Amit Shah Meeting IN Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે અમદાવાદ ખાતે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે એક અત્યંત મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠકમાં રાજ્યમાં ભારતીય ન્યાય સંહિતા સહિતના ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણથી લઈને આંતરિક સુરક્ષા જેવા અતિ સંવેદનશીલ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
બેઠકમાં ગૃહમંત્રી મેળવશે મહત્વની વિગત
દેશમાં નવા ફોજદારી કાયદા અમલી બન્યા બાદ ગુજરાત પોલીસ તંત્રની કામગીરી અને તેમાં આવેલા ફેરફારો અંગે ગૃહમંત્રી વિગતો મેળવશે. આ બેઠકમાં નવા કાયદા હેઠળ પોલીસ તપાસ અને પુરાવા એકત્ર કરવાની ગુનાના કેસોમાં નવી જોગવાઈઓના ઉપયોગ અને તે દરમિયાન સામે આવતા વ્યવહારુ પડકારો પર ચર્ચા થશે. આધુનિક પદ્ધતિઓ અંગે સમીક્ષા હાથ ધરાશે.
ડ્રગ્સની હેરાફેરી અને સાયબર ક્રાઈમ ચર્ચા થશે
બેઠકમાં રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓ અને નશીલા પદાર્થોના કારોબારને ડામવા માટે એજન્સીઓના કોઓર્ડિનેશન પર ખાસ ભાર મૂકવામાં આવશે તેમજ ગુજરાતની દરિયાઈ સરહદ મારફતે થતી ડ્રગ્સની ઘૂસણખોરી અને આંતરરાજ્ય સંગઠિત ગુનાખોરી સામે તપાસ એજન્સીઓની કાર્યવાહીની સમીક્ષા કરાશે. નાણાકીય સાયબર ફ્રોડ, ડિજિટલ છેતરપિંડી અને સાયબર ગુનેગારો સુધી પહોંચવામાં આવતી મુશ્કેલીઓને ઉકેલવા માટે વ્યૂહરચના ઘડાશે.
બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહેશે?
આ બેઠકમાં રાજ્યના વહીવટી અને પોલીસ તંત્રના ટોચના અધિકારીઓ ભાગ લેશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ એમ.કે. દાસ, રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક ગૃહ વિભાગ તથા તમામ સબંધિત સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
