Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દિવાળીના પર્વ નિમિત્તે 7 થી 11 નવેમ્બર દરમિયાન પોતાના વતન ગુજરાતના 4 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પરિવાર સાથે તહેવાર મનાવવાની સાથે ઇસ્કોનથી સરખેજ એલિવેટેડ કોરિડોર સહિત અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકો માટે રૂ. 1,500 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આગામી 9મી નવેમ્બરે સવારે 11 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદ ખાતે આ તમામ જનહિતકારી પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે.
ઇસ્કોનથી સરખેજ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કરશે
અમિત શાહ આ પ્રવાસ દરમિયાન એસ.જી. હાઈવે પર બનેલો ઇસ્કોન સર્કલથી સરખેજ સુધીનો નવનિર્ણય એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કરશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા નિર્મિત અને રૂ. 464 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ 4 કિલોમીટર લાંબો, સિક્સ-લેન ઓવરબ્રિજ 9મી નવેમ્બરે ખુલ્લો મુકાશે. આ બ્રિજ કાર્યરત થવાથી અમદાવાદથી ગાંધીનગર અને રાજકોટ તરફ જતા દરરોજના 2 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.
9મી નવેમ્બરે આ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરાશે
યુવાનો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નિર્મિત જોધપુર નોલેજ હબ ખુલ્લું મુકાશે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ થશે. ગોતા વિસ્તારના સામાન્ય અને ગરીબ વર્ગના લોકો માટે સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાશે. નારણપુરા/સ્ટેડિયમ વોર્ડમાં રામાપીરના ટેકરા (રામદેવનગરના ટેકરા) ખાતે તૈયાર કરાયેલા 1,200થી વધુ મકાનોની ચાવીઓ લાભાર્થીઓને સુપ્રત કરવામાં આવશે.
આ ઉપરાંત, અમિત શાહ અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ તૈયારીઓ અંગે AMCના અધિકારીઓ સાથે બેઠક કરશે અને શહેરમાં રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રગતિની ચર્ચા કરશે. નૂતન વર્ષના દિવસે તેઓ પોતાના નિવાસસ્થાને ભાજપના કાર્યકરો તથા શુભેચ્છકો સાથે સ્નેહ મિલન યોજી મુલાકાત કરશે.
