Ahmedabad Seasonal Flu Cases:અમદાવાદ શહેરમાં સીઝનલ ફ્લુના કેસોમાં ચિંતાજનક રીતે બમણો વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરી મહિનાથી 5 નવેમ્બર સુધીના 11 માસના સમયગાળામાં જ સીઝનલ ફ્લૂના 1,800થી વધુ પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, આ સમય દરમિયાન બે દર્દીઓના મોત પણ થયા છે. જોકે, કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
જાન્યુઆરીથી માર્ચમાં બીજી લહેર આવી શકે
તબીબોની આશંકા પ્રમાણે, આવનારા જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન શહેરમાં સીઝનલ ફ્લૂની બીજી લહેર જોવા મળી શકે છે. જેમં જાન્યુઆરીથી જુલાઈમાં શરુઆતના સાતેક મહિનામાં શહેરમાં માત્ર 55 કેસો નોંધાયા હતા. જ્યારે ઓગસટ માસમાં કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો હતો. જે વધીને 742 કેસો થઈ ગયા. જોકે, સ્થિતિ સૌથી વધારે ગંભીર સપ્ટેમ્બર મહિનામાં બની. જ્યાં 1 હજારથી વધારે કેસો નોંધાયા હતા. ઓક્ટોબર માસમાં 86 કેસો અને 5 નવેમ્બર સુધીમાં વધુ 5 કેસો નોંધાયા હતા.
કયા વોર્ડમાં સંક્રમણ ફેલાયું?
શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં ફ્લૂનું સંક્રમણ સૌથી વધુ જોવા મળ્યું છે. સૌથી વધારે કેસોની વાત કરીએ તો, બોડકદેવમાં 214 કેસ, જોધપુરમાં 197 કેસ, પાલડીમાં 160 કેસ, નવરંગપુરામાં 136 કેસ, ગોતામાં 134 કેસ નોંધાયા છે.
સીઝનલ ફ્લૂના લક્ષણો અને સાવચેતી
સીઝનલ ફ્લૂ એ શ્વસનતંત્ર સાથે જોડાયેલો એક ચેપી રોગ છે. જેમાં તીવ્ર તાવ, સામાન્ય શરદી, સતત ઉધરસ અને ગળામાં બળતરા થવી જેવા લક્ષણો જોવા મળે છે. આ અંગે ખાસ તકેદારી રાખવાની જરુર છે. તે માટે વાતાવરણમાં ફેરફાર સમયે ઈન્ફેક્શનથી બચવા માસ્કનો ઉપયોગ કરવો, ભીડભાડ વાળી જગ્યાઓ પર સાવચેતી રાખવી અને લક્ષણો દેખાતા જ તુરંત તબીબી સલાહ લેવી જરૂરી છે।
