Ahmedabad News: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવત અને સોશિયલ મીડિયા પર મુકવામાં આવતી પોસ્ટને લઇને ઉભા થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સોમવારે રાત્રીના શરૂ થયેલી બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના બની હતી, જે મંગળવારે સવારે ફરી વકરતા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પહોંચેલી પોલીસ ટીમોને જોઈને બધા ભાગ્યા હતા. અત્યાર સુધીમાં 40 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે.
સોમવારે વિવાદ વધુ વકર્યો હતો
મળતી માહિતી મુજબ, કલાણા ગામના બે જૂથના યુવાનો વચ્ચે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર મૂકાતી પોસ્ટ અને પોતાનું વર્ચસ્વ જમાવવાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. સોમવારે આ વિવાદ વધુ વકર્યો, જ્યારે એક જૂથના યુવકને અન્ય જૂથના યુવકોએ 'સામે કેમ જુવે છે' તેમ કહીને ટોક્યો હતો. આ સામાન્ય લાગતી વાત પરથી માથાકૂટ શરૂ થઈ અને જોતજોતામાં બંને જૂથના લોકો એકઠા થઈ ગયા. વાત મારામારી સુધી પહોંચતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંને જૂથના લોકો વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધી હતી.
મંગળવારની સવારે ફરી ગામમાં અશાંતિનો માહોલ ઉભો થયો
પોલીસ કાફલો પહોંચતા ગામમાં શાંતિ જળવાઇ હતી. જોકે મંગળવારની સવારે ફરી ગામમાં અશાંતિનો માહોલ ઉભો થયો હતો અને બન્ને જૂથો સામ-સામે આવી ગયા હતા. બન્ને જૂથો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં ફરી પોલીસ કાફલો કલાણા ગામે પહોંચ્યો હતો. પોલીસ આવતા જ બધા ભાગવા લાગ્યા હતા.
ગ્રામ્ય એસપી, ડીવાયએસપી સહિતની ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસે ગામમાં લાગેલા કેમેરાના DVR પણ કબજે કર્યા છે જેથી ઘટનાના મૂળ સુધી પહોંચી શકાય. અત્યાર સુધીમાં 40 લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.
સોશિયલ મીડિયામાં વર્ચસ્વની લડાઈને લઈ મનદુખ થયું હતું
અમદાવાદ ગ્રામ્ય એસપીએ આ ઘટના અંગે જણાવ્યું કે, સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના કલાણા ગામમાં બે જૂથના યુવકો વચ્ચે સામે જોવાની બાબતને લઈ ઝઘડો થયો હતો. બંને જૂથના લોકોએ સામસામે પથ્થરમારો કરતા સામસામી ફરિયાદ નોંધાઈ છે. ગામમાં કોમ્બિંગ ચાલુ છે અને હાલ શાંતિ છે. જે લોકો શંકાસ્પદ છે તેઓની પૂછપરછ ચાલુ છે. જેની સંડોવણી હશે તેને છોડવામાં નહીં આવે. સોશિયલ મીડિયામાં વર્ચસ્વની લડાઈને લઈ મનદુખ થયું હતું. હાલ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
