Vishwa Umiya Dham Ahmedabad: આગામી 28 ડિસેમ્બર, 2025ના રોજ અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે સમસ્ત પાટીદાર સમાજનું એક ભવ્ય યુવા બિઝનેસ મહાસંમેલન યોજાશે. આ મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ હાજરી આપશે. બપોરે 3 વાગ્યે શરૂ થનારા આ કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી 20,000 થી વધુ યુવા પાટીદાર ઉદ્યોગપતિઓ ભાગ લે તેવી અપેક્ષા છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સંમેલનમાં અમેરિકા સહિત સાત વિવિધ દેશોમાંથી પાટીદાર યુવા બિઝનેસમેન જોડાશે, જે આ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય ફલક પર વિસ્તૃત કરશે. આ પ્રસંગે અન્ય પાટીદાર મંત્રીઓ, સમાજના અગ્રણી શ્રેષ્ઠીઓ અને સંસ્થાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ કરી રહ્યું છે, જ્યાં જગત જનની મા ઉમિયાના વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. સામાજિક વિકાસનો આધારસ્તંભ આધ્યાત્મિક ચેતના છે, અને આ જ ભાવના સાથે યુવા અને મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિઓ અંતર્ગત આ યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય પાટીદાર યુવાનોમાં આધ્યાત્મિક તેમજ સામાજિક ચેતના જગાડી તેમને વ્યવસાયિક ક્ષેત્રે વધુ સશક્ત બનાવવાનો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુવા સંગઠનની ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમ યુવા ઉદ્યોગસાહસિકોને એકબીજા સાથે જોડાવા, વિચારોનું આદાનપ્રદાન કરવા અને ભવિષ્યની તકો શોધવા માટે એક મંચ પૂરો પાડશે. ફાઉન્ડેશનના પ્રમુખે સૌને 28 ડિસેમ્બર, 2025ના રોજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આગ્રહ કર્યો હતો.
