Ahmedabad Standing Committee: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે તારીખ 8 ઓક્ટોબરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓ, જાહેર આરોગ્ય, ટ્રાફિક વ્યવસ્થાપન અને વહીવટી કામગીરીને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
પાણીની ટાંકીઓની નિયમિત સફાઈ
ચેરમેન કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં કુલ 243 પાણીની ટાંકીઓ આવેલી છે. તમામ ટાંકીઓની વર્ષમાં બે વખત નિયમિત સફાઈ કરવામાં આવે છે. દરેક ટાંકી માટે અલગ-અલગ સમયગાળા મુજબ સફાઈનું શિડ્યૂલ નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં શિડ્યૂલ મુજબ 96 પાણીની ટાંકીઓની સફાઈ પૂર્ણ થઈ ચૂકી છે. તમામ ટાંકીઓની વર્ષમાં બે વખત નિયમિત સફાઈ થાય તે અંગેની સૂચના આજે ફરી આપવામાં આવી છે અને કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવશે.
વૃક્ષ ટ્રિમિંગ અને ગ્રીન વેસ્ટ માટે નવી સુવિધા
ગયા મહિને નાગરિકોની સુખાકારી માટે ટ્રીમિંગ અને ગ્રીન વેસ્ટ કલેક્શનની પોલિસી સૌપ્રથમ વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી. આ પોલિસી અંતર્ગત નાગરિકો ઓનલાઈન અરજી કરી સવલત મેળવી શકે છે. નિયત થયેલ ચાર્જ ભરવા માટે હવે સિવિક સેન્ટર સુધી જવું નહીં પડે. સ્થળ પર જ ચાર્જ ભરી રસીદ મેળવી શકાશે. આ માટે પોલિસીમાં ઓનલાઈન કલેક્શન મોડ્યૂલનો પ્રાવધાન કરવામાં આવેલ છે. આજે ચેરમેનશ્રીએ નાગરિકોને અગવડ ન પડે તે માટે ઓનલાઈન ચાર્જ કલેક્શન મોડ્યૂલ તાકીદની અસરથી ચાલુ કરવા સ્પષ્ટ સૂચના આપી છે.
UGVCLને આપેલી જમીન પરત લેવાનો નિર્ણય
વર્ષ 2023માં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ દ્વારા મોટેરા અને ઓગણજ ખાતે UGVCLને સબ-ડિવિઝન ઓફિસ બનાવવા માટે બે પ્લોટ 99 વર્ષના ભાડાપટ્ટે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે UGVCL દ્વારા આજદિન સુધી આ જમીનની નિયત કિંમત ભરવામાં આવી નથી. AMC દ્વારા અગાઉ ઘણીવાર નોટિસો આપવામાં આવી હતી, છતાં નિયત ચાર્જ ભરાયો નથી અને કોઈ કામગીરી પણ થઈ નથી. તેથી આજે કમિટીમાં બંને પ્લોટ AMCને પરત લેવા માટેની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
એસ્ટેટ વિભાગને સૂચના આપવામાં આવી છે કે આવા કેટલા પ્લોટ છે જે કોઈને ફાળવી દીધેલા હોય પણ તેમાં નાણાં જમા ન થયા હોય કે સમય મર્યાદા વીતી ગઈ હોય, તેની વિગતો આવતી કમિટીમાં રજૂ કરે. આ પ્રકારની રદ કરવાની કામગીરી નીતિ-નિયમ મુજબ સમય મર્યાદામાં પૂર્ણ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
