અવનવી રોશનીથી ઝળહળ્યું કાંકરિયા, 12 થીમ પર લાઇટ એન્ડ મ્યુઝિક શોનું લોકાર્પણ

અમદાવાદના કાંકરિયા લેક પરિસરમાં 4.5 કિમી સુધી કાયમી આર્કિટેક્ચરલ લાઇટિંગ, પ્રોજેક્શન મેપિંગ અને મ્યુઝિકલ સાઉન્ડ સિસ્ટમનું ઉદ્ઘાટન કરાયું. જાણો તેની તમામ ખાસિયતો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sat, 15 Aug 2026 06:00 AM (IST)Updated: Sat, 15 Aug 2026 06:00 AM (IST)
ahmedabads-kankaria-lake-shines-with-new-architectural-lighting

Kankaria Lake Architectural Lighting: અમદાવાદીઓના મનપસંદ પ્રવાસન સ્થળ એવા કાંકરિયા લેક પરિસરને હવે વધુ આકર્ષક અને રમણીય રૂપ આપવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાંકરિયા લેકમાં કાયમી આર્કિટેક્ચરલ લાઇટિંગ સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગેટ નંબર-1, પુષ્પકુંજ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટના હસ્તે આ નવીન સિસ્ટમ ખુલ્લી મૂકવામાં આવી હતી.

આ પ્રસંગે સંસદસભ્ય દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ સહિત AMCના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જૂની સિસ્ટમનું સ્થાન લેશે સ્માર્ટ અને આધુનિક લાઈટિંગ

કાંકરિયા લેક ખાતે વર્ષો પહેલાં લગાવવામાં આવેલી લાઇટિંગ સિસ્ટમ જૂની થઈ ગઈ હોવાથી રાત્રિના સમયે પૂરતો પ્રકાશ મળતો ન હતો. આ સ્થળની પ્રતિષ્ઠા અને દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને સમગ્ર 4.5 કિલોમીટરના પરિઘમાં નવીન આર્કિટેક્ચરલ લાઇટિંગ તેમજ સાઉન્ડ સિસ્ટમ સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો હતો.

સંગીતના તાલ સાથે બદલાશે રોશની

પ્રોજેક્શન મેપિંગ અને મલ્ટીમીડિયા: કાંકરિયા પરિસરમાં આવેલા ઐતિહાસિક સ્મારકો અને પ્રવેશદ્વારો પર પ્રોજેક્શન મેપિંગ ટેક્નોલોજી દ્વારા અદ્ભુત વિઝ્યુઅલ ઇફેક્ટ્સ રજૂ કરવામાં આવશે.

સાઉન્ડ સિંક્રોનાઇઝ્ડ થીમેટિક લાઇટિંગ: લાઇટોની ગતિ અને રંગોને સંગીત સાથે સંકલિત કરવામાં આવ્યા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકની ધૂન સાથે લાઈટોની પેટર્ન બદલાશે.

વર્ષ દરમિયાન 12 જુદી જુદી થીમ્સ: તહેવારો (દિવાળી, નવરાત્રિ, ઉત્તરાયણ વગેરે) અને વિશેષ ઇવેન્ટ્સ મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા 12 વિશિષ્ટ થીમ્સ તૈયાર કરવામાં આવશે. જેથી દરેક તહેવારે કાંકરિયાનો લુક નવો જ જોવા મળશે.

ટેક્નોલોજી અને ડિઝાઇનની 5 મોટી ખાસિયતો

ડ્યુઅલ ઓપ્ટિક્સ ટેક્નોલોજી: ખાસ ડિઝાઇન કરાયેલા પોસ્ટ-ટોપ લેન્ટર્ન એકસાથે બે પ્રકારનો પ્રકાશ ફેંકશે—વોકવે પર ચાલનારા માટે સ્પષ્ટ રોડ લાઇટ અને આસપાસના વાતાવરણમાં એક સોફ્ટ-ગ્લો (હળવી રોશની).

IP66 વોટરપ્રૂફ રેટિંગ: તળાવ કિનારે રહેતા ભેજ, પવન અને ભારે વરસાદ સામે ટકી શકે તેવા મજબૂત વોટરપ્રૂફ ફિક્સ્ચર્સનો ઉપયોગ કરાયો છે.

લેકફ્રન્ટ કલર થીમ: ફિક્સ્ચરની બહારની ડબલ-સ્કિન બનાવટ કાંકરિયાની હરિયાળી અને લેકફ્રન્ટના કુદરતી માહોલ સાથે મેળ ખાતા રંગોમાં તૈયાર કરવામાં આવી છે.

ઈન્ડોર કમ્ફર્ટ, આઉટડોર ટેક્નોલોજી: હોમ ફ્લોર લેમ્પ્સ જેવી સોફ્ટ ડિઝાઇનને આઉટડોર હાઇ-ટેક લાઇટિંગ સાથે જોડીને આંખોને ન વાગે તેવો શાંતિદાયક પ્રકાશ તૈયાર કરાયો છે.

ઝડપી અને સરળ જાળવણી: પોલ પરથી આખું ફિક્સ્ચર નીચે ઉતાર્યા વગર સ્થળ પર જ તેની સફાઈ અને સર્વિસિંગ થઈ શકશે, જેનાથી રિપેરિંગનો સમય અને ખર્ચ બંને બચશે.

પાંચ વર્ષના ઓપરેશન અને મેઇન્ટેનન્સની જવાબદારી

આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત આગામી 5 વર્ષ સુધી ઓપરેશન અને મેઇન્ટેનન્સની કામગીરી પણ એજન્સી દ્વારા જ કરવામાં આવશે. આ આધુનિક સિસ્ટમથી કાંકરિયા ખાતે યોજાતા નાઇટ ઇવેન્ટ્સ અને પ્રવાસીઓનો રાત્રિ દરમિયાનનો અનુભવ ખૂબ જ યાદગાર બની રહેશે.