Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ને વર્ષ 2026-2027ના બજેટ માટે નાગરિકો તરફથી કુલ 2,607 સૂચનો પ્રાપ્ત થયા છે. આ સૂચનોમાં ફરજિયાત સેવાઓ અંતર્ગત સૌથી વધુ 487 સૂચનો રોડ-રસ્તા સંબંધિત મળ્યા છે, જે શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને બજેટમાં સમાવવા માટે એકત્રિત કરવામાં આવ્યા છે.
વિવિધ માધ્યમો દ્વારા સૂચનો મંગાવવામાં આવ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષે નગરના વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ અસરકારક બનાવવા માટે આગામી વર્ષના બજેટ તૈયાર કરતાં પહેલાં નાગરિકો પાસેથી સૂચનો મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ અંદાજપત્રમાં શહેરીજનોને પૂરી પાડવામાં આવતી પ્રજાલક્ષી વિવિધ સુવિધાઓ તથા શહેરના સર્વાંગી વિકાસ માટે દૂરંદેશી આયોજન કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026-2027નું અંદાજપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, ત્યારે આ જ પરંપરા ચાલુ રાખતાં વર્ષ 2026-2027ના બજેટ માટે પણ નાગરિકો પાસેથી વિવિધ માધ્યમો દ્વારા સૂચનો મંગાવવામાં આવ્યા હતા.
2,607 સૂચનો મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રાપ્ત થયાં
આ વર્ષના બજેટ માટે કુલ 798 ઇમેઇલ મારફતે મળેલાં સૂચનો સહિત કુલ 2,607 સૂચનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રાપ્ત થયાં છે. આ સૂચનોમાં ફરજિયાત સેવાઓ (Obligatory Services) માટે 1795 સૂચનો મળ્યા છે, જે કુલ સૂચનોના 68.85 ટકા છે. જયારે બિન-ફરજિયાત સેવાઓ (Non-Obligatory Services) માટે 788 સૂચનો મળ્યા છે , જે કુલ સૂચનોના 30.23 ટકા છે. આવક/રેવન્યુ જનરેશન માટે 16 જેટલા સૂચનો મળ્યા છે, જે કુલ સૂચનોના 0.61 ટકા થાય છે. આ ઉપરાંત સેવાઓના સુધારણા માટે 8 સૂચનો મળ્યા છે અને તેની ટકાવારી 0.31 થાય છે.
આ પણ વાંચો
દૈનિક જીવનને અસર કરતા વિષયો પર સૂચનો
ફરજિયાત સેવાઓ અંતર્ગત મળેલા સૂચનોની વિગતવાર વાત કરીએ તો, નાગરિકોએ મુખ્યત્વે શહેરના દૈનિક જીવનને અસર કરતા વિષયો પર સૂચનો આપ્યા છે. જેમાં રોડ/ફૂટપાથ પર 487 સૂચનો (18%), ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ડ્રેઇન પર 327 સૂચનો (12.54%), પાણી સપ્લાય પર 297 સૂચનો (11.39%) લાઇટ / EE Cell પર 280 સૂચનો (10.74%), હેલ્થ એન્ડ ક્લીનિંગ / SWM પર 110 સૂચનો (4.22%), ટ્રાફિક અને હાઉસિંગ પર દરેકે 98 સૂચનો (3.76%) મળ્યા છે. આ ઉપરાત સ્કૂલ, ક્રેમેટોરિયમ, ફાયર, બ્રિજ વગેરે પર પણ નાગરિકોએ સૂચનો આપ્યા છે.
બિન-ફરજિયાત સેવાઓ અંતગર્ત મળેલા સૂચનોની વિગતવાર વાત કરીએ તો, આમાં નાગરિકોના સૂચનો શહેરના સૌંદર્યીકરણ, આરોગ્ય અને જનસુવિધા તરફ કેન્દ્રિત રહ્યાં છે. ગાર્ડન / ચિલ્ડ્રન પાર્ક / ઓક્સિજન પાર્ક / વૃક્ષારોપણ પર 133 સૂચનો (5.10%), ICDS પ્રોજેક્ટ્સ પર 133 સૂચનો (5.10%), ટ્રાન્સપોર્ટેશન (AMTS-AJL) પર 80 સૂચનો (3.07%), જિમ અને પ્લે ગ્રાઉન્ડ પર 75 સૂચનો (2.88%), પાર્કિંગ / એસ્ટેટ / અન્ય શહેરી સુવિધા પર 64 સૂચનો (2.45%) આપ્યા છે. આ સાથે સ્માર્ટ સિટી, ઇ-ગવર્નન્સ, લાયબ્રેરી, સિનિયર સિટિઝન પાર્ક, કોમ્યુનિટી હોલ વગેરે માટે પણ પ્રતિભાવકારક સૂચનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનન પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત આવક/રેવન્યુ જનરેશન માટે કુલ 16 સૂચનો (0.61%) મળ્યાં છે, જ્યારે સેવાની ગુણવત્તા સુધારવા માટે 8 સૂચનો (0.31%) આપવામાં આવ્યા છે.
આ આંકડાઓ દર્શાવે છે કે, મોટાભાગના નાગરિકોએ ફરજિયાત સેવાઓ જેવી કે સફાઈ વ્યવસ્થા, રસ્તા, પાણી, આરોગ્ય સુવિધાઓ વગેરે વિષયોમાં ખાસ ધ્યાન આપીને સૂચનો આપ્યા છે. ત્યારબાદ બિન-ફરજિયાત સેવાઓ અને શહેરી સૌંદર્યીકરણ સંબંધિત સૂચનોનો સમાવેશ થાય છે.
નાગરિકો પાસેથી મળેલા આ સૂચનો શહેરના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી સાબિત થશે. દરેક સૂચનનું વિષયવાર વિશ્લેષણ કરીને 2026-27ના બજેટમાં જરૂરી ફેરફાર અને સુધારણા કરવા માટે કાર્યવાહી હાથ ધરાશે. નાગરિકોની સક્રિય ભાગીદારીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ વખાણી છે અને આગલા સમયમાં પણ નાગરિક સહભાગિતાથી શહેરને વધુ સુવ્યવસ્થિત, સ્વચ્છ અને સ્માર્ટ બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
