અમદાવાદ.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની બીજી ક્વાલિફાયર અને ફાઈનલ મેચ રમાવાની છે. જો કે ટિકિટની કાળાબજારી રોકવા માટે પોલીસ હરકતમાં આવી છે. આ માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં એક વ્યક્તિ પોતાની પાસે IPLની 3થી વધુ ટિકિટો નહીં રાખી શકે તેવો હુકમ કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવ્યા મુજબ, IPL ટૂર્નામેન્ટની ક્રિકેટ મેચો ટૂંકી, અત્યંત રસપ્રદ અને રોમાંચિત કરનાર હોવાથી તે ક્રિકેટ મેચોને સ્ટેડિયમની અંદર જોવા તેમજ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા પ્રજાનો ખૂબ જ ધસારો રહેતો હોય છે. આથી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા જરુરી યોગ્ય ટિકિટો માટે પ્રજાની તીવ્ર માંગ પ્રર્વતતી હોય છે. આ પ્રકારની પરિસ્થિતિનો લાભ લેવા માટે કેટલાક અસામાજીક તત્વો દ્વારા ટિકિટોની કાળા બજારી કે વધુ ભાવ લેવાનો હેતુ પરીપુર્ણ ન થાય અને આમ પ્રજા છેતરાય ન તે માટે તેને કાયદાથી પ્રતિબંધિત કરવાની જરુરીયાત જણાય છે.
https://twitter.com/AhmedabadPolice/status/1662048468356177922
આથી આજે સાંજે 4 વાગ્યાથી 28મીં મે સુધી સમગ્ર અમદાવાદ શહેરમાં IPL ક્રિકેટ મેચની કોઈ પણ વ્યકિત પોતાની પાસે વધુમાં વધુ 3 (ત્રણ) ટિકિટથી વધુ ટિકિટ રાખી શકશે નહી. આ ઉપરાંત નિયત કિંમત સિવાય વધુ દરથી ખરીદ કે વેચાણ કરી શકશે નહી. આ હુકમનો અનાદર કરનાર વ્યકિત વિરુદ્ધ ગુજરાત પોલીસ એકટ 1951ની કલમ 131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ નિહાળવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ પહોંચી શકે છે. જેને પગલે સ્ટેડિયમની આસપાસ 20 જેટલા પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. આ માટે એડવાન્સમાં બુક કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટેડિયમની અંદર અને બહાર તકેદારીના ભાગરૂપે જંગી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જ્યારે મેચ દરમિયાન બપોરે 2 વાગ્યાથી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રોડ વાહનચાલકો માટે બંધ રહેશે.