Ahmedabad News: અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનના રહીશો માટે અગત્યના સમાચાર છે. કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઇન્સ પર અતિ મહત્વપૂર્ણ સમારકામ અને જોડાણ કાર્ય હાથ ધરવામાં આવનાર હોવાથી તારીખ 5 ડિસેમ્બર, 2025ના રોજ પશ્ચિમ ઝોનના મોટાભાગના વિસ્તારોમાં સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. જ્યારે તારીખ 6 ડિસેમ્બર, 2025ના રોજ સવાર અને સાંજનો પાણી પુરવઠો પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ અંગે જાણ કરાઇ છે.
બે સ્થળોએ કામગીરી હાથ ધરવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરને પાણી પૂરું પાડતી મુખ્ય પાઇપલાઇન એવા કોતરપુર વોટર વર્ક્સથી પશ્ચિમ ઝોન સુધી પાણી પહોંચાડતી 1600 મી.મી. વ્યાસની વેસ્ટર્ન ટ્રંક મેઇન્સમાં બે સ્થળોએ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
ચીમનભાઇ પટેલ ઓવરબ્રિજના આર.ટી.ઓ. સર્કલ તરફના એપ્રોચની બાજુમાં આવેલા જેલ વિભાગના પરિસરમાં વેસ્ટર્ન ટ્રંક મેઇન્સમાં લીકેજ થયું છે. આ લીકેજના તાત્કાલિક સમારકામની આવશ્યકતા હોવાથી આ કામગીરી હાથ ધરવામાં આવશે. મોટેરા ચાર રસ્તા પાસે આવેલા આકાશ દર્શન વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની ફીડર લાઇનનું 1300 મી.મી. વ્યાસની હયાત લાઇન સાથે જોડાણ કરવાની કામગીરી પણ કરવાની છે. આ જોડાણ કાર્યમાં ઇનસાઇડ પ્લેટ કટિંગનો પણ સમાવેશ થાય છે, જે માટે મુખ્ય પાઇપલાઇનમાં શટડાઉન લેવું અનિવાર્ય છે.
પાણી પુરવઠા પર અસર
ઉપરોક્ત બંને કાર્યો એકસાથે તારીખ ૦૫/૧૨/૨૦૨૫ ના રોજ વેસ્ટર્ન ટ્રંક મેઇન્સમાં શટડાઉન લઈને હાથ ધરવામાં આવશે. જેના કારણે 5 ડિસેમ્બર 2025ના રોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડ તથા નવા વાડજ વોર્ડના નિર્ણયનગર અને બલોલનગર વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન (WDS) સિવાયના કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઇન્સ આધારિત તમામ WDS ખાતેથી સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. જ્યારે 6 ડિસેમ્બર 2025ના રોજ પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ સવાર અને સાંજના સમયે પાણી આપવામાં આવશે.
