Ahmedabad
અમિત શાહ આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, ગાંધીનગર, વડોદરા અને જુનાગઢના કાર્યક્રમોમાં હાજરી આપશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગાંધીનગર ઉપરાંત જુનાગઠ અને વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં શરૂ થયેલી 49મી ડેરી ઈન્ડસ્ટ્રીઝ કોન્ફરન્સમાં હાજરી આપશે. તેઓ શનિવારે સર્કિટ હાઉસમાં બેઠક પણ યોજશે. જેમાં ગાંધીનગરના વિકાસના કામો અંગે ચર્ચા કરાશે. આ ઉપરાંત તેઓ શનિવારે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે.
રવિવારે અમિત શાહ જુનાગઢના પ્રવાસે છે. અહીં માર્કેટિંગ યાર્ડમાં યાજાનાર કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. અહીં તેઓ એપીએમસીમાં કિસાન ભવન, નવા સેડ, ખેડુત કેન્ટિંન અને આરામગૃહનું લોકાર્પણ કરશે. શક્કરબગામાં ઓર્ગેનિક મોલનું ભૂમિપૂજન કરશે. ઝાંઝરડા રોડ પર જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કના નવા બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કરશે.
ગાંધીનગરના તેમના કાર્યક્રમમાં સર્કિટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને મોનિટરીંગ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે. તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક ભોજન અભિયાનનો પ્રારંભ કરાવશે. ઉપરાંત તેઓ નારદીપુર અને વાસણ ગામમાં તળાવનું લોકાર્પણ કરાવશે.