AMC Food Department Drive: તહેવારોની સિઝનમાં અમદાવાદ શહેરના નાગરિકો દ્વારા મીઠાઈ, નમકીન-ફરસાણ, બિસ્કિટ, કૂકીઝ અને માવાની મોટી પ્રમાણમાં ખરીદી કરવામાં આવે છે. નાગરિકોને સલામત, ગુણવત્તાયુક્ત અને ભેળસેળમુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં વિશેષ આયોજન અને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સ્થળ પર જ ખાદ્ય પદાર્થોની ચકાસણી
AMCના ફૂડ વિભાગ દ્વારા એવી વ્યવસ્થા વિકસાવવામાં આવી છે જેમાં શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનું સ્થળ પર જ રેપિડ ટેસ્ટિંગ કિટ દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરી શકાય. આ માટે ફૂડ વિભાગની વિશેષ ટીમો જરૂરી સાધનો સાથે નીચે મુજબના વિવિધ ખાદ્ય પદાર્થોની ચકાસણી કરી રહી છે.
મીઠાઈઓ: સિલ્વર ફોઇલ (ચાંદીના વરખ)ની અસલિયત, Non-Food Grade રંગોનો ઉપયોગ, માવા/ખોયામાં સ્ટાર્ચની ભેળસેળ, "Pure Ghee"ના નામે વનસ્પતિ તેલ/ફેટનો ઉપયોગ અને કેસર અસલી છે કે નકલી તેની તપાસ.
નમકીન અને ફરસાણ: આકર્ષક રંગ આપવા માટે બિનમંજૂર રંગોના ઉપયોગની ચકાસણી.
બિસ્કિટ, કૂકીઝ અને ડેરી પ્રોડક્ટ્સ: બિસ્કિટમાં અયોગ્ય રંગો તેમજ પનીર અને ચીઝમાં ગુણવત્તા સાથે ચેડાં કરીને ઉમેરાતા સ્ટાર્ચની સ્થળ પર તપાસ.
કાલુપુર અને બાપુનગરમાં AMCનો સપાટો: સીલિંગની કડક કાર્યવાહી
તપાસ દરમિયાન ક્ષતિઓ અને ગંભીર બેદરકારી જણાતાં ફૂડ વિભાગ દ્વારા કડક પગલાં ભરી સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે.
શ્રી કનૈયાલાલ માવાવાળા (કાલુપુર): કાલુપુર દરવાજા બહાર આવેલી આ દુકાનમાંથી લેવાયેલા કાજુ કતરીના નમૂનાનું રેપિડ કિટથી પરીક્ષણ કરતા તેમાં ચાંદીના વરખની જગ્યાએ અન્ય ધાતુનો વરખ હોવાનું સામે આવ્યું હતું. આ કાજુ કતરીનો જથ્થો ગુજરાત હાઉસિંગ બોર્ડ, બાપુનગર સ્થિત કારખાનામાંથી આવતો હોવાનું ખુલતાં જાહેર આરોગ્યના હિતમાં આ એકમને સીલ કરવામાં આવ્યું છે.
શ્રી બાલાજી માવાવાળાનું ગોડાઉન (દરિયાપુર): વાડીગામ, દરિયાપુર સ્થિત આ ગોડાઉનમાં તપાસ દરમિયાન FSSAI અંતર્ગત પરવાનો (લાયસન્સ) મેળવેલ ન હતો તેમજ ત્યાં અત્યંત અસ્વચ્છતા (હાઇજેનિક કંડિશનનો અભાવ) જોવા મળતા આ એકમને પણ સીલ કરવામાં આવ્યું છે.
આ એકમો પર હાથ ધરાયું રેપિડ કિટથી ચેકિંગ
AMC દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જાણીતી ડેરીઓ, સ્વીટ્સ અને માવા વિક્રેતાઓને ત્યાં સ્થળ પર જ તપાસ કરવામાં આવી છે.
- શ્રીજી ડેરી - મણિનગર
- માધવી ડેરી પ્રા.લી. - કાંકરિયા
- શ્રી રામ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ - હાટકેશ્વર
- રૂપાલી ચવાણા એન્ડ સ્વીટ માર્ટ - ખોખરા
- શ્રી મહેતા સ્વીટ્સ - મણિનગર
- સુખડિયા સ્વીટ્સ - મણિનગર
- સદગુરુ સ્વીટ્સ - જોધપુર
- મહાલક્ષ્મી ડેરી - સરખેજ
- ચેતના ગાંઠિયા - જોધપુર
- મનમોહન સ્વીટ્સ - વેજલપુર
- શ્રી મહાલક્ષ્મી ડેરી - ચાંદખેડા
- પટેલ સ્વીટ્સ (ટી.જી.પેંડા) - નવરંગપુરા
- ગ્વાલિયા સ્વીટ્સ પ્રા.લી. - નવરંગપુરા
- હાઉસ ઓફ મોમોઝ - બાપુનગર
- ભૈરવનાથ ભોજનાલય - રખિયાલ
- હજારીલાલ શર્મા માવાવાળા - કાલુપુર
- કે.કે. માવાવાળા - કાલુપુર
- ચાચર સ્વીટ્સ એન્ડ નમકીન - ખોખરા
- કીર્તિ ડેરી - બાપુનગર
- હરિઓમ સ્વીટ્સ - બાપુનગર
AMCની વેપારીઓને અપીલ અને કડક ચેતવણી
AMC ફૂડ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તહેવારોની ખુશીઓમાં નાગરિકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. શહેરના તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs), સ્વીટ-ફરસાણ અને ડેરી ઉત્પાદકોએ માત્ર મંજૂર થયેલા કાચા માલ અને ફૂડ કલર્સનો ઉપયોગ કરવો ફરજિયાત છે.
આગામી દિવસોમાં પણ શહેરભરમાં તમામ ખાદ્ય એકમો પર સઘન તપાસ ચાલુ રહેશે. જો કોઈ વેપારી FSSAI લાયસન્સ વગર ધંધો કરતો અથવા ભેળસેળ કરતો જણાશે તો તેમની સામે FSSA / GPMC એક્ટ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
