Sonam Wangchuk Protest in Ahmedabad: NEET પેપર લીક મુદ્દે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં સોનમ વાંગચુક અને કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આજે 20 જુલાઈએ સંસદ સુધી કૂચનું એલાન કરવામાં આવ્યું હતું. બીજી તરફ અમદાવાદ શહેરના લો ગાર્ડન પાસે આવેલી હેપ્પી સ્ટ્રીટ નજીક પણ આ મુદ્દાઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું.
બેનર સાથે રસ્તા પર ઉતરી આવ્યા પ્રદર્શનકારીઓ
અમદાવાદના લો ગાર્ડન પાસે આવેલી હેપ્પી સ્ટ્રીટ નજીક પ્રદર્શનકારીઓ હાથમાં બેનર લઈને રસ્તા પર ઉતરી આવ્યા અને 'ભાજપ હાય હાય' ના નારા લગાવીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. પ્રદર્શનકારીઓ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની સ્પષ્ટ માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓના જમાવડા અને નારેબાજીને કારણે વાતાવરણ તંગ બની ગયું હતું.
પ્રદર્શનકારીઓની દોડાવી-દોડાવીને અટકાયત કરી
આ વિરોધ પ્રદર્શનને કાબૂમાં લેવા માટે ACP અને DCP કક્ષાના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવ્યો હતો. રસ્તા પર વિરોધ કરી રહેલા લોકોને અટકાવવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું હતું. પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કર્યા હોવાની બાબત પણ સામે આવી છે.
સોનમ વાંગચૂકના સમર્થનમાં થયું વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં થયેલું આ વિરોધ પ્રદર્શન મુખ્યત્વે NEET પેપર લીક મુદ્દે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ અને સોનમ વાંગચૂકના સમર્થનમાં કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, NEET પેપર લીક મુદ્દે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દિલ્હીના જંતરમંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) અને સોનમ વાંગચુકની આગેવાનીમાં સેંકડો લોકો ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
