અમદાવાદ: રાજનગરનો પરિવાર સંયમ માર્ગે, 3 પેઢીના 6 સભ્યો એકસાથે દીક્ષા લેશે; ₹10 કરોડની સંપત્તિનું કરશે દાન

શાંતિનગર જૈન સંઘમાં આ પરિવારના દાદા-દાદી, દીકરો-વહુ અને બે બાળકો એકસાથે સંસાર ત્યાગશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 06 Oct 2026 08:00 AM (IST)Updated: Tue, 06 Oct 2026 08:00 AM (IST)
ahmedabad-raj-nagar-three-generations-six-family-members-jain-diksha-10-crore-donation
3 પેઢીના 6 સભ્યો એકસાથે દીક્ષા લેશે

Jain Family Diksha: અમદાવાદના રાજનગરમાં જૈન સમાજ માટે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારની ત્રણ પેઢીના 6 સભ્યોએ રૂ. 10 કરોડની પોતાની તમામ સંપત્તિનું દાન કરીને સંયમ માર્ગે દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો છે. શાંતિનગર જૈન સંઘમાં આ પરિવારના દાદા-દાદી, દીકરો-વહુ અને બે બાળકો એકસાથે સંસાર ત્યાગીને સાધુ જીવન અપનાવશે.

65 વર્ષીય દાદા-દાદી સાથે 8 વર્ષની બાળકી લેશે દીક્ષા

રાજનગરના ઈતિહાસમાં આ પહેલીવાર બની રહ્યું છે જ્યાં એક જ પરિવારની ત્રણ પેઢીઓ એકસાથે દીક્ષા ગ્રહણ કરશે. આ પરિવારના દીક્ષા લેનારા 6 સભ્યોમાં 65 વર્ષના પતિ-પત્ની (દાદા-દાદી), 35 વર્ષના પુત્ર અને 32 વર્ષના પુત્રવધુ તથા 11 વર્ષનો પુત્ર અને 8 વર્ષની દીકરી (પૌત્ર અને પૌત્રી) નો સમાવેશ થાય છે. આ પરિવારે પોતાની આશરે રૂ. 10 કરોડની તમામ સંપત્તિ પરિવારના અન્ય સભ્યોને દાન કરી દીધી અને સંસારથી મુક્ત થવાનો સંકલ્પ કર્યો છે.

2 વર્ષથી આચાર્ય ભગવંતના સાનિધ્યમાં સાધના

દીક્ષિત શાહના જણાવ્યા અનુસાર, આ પરિવારનો આ નિર્ણય અચાનક લેવાયેલો નથી, પરંતુ લાંબા સમયથી ચાલતી ગહન સાધના અને પૂર્વ તૈયારીઓનું પરિણામ છે. આ પરિવાર છેલ્લા બે વર્ષથી મુમુક્ષુ જીવન જીવી રહ્યો છે. અગ્રણી નિષમ શાહના જણાવ્યા મુજબ, છેલ્લા 2 વર્ષથી આખો પરિવાર આચાર્ય સોમસુંદર સૂરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં રહીને મુમુક્ષુ જીવન વિતાવી રહ્યો છે.

8 વર્ષની બાળકીની કઠોર સાધના, કર્યું રાત્રિભોજન ત્યાગ

આ દીક્ષા પ્રસંગે સૌથી વધુ આશ્ચર્ય અને પ્રેરણા આપતી વાત 8 વર્ષની નાની દીકરીની સાધના છે. પરિવારમાં સૌથી નાની વયની મુમુક્ષુ આ 8 વર્ષની બાળકી છે. સામાન્ય રીતે જે ઉંમરે બાળકી પોતાની ખાવા-પીવાની પસંદગી પણ નક્કી કરી શકતી નથી, તે ઉંમરથી જ તેનામાં સાધુ જીવનના સંસ્કારો અને તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.

આ બાળકી માત્ર 1 વર્ષની ઉંમરથી જ રાત્રિભોજન કરતી નથી. તે માત્ર ઉકાળેલા પાણીનું જ સેવન કરે છે. તેનો 11 વર્ષનો ભાઈ પણ તેની સાથે જ દીક્ષાની તૈયારી કરી રહ્યો છે.

'સંસારમાં રહીશું તો પાપ થશે, મોહમાયા છે': દ્રઢ સંકલ્પ

પરિવારના 35 વર્ષના પુત્ર માટે દીક્ષા એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ જીવનની દિશા બદલવાનો નિર્ણય છે. દુન્યવી જીવન અંગે પોતાના વિચારો રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે, "સંસારમાં રહીશું તો પાપ કરતા જઈશું, સન્યાસી બનીશું તો પાપ નહીં થાય. દુન્યવી જીવનમાં વ્યક્તિ સતત મોહમાયા અને કર્મબંધનમાં ફસાતો જાય છે. આખરે આ બધું મોહમાયા જ છે અને મોહમાયા છોડ્યા વિના પાપથી બચી શકાય નહીં."