Ahmedabad Three New Police Stations: દિવાળીના પર્વ અને રમા એકાદશીના શુભ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ શહેરની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવાના ભાગરૂપે ત્રણ નવનિર્મિત પોલીસ સ્ટેશન મોટેરા, વસ્ત્રાલ અને હંસપુરાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ત્રણ નવા પોલીસ સ્ટેશન કાર્યરત થતાની સાથે જ અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનોની કુલ સંખ્યા 49 થી વધીને 52 થઈ છે.
આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકો તથા પોલીસ પરિવારને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નવા પોલીસ સ્ટેશનો શરૂ થવાથી સ્થાનિક નાગરિકોએ રજૂઆત, ફરિયાદ કે અન્ય કામગીરી માટે દૂર સુધી જવું નહીં પડે, જેથી નાગરિકોના સમય અને શ્રમ બંનેની બચત થશે. હાલમાં મોટેરા, વસ્ત્રાલ અને હંસપુરામાં નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા વૈશ્વિક આયોજન સ્થળની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા અને મહત્વપૂર્ણ કાર્યક્રમો દરમિયાન કાયદો-વ્યવસ્થાની સુચારુ જાળવણી માટે મોટેરા પોલીસ સ્ટેશન ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. વધુમાં, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરોડો રૂપિયાના MD અને હેરોઈન ડ્રગ્સ સાથે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવા બદલ હર્ષ સંઘવીએ પોલીસ ટીમની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
દિવાળી પર્વના અનુસંધાને વિશેષ અપીલ કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પાથરણાવાળા, લારી-ગલ્લા ધારકો કે નાના વેપારીઓ મોડી રાત સુધી શાંતિ અને ઉત્સાહ સાથે વેપાર કરી શકે તે માટે પોલીસે સતત સહયોગી અને મિત્રભાવ રાખવો. નાગરિકોને પણ વિનંતી છે કે નાના વેપારીઓ પાસેથી ખરીદી કરતી વખતે વધુ પડતો ભાવતાલ કરવાને બદલે તેમની રોજીરોટીમાં ટેકો આપી તેમની દિવાળી પણ રોશન કરવામાં સહભાગી બને.
પોલીસ જવાનોના મનોબળને પ્રોત્સાહિત કરતા હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, "અસામાજિક તત્ત્વો અને ગુનેગારોમાં કાયદાનો કડક ખોફ હોવો જોઈએ, પરંતુ જ્યારે સામાન્ય કે ગરીબ અરજદાર આવે ત્યારે તેને આદરપૂર્વક આવકારી, સાંભળીને ત્વરિત ન્યાય આપવાનો અભિગમ દાખવવો જોઈએ." પોલીસકર્મીઓની જણાવ્યું કે, 18-18 કલાક સુધી લોકસુરક્ષા માટે સમર્પિત રહ્યા બાદ ઘરે પહોંચતી વખતે ફરજનો ભાર કાર્યસ્થળે જ મૂકીને પરિવાર સાથે પ્રેમાળ પુત્ર, પતિ કે પિતા બનીને દિવાળી ઉમંગભેર ઉજવવી જોઈએ.
આ લોકાર્પણ સમારોહમાં રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિક, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, પાયલબેન કુકરાણી, કંચનબેન રાદડિયા, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ સહિતના લોકપ્રતિનિધિઓ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
