Ahmedabad: કેડિલા ફાર્માના CMD રાજીવ મોદીની મુશ્કેલી વધી, પીડિત બલ્ગેરિયન યુવતીને નોટિસ વિના કાઢી મૂકતા શ્રમ વિભાગમાં ફરિયાદ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 07 Mar 2024 05:41 PM (IST)Updated: Thu, 07 Mar 2024 05:41 PM (IST)
ahmedabad-news-rape-victim-bulgarian-woman-another-complaint-against-cadila-cmd-rajiv-modi

Ahmedabad: બલ્ગેરિયન યુવતી પર કથિત દુષ્કર્મ કેસના આરોપી કેડીલા ફાર્માના CMD રાજીવ મોદીની મુશ્કેલી વધી શકે છે. હકીકતમાં સજ્જડ પુરાવાના અભાવે પોલીસ દ્વારા રાજીવ મોદીને ક્લીન ચીટ આપ્યા બાદ નાટ્યાત્મક ઢબે પોલીસ સમક્ષ હાજર થયેલી પીડિત યુવતીએ શ્રમ વિભાગમાં વધી એક ફરિયાદ નોંધાવી છે.

હકીકતમાં બલ્ગેરિયન યુવતીએ શ્રમ વિભાગમાં પોતાની ફરિયાદમાં રાજીવ મોદીએ પોતાને નોટિસ વિના જોબમાંથી હકાલપટ્ટી કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. જે બાદ શ્રમ વિભાગ દ્વારા આ મામલે રાજીવ મોદીને નોટિસ ફટકારવામાં આવી છે.

પીડિત બલ્ગેરિયન યુવતીએ જણાવ્યું છે કે, નવેમ્બર-2022માં પોતે કેડિલા ફાર્મામાં જૉબ શરૂ કરી હતી. જો કે એપ્રિલ-2023માં નોટિસ વિના તેને જોબમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આટલું જ નહીં, પીડિતાએ શ્રમ વિભાગ સમક્ષ પોતાના અત્યાર સુધીના પગારની પણ માંગ કરી છે.

પીડિતાએ પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
આ કેસમાં ફરિયાદી યુવતીને 8 સમન્સ પાઠવવામાં આવ્યા હોવાનો પોલીસ દાવો કરી રહી છે. આમ છતાં યુવતી તપાસ માટે હાજર નથી થઈ. જેથી અન્ય સાક્ષીઓની જુબાની સહિત અન્ય પુરાવાના આધારે પોલીસે કોર્ટમાં સમરી રિપોર્ટ ફાઈલ કર્યો હતો.

જો કે ફરિયાદી યુવતી પણ 34 દિવસ બાદ નાટ્યાત્મક ઢબે પોલીસ સમક્ષ હાજર થઈ ગઈ હતી. જેણે પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. બલ્ગેરિયન યુવતીએ સવાલ ઉઠાવ્યો હતો કે, મારી હ્યુમન ટ્રાફિકિંગની ફરિયાદ ક્યાં લખવામાં આવી છે, ફરિયાદમાં ACP મહિલા હિમલા જોશીનું નામ ક્યાં છે? પોલીસ જણાવી રહી છે કે, પુરાવા નથી, પરંતુ મેં તેમને પુરતા પુરાવા આપ્યા છે, પરંતુ તેની આગળ કોઈ તપાસ કરવામાં જ નથી આવી. પુરાવા એકઠા કરવાનું પોલીસનું કામ પણ મારે જ કરવું પડી રહ્યું છે.

રાજીવ મોદી નાટકીય ઢબે વકીલોની ફોજ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા
યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી તે દિવસથી રાજીવ મોદી પોલીસ પકડથી દૂર રહ્યાં હતા. પોલીસ દ્વારા પણ રાજીવ મોદીને બે વખત નોટિસ ઈસ્યૂ કરીને પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવવામાં આવ્યું હતુ. આમ છતાં ધરપકડથી બચવા માટે રાજીવ મોદી વિદેશમાં રહેતા હતા.

જો કે અઠવાડિયા અગાઉ રાજીવ મોદી વકીલોની ફોજ સાથે નાટકીય ઢબે સોલા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જ્યાં 5 કલાક સુધી રાજીવ મોદીની પૂછપરછ કરવામાં આવી હતો. જેમાં રાજીવ મોદી એક જ વાતનું રટણ કરતાં હતા કે, હું દરેકની જેમ ફરિયાદી યુવતીને પણ બે હાથ જોડીને મળ્યો છું. મને બદનામ કરવાનું કાવતરૂં કરવામાં આવી રહ્યું છે.

શું છે સમગ્ર મામલો?
નવેમ્બર-2022માં કેડીલા ફાર્માસ્યૂટિકલ કંપનીમાં મૂળ બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતી નોકરી માટે જોડાઈ હતી. કંપની દ્વારા યુવતીને છારોડી ખાતે રાજીવ મોદીના ઘરની નજીક રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. ફેબ્રુઆરી-2023માં બલ્ગેરિયન યુવતી CMD સાથે ઉદયપુર ગઈ હતી. જ્યાંથી પરત ફરતી વખતે રાજીવ મોદીએ યુવતીને જાતિય ટિપ્પણી કરી હતી. જેના બે દિવસ બાદ રાજીવ મોદી સાથે યુવતી જમ્મુ ગઈ હતી, જ્યાં પણ તેમણે જણાવ્યું હતું કે, PA તરીકે નોકરી કરવી હોય તો કોઈ છોછ ના હોવો જોઈએ. જ્યારે 24 અને 26 ફેબ્રુઆરીના રોજ રાજીવ મોદીએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતુ. આ મામલે યુવતીએ મહિલા આયોગ ઉપરાંત સોલા અને નવરંગપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જો કે કોઈ કાર્યવાહી નહતી કરવામાં આવી.

આખરે કંટાળીને યુવતીએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. જેથી હાઈકોર્ટના આદેશ બાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.