારા લોકોએ એકજૂટ થઈ જવું જોઈએ. તેમણે સનાતન માટે જાગવું પડશે, નહીંતર આગલી પેઢીમાં રામકથા નહીં થાય. હિન્દુઓએ હવે ભાગવાનો સમય નથી, પરંતુ જાગવાનો સમય છે.
શિવપુરાણ કથામાં ભાગ લીધા પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ શહેરના અમરાઈવાડીમાં કોંગ્રેસ નેતા અરવિંદ ચૌહાણના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં આગામી 29મીં મેના રોજ દિવ્ય દરબાર છે, જેમાં હું સનાતન ધર્મ વિશે બોલીશ. આ એક મોટું મિશન છે. અયોધ્યામાં રામનો રાજ્યાભિષેક થયો હવે મથુરામાં કૃષ્ણનો રાજ્યાભિષેક થવાનો છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો છે અને ભગવાન કૃષ્ણને મથુરામાં ફરીથી સ્થાપિત કરવાના છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઈને હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર હાઈકોર્ટે તાત્કાલીક સુનાવણીનો ઈનકાર કર્યો છે. અરજકર્તાએ માંગ કરી હતી કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ દરમિયાન સાંપ્રદાયિક તણાવ વધે તેવી કોઈ ગતિવિધિ ના થાય, તે માટે પોલીસને આદેશ આપવામાં આવે.
જો કે કોર્ટે આ જાહેરહિતની અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કરી દીધો છે. અરજકર્તાએ કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી પર અગાઉ પણ લઘુમતીઓ વિરુદ્ધ લોકોને ભડકાવવાનો આરોપ લાગ્યો છે.