Ahmedabad-Vadodara Expressway Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા કણભા નજીક રાસકા ગામ પાસે આજે એક ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ મુસાફરોનાં કરુણ મોત નીપજ્યાં છે અને 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની આ ઘટના એટલી ગંભીર હતી કે મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
આ ઘટનાની વિગતો આપતા અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, સૌપ્રથમ પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને એક કિયા કાર વચ્ચે નાનો અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ બંને વાહનોના ચાલકો – બસ ડ્રાઇવર અને કિયા કારનો ચાલક – રસ્તાની બાજુમાં ઊભા રહીને સમાધાનની વાતચીત કરી રહ્યા હતા.
ટ્રકે ઊભેલી લક્ઝરી બસને જોરદાર ટક્કર મારી
આ દરમિયાન, પાછળથી પૂરઝડપે ધસી આવેલી એક ટ્રકે ઊભેલી લક્ઝરી બસને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બસમાં બેઠેલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. એસપીના જણાવ્યા અનુસાર, ટ્રકની ટક્કરથી બસની પાછળની સીટ પર બેઠેલા ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
15થી વધુ લોકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા
અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 15થી વધુ લોકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને મણિનગરની એલ.જી. હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એલ.જી. હોસ્પિટલમાં એક વ્યક્તિને મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ત્રણ દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ 8 લોકો સારવાર માટે એલ.જી. હોસ્પિટલ પહોંચ્યા હતા. અન્ય ઇજાગ્રસ્તો પ્રાથમિક સારવાર લીધા બાદ ખાનગી વાહનોમાં વડોદરા તરફ રવાના થયા હતા.
અકસ્માતનો મેસેજ મળતા જ કણભા અને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સને જાણ કરાતાં 8 એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી હતી. જોકે, અકસ્માતના કારણે એક્સપ્રેસ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે એમ્બ્યુલન્સને સમયસર ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી હતી. પોલીસે હાલ ટ્રાફિક ક્લિયર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
