અમદાવાદની નવી AMTS બસ હવે 'સ્માર્ટ' જ નહીં 'સુરક્ષિત' પણ હશે, આગ લાગતા જ એક્ટિવ થશે ઓટો-ફાયર સિસ્ટમ

AMTS કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે, બસના સોફ્ટવેરની સુરક્ષા માટે દર વર્ષે તેનું ડિજિટલ અને સાયબર ઓડિટ પણ કરવામાં આવશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 31 Dec 2025 10:10 AM (IST)Updated: Wed 31 Dec 2025 10:10 AM (IST)
ahmedabads-new-amts-bus-will-now-be-not-only-smart-but-also-safe-auto-fire-system-will-be-activated-as-soon-as-a-fire-occurs-665145

Ahmedabad AMTS-BRTS Bus: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ 225 એસી ઇલેક્ટ્રિક બસો લોન્ચ કરવામાં આવી છે. નવા લુક અને હાઈટેક ફીચર્સ સાથેની આ બસો જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં રોડ પર દોડતી જોવા મળશે.

આગ અને શોર્ટ સર્કિટ સામે ઓટોમેટિક સુરક્ષા

ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓને રોકવા માટે આ બસોમાં ખાસ ઓટો ફાયર સિસ્ટમ લગાવવામાં આવી છે. જો બસની બેટરી સેક્શનમાં તાપમાન વધે અથવા શોર્ટ સર્કિટ થાય, તો બેટરી પાસે રહેલી ફાયર સિસ્ટમ તરત જ એક્ટિવ થઈ જશે અને આગ પર આપોઆપ કાબૂ મેળવી લેશે.

હેકિંગ રોકવા સાયબર સુરક્ષા અને ડિજિટલ ઓડિટ

આ બસો ડિજિટલ હોવાથી સાયબર હેકર્સ તેને હેક ન કરી શકે તે માટે વિશેષ એન્ટિવાયરસ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. AMTS કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે, બસના સોફ્ટવેરની સુરક્ષા માટે દર વર્ષે તેનું ડિજિટલ અને સાયબર ઓડિટ પણ કરવામાં આવશે.

અકસ્માત નિવારવા 'ખાસ સાઉન્ડ' ફીચર

ઇલેક્ટ્રિક બસમાં એન્જિનનો અવાજ આવતો નથી, જે ક્યારેક અકસ્માતનું કારણ બની શકે છે. આ સમસ્યાના ઉકેલ રૂપે, જ્યારે બસની સ્પીડ ૨૦ કિમી પ્રતિ કલાકથી ઓછી હશે, ત્યારે તેમાંથી એક ખાસ અવાજ આવશે. આ અવાજથી રાહદારીઓ કે અન્ય વાહનચાલકોને પાછળથી બસ આવતી હોવાની જાણ થશે.

મુસાફરોની સલામતી માટે અદ્યતન સુવિધાઓ

  • ડોર સેફ્ટી: બસના તમામ દરવાજા બરાબર બંધ ન થાય ત્યાં સુધી બસ આગળ વધી શકશે નહીં.
  • CCTV અને મોનિટરિંગ: બસમાં 3 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનું મોનિટરિંગ ડ્રાઈવર સીટ પાસેથી થઈ શકશે.
  • SOS અને STOP બટન: ઇમરજન્સી માટે SOS બટન અને બસ ઉભી રાખવા માટે STOP બટન આપવામાં આવ્યા છે.
  • ઇમરજન્સી એક્ઝિટ: કટોકટીના સમયે બહાર નીકળવા માટે ઇમરજન્સી ગેટ અને કાચ તોડવા માટે હથોડીની વ્યવસ્થા છે.

કોઈ વધારાના ખર્ચ વગર સંચાલન

આ બસો 'એરો ઇગલ' કંપની સાથે પ્રતિકિલોમીટરના કરાર મુજબ લેવામાં આવી છે. AMTS દ્વારા બસ ખરીદવા માટે કોઈ સીધો ખર્ચ કરવામાં આવ્યો નથી; કંપનીને માત્ર પ્રતિ કિલોમીટર લેખે જ ચુકવણી કરવામાં આવશે. આ બસોમાં રિયલ ટાઈમ ટ્રેકિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.