Ahmedabad News: અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર પર બજારોમાં મોટા પાયે રોકડા નાણા અને સોના-ચાંદીના દાગીનાની મોટા પાયે લેવડ-દેવડ થતી હોય છે. આ સમયગાળામાં ચોર અને લૂંટારુ ગેંગ ખૂબ જ સક્રિય થઈ જતી હોવાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખા અમદાવાદ સિટી પોલીસે એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી જ્વેલર્સ અને આંગડિયા પેઢીના આગેવાનો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી.
મૂલ્યવાન વસ્તુઓની હેરફેર માટે પોલીસ પ્રોટેક્શન
તહેવારોમાં ખાસ કરીને બેન્કો, જ્વેલર્સ કે આંગડિયા પેઢીઓ દ્વારા મોટી રકમની રોકડ અથવા મૂલ્યવાન દાગીનાની હેરાફેરી કરવામાં આવે, ત્યારે સુરક્ષા ક્ષતિ ન સર્જાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા વિનામૂલ્યે પોલીસ પ્રોટેક્શન પૂરૂ પાડવામાં આવશે, વેપારીઓ અને બેંક સત્તાધીશોને તમામ સીસીટીવી કેમેરા અને ઇમરજન્સી એલાર્મ સિસ્ટમ 24x7 કાર્યરત રાખવા માટે આકરા નિર્દેશો આપવામાં આવ્યા છે.
તહેવારો દરમિયાન સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ
પોલીસ વિભાગ દ્વારા તહેવારો દરમિયાન ખાસ તકેદારી રાખશે. બેન્ક, જ્વેલર્સ અને આંગડિયા પેઢીઓની બહાર 1 પોલીસ કર્મચારી 4થી 5 સ્થળોને આવરી લઈને સતત પેટ્રોલિંગ કરશે અને અસામાજિક પ્રવૃત્તિઓ પર વોચ રાખશે. બજારોમાં હોક સ્ક્વોડ, પોલીસ જીપ અને ક્રાઇમ બ્રાન્ચની વિશેષ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે તેમજ શહેરના પ્રવેશદ્વારો પર ફિક્સ પોઇન્ટ નાકાબંધી શરૂ કરી દેવાઈ છે. ભીડભાડ વાળા મુખ્ય વેપારી મથકોએ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફતે લોકોને સતર્ક કરવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે.
મુસાફરોને લૂંટતી રિક્ષા ગેંગ સામે કડક કાર્યવાહી
અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા પ્રમાણે, રેલ્વે અને બસ સ્ટેશન ખાતે આવતા મુસાફરોની સુરક્ષા માટે પોલીસે આકરા પગલાં લીધા છે. મણિનગર, કાલુપુર, સાબરમતી રેલ્વે સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેન્ડ બહારથી રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતાં રિક્ષાચાલકો અને તેમની ગેંગના સાગરીતોનું ઠેકાણું શોદી તેમની સામે કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. તેમજ જેલ બહાર રહેલા ગુનેગારોની અટકાયત કરી કાનૂની જામીન લેવડાવવાનો આદેશ કરાયો છે.
પોલીસની ખાસ સેફ્ટી એડવાઈઝરી
પોલીસે તહેવારો દરમિયાન સામાન્ય નાગરિકોને પણ સાવચેત રહેવા વિનંતી કરી છે કે, અસલી પોલીસ ક્યારેય રસ્તા વચ્ચે રોકીને દાગીના કે રોકડ ઉતારવાનું કહેતી નથી. જો કોઈ પોલીસ તરીકે ઓળખ આપે તો તુરંત જ તેમનું આઈકાર્ડ માગો, નજીકના પોલીસ સ્ટેશને જવાનું કહો અથવા 112 નંબર પર કોલ કરીને મદદ મેળવો. રોકડ કે દાગીના સાથે મુસાફરી કરતી વખતે સતર્ક રહો. જો આસપાસ કોઈ શંકાસ્પદ વાહન કે વ્યક્તિ જણાય તો તુરંત જ સુરક્ષિત સ્થળે પહોંચી પોલીસની મદદ લો.
