Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદને 'ગ્રીન સિટી' બનાવવા માટે એક મહત્વાકાંક્ષી માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત શહેરમાં હવા પ્રદૂષણ નિયંત્રણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં પિરાણા, રખિયાલ, રાયખડ જેવા નવ મુખ્ય પ્રદૂષણ હોટસ્પોટ વિસ્તારોમાં વિશેષ મોનિટરિંગ કરવામાં આવશે. તેમજ પરિવહનમાં ગ્રીન મોડલ અપનાવવામાં આવી રહ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વધતા શહેરીકરણ વચ્ચે સ્વચ્છ હવા અને સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરીને વૈશ્વિક ઇવેન્ટ માટે પર્યાવરણીય ધોરણો જાળવવાનો છે.
શહેરના વિકાસ સાથે સ્વચ્છ હવા અને સ્વસ્થ જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સધન અને સતત કામગીરી હાથ ધરવામાં આવી છે. 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને પણ અમદાવાદ શહેરે સ્વચ્છ હવા અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ માટે વ્યાપક તૈયારીઓ પણ શરૂ કરી છે. વૈશ્વિક કક્ષાની રમતોત્સવ ઇવેન્ટ માટે આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ પર્યાવરણ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવું એ શહેરનું પ્રાથમિક લક્ષ્ય છે.
નવ હોટસ્પોટ વિસ્તારો નિર્ધારિત કરવામાં આવ્યા
શહેરમાં પ્રદૂષણના સ્થાનિક સ્ત્રોતોને વૈજ્ઞાનિક રીતે ઓળખી કુલ નવ હોટસ્પોટ વિસ્તારો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં પિરાણા, રખિયાલ, રાયખડ, બોપલ, વટવા, એસ.પી.સ્ટેડિયમ, ચાંદખેડા, મણિનગર અને વિવિધ 16 C&D વેસ્ટ કલેક્શન સેન્ટરોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં વિશેષ મોનિટરિંગ સાથે ટાર્ગેટેડ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે, જેના કારણે પ્રદૂષણ નિયંત્રણ વધુ અસરકારક બન્યું છે. એટલું જ નહીં આ બધી જગ્યા ઉપર એર ક્વોલીટી સુધારવા માટેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
16 ટ્રક-માઉન્ટેડ મીસ્ટ મશીનો કાર્યરત
નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) અને 15મા નાણાપંચ હેઠળ મળેલી ગ્રાન્ટના સદુપયોગથી શહેરમાં 16 ટ્રક-માઉન્ટેડ મીસ્ટ મશીનો કાર્યરત છે. તેમાંથી 6 મીસ્ટ મશીનો પિરાણા ડમ્પસાઇટ અને આસપાસના વિસ્તારોમાં સતત કાર્યરત છે, જ્યારે 10 મીસ્ટ મશીનો પ્રદૂષિત માર્ગોના રુટ નિશ્ચિત કરી નિયમિત રીતે મિસ્ટિંગ કામગીરી કરે છે. આ ઉપરાંત પીએમ મિટિંગેશન માટે કુલ 62 મિકેનિકલ રોડ સ્વીપર મશીનો કાર્યરત છે.
પરિવહન ક્ષેત્રે શહેરે ગ્રીન મોડલ અપનાવ્યો
અમદાવાદમાં જાહેર પરિવહન ક્ષેત્રે શહેરે ગ્રીન મોડલ અપનાવ્યો છે. AMTS અને BRTS મળી કુલ 1250 બસો ક્લીન ફ્યુઅલ પર કાર્યરત છે—જેમાં 1052 CNG અને 207 ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ થાય છે. શહેરમાં 128 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત છે અને સોલાર પાવર્ડ ચાર્જિંગ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ પહેલો વાહન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
118 અર્બન ફોરેસ્ટ વિકસાવવામાં આવ્યા
પર્યાવરણ સંતુલન માટે શહેરમાં 303 ગાર્ડન્સ અને 118 અર્બન ફોરેસ્ટ વિકસાવવામાં આવ્યા છે. શહેરનું ગ્રીન કવર આશરે 12.5 ટકા સુધી પહોંચ્યું છે. “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ 2024-25માં 40 લાખથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જે લાંબા ગાળે હવા શુદ્ધિકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
NCAP હેઠળ મળેલી રૂ. 652.22 કરોડની ગ્રાન્ટમાંથી 95.69 ટકા એટલે કે રૂ. 624.14 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે,જે દર્શાવે છે કે આયોજન અને અમલ વચ્ચે સુમેળ છે અને પ્રદૂષણ નિયંત્રણ માટેના પ્રયાસો જમીન પર અસરકારક રીતે સાબિત થઈ રહ્યા છે.
સમગ્ર રીતે જોવામાં આવે તો અમદાવાદમાં એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલ દ્વારા ટેકનોલોજી, કડક નીતિ, મજબૂત અમલવારી અને નાગરિક સહભાગિતાના સંયુક્ત પ્રયાસોથી હવા ગુણવત્તામાં સતત સુધારો નોંધાઈ રહ્યો છે. આવનારા સમયમાં મિસ્ટિંગ ક્ષમતા વધારવા, ગ્રીન ટ્રાન્સપોર્ટનો વિસ્તાર, C&D પ્રોસેસિંગ સુવિધાઓમાં વધારો અને ગ્રીન કવર વધારવાના પગલાંઓ દ્વારા શહેર “સ્વચ્છ હવા, સ્વસ્થ નાગરિક અને સસ્ટેનેબલ શહેરીકરણ”ના લક્ષ્ય તરફ વધુ મજબૂતીથી આગળ વધશે.
અમદાવાદ આજે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન સાધતા જવાબદાર અર્બન ગવર્નન્સનું પ્રતિક બની રહ્યું છે—જ્યાં 2030ની વૈશ્વિક ઇવેન્ટને ધ્યાનમાં રાખીને સ્વચ્છ, સ્વસ્થ અને સસ્ટેનેબલ શહેરનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં મજબૂત પગલાં લેવામાં આવી રહ્યા છે.
