થેલેસેમિયા મેજરને માત આપી મહિલાએ મેળવ્યું માતૃત્વનું સુખ, જાણો પ્રેરણાદાયી કિસ્સો

અમદાવાદમાં થેલેસેમિયા મેજરથી પીડિત અફીના નામની મહિલાએ ગર્ભાવસ્થામાં 32 વાર લોહી ચડાવ્યા બાદ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. ગુજરાતમાં આવો બીજો કિસ્સો સામે આવ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 04 Nov 2026 08:56 AM (IST)Updated: Wed, 04 Nov 2026 08:56 AM (IST)
ahmedabad-thalassemia-major-woman-gives-birth-healthy-baby-pregnancy-32-blood-transfusions
AI IMAGE

Ahmedabad News: સ્ત્રીના જીવનનો સૌથી મહત્વનો તબક્કો માતૃત્વનો હોય છે. આ તબક્કામાં સ્ત્રી એક નવા જીવનને ધરતી પર જન્મ આપે છે. પરંતુ ઘણીવાર શારીરિક મુશ્કેલીઓને લીધે ઘણી મહિલાઓ માતૃસુખથી વંચિત રહેતી હોય છે. જોકે, આ કિસ્સામાં એક માતાએ થેલેસેમિયા જેવા રોગને માત આપીને માતૃત્વનું સુખ મેળવ્યું છે. થેલેસેમિયા મેજરથી પીડાતી મહિલાઓને માતાનું સુખ મેળવવું ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક બને છે. પરંતુ અમદાવાદ શહેરમાં એક મહિલાએ રક્તના ઘાતક રોગ સામે જીત મેળવીને સંતાન પ્રાપ્તિ કરી છે.

થેલેસેમિયાગ્રસ્ત મહિલાએ બાળકને જન્મ આપ્યો

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરની એક મહિલા થેલેસેમિયા મેજરથી પીડિત હતી. ગર્ભાવસ્થાના નવ માસ મહિલા માટે ખૂબ જ કષ્ટદાયક રહ્યા હતા. ગર્ભાવસ્થાના આ ગાળામાં મહિલાને 32 વાર લોહી ચડાવવામાં આવ્યું હતું. રોગને લીધે મહિલાના શરીરમાં આયર્નનું પ્રમાણ વધતું હતું. તેમજ હ્રદય પર દબાણ અને ડિલિવરીના જોખમ વચ્ચે મહિલાને વિશેષ સારવાર અને સતત તપાસ કરવામાં આવી હતી. મહિલાની સઘન સારવારને પગલે મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે.

બાળક જન્મનો ગુજરાતમાં બીજો કિસ્સો

આ અંગે જાગૃતિ ફાઉન્ડેશનના ડો. અનિલ ખત્રી પાસેથી જાણવા મળતી વિગત અનુસાર, મહિલા બાળપણથી જ થેલેસેમિયા મેજરથી પીડિત હતી. જેથી તેને બાલ્યાવસ્થાથી જ લોહી ચડાવવું પડતું. આ રોગથી પીડાતા દર્દીઓને 15થઈ 20 દિવસે લોહી ચડાવવું પડતું. જોકે, અફીના નામની આ મહિલાને ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના આયર્ન ઘટાડવાની દવા બંધ રાખીને ચોથા મહિનાથી પંપના માધ્યમ ડેસફેરાલ ઈન્જેક્શન અપાયું હતું. ગુજરાતમાં થેલેસેમિયાગ્રસ્ત મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હોવાનો બીજો કિસ્સો છે.

ઓપરેશન બાદ સફળ ડિલિવરી

થેલેસેમિયાથી પીડાતી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન લાંબા સમયથી લોહીની ઉણપ રહેવાને લીધે હાર્ટ પર દબાણ, લોહી ગંઠાઈ જવું અને પ્રીમેચ્યોર ડિલિવીનું ઘણું જોખમ રહે છે. આથી જોખમ ટાળવા માટે મહિલાને દર 15 દિવસે અને છેલ્લા તબક્કામાં દર અઠવાડિયે તપાસ કરવામાં આવી. જોકે, પ્રેગ્નેન્સી અંતિમ તબક્કે હતી. ત્યારે લોહીનું દબાણ વધી જવાથી અને ગર્ભાશયમાં શિશુની આસપાસના પાણીનું પ્રમાણ ઘટવાની સમસ્યા થઈ હતી. આ જોખમને ટાળવા ઓપરેશન કરીને ડિલિવરી કરવામાં આવી હતી.